પશ્ચિમ બંગાળમાં રહેતો ૩૦ લાખ વસ્તી ધરાવતો મતૂઆ સમુદાય,સીએએ સાથે ધરાવે છે ખાસ કનેકશન
મતુઆ સમુદાયના લોકોને નાગરિકતા મેળવવામાં સરળતા રહેશે
પાકિસ્તાનના ભાગલા અને બાંગ્લાદેશનું સર્જન થયું ત્યારે ભારત આવ્યા હતા.
કોલક્તા,૧૧ માર્ચ,૨૦૨૪, સોમવાર
લોકસભાની ચુંટણી જાહેર થવાની ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે કેન્દ્ર સરકારે સીટિઝન એમન્ડમેન્ટ એકટ ( નાગરિકતા સંશોધન કાનુન) લાગુ પાડીને ઐતિહાસિક પગલું ભર્યુ છે. સીઇએના અમલ અને જાહેરાતના સમયને લઇને વિપક્ષો દ્વારા વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આવી રહી છે.
સીઇએ અંગે દેશમાં ફરી ચર્ચા અને વિવાદની શકયતા વચ્ચે પશ્ચિમ બંગાળનો મતુઆ સમુદાય સીઇએના અમલથી ખૂશ જણાય છે.મતુઆ સમુદાયના ઘણા લોકો ભારતમાં રહેતા હોવા છતાં નાગરિકતાથી વંચિત રહી ગયા હતા. મતુઆ સમુદાયના લોકો ગરીબ અવસ્થામાં જીવન જીવે છે. હિંદુઓમાં જોવા મળતી જાતિપ્રથાને પડકારીને આ સમુદાયની શરુઆત ૧૮૬૦માં હરિચંદ્ર ઠાકુરે કરી હતી.
મતુઆ સમુદાય પશ્ચિમ બંગાળની ઉત્તરમાં ૨૪ પરગાનામાં રહે છે. પ્રાપ્ત માહિતી અનુસાર મતુઆ સમુદાયના લોકો ભારત અને પાકિસ્તાનના ભાગલા અને બાંગ્લાદેશનું સર્જન થયું ત્યારે ભારત આવ્યા હતા. પશ્ચીમ બંગાળમાં ૩૦ લાખની વસ્તી ધરાવે છે. મતુઆ સમુદાય નાદિયા અને બાંગ્લાદેશની સરહદ નજીક ઉત્તર અને દક્ષિણ ૨૪ પરગણા જિલ્લામાં રહે છે. આ સમુદાય રાજયની ૩૦ થી વધુ બેઠકો પર વર્ચસ્વ ધરાવે છે.
સીએએના નિયમ અનુસાર કેન્દ્ર સરકાર બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી ૩૧ ડિસેમ્બર ૨૦૧૪ સુધીમાં ભારત આવેલા ગેર મુસ્લિમ લોકોને ભારતની નાગરિકતા આપવામાં આવશે. જેમાં હિંદુ, શિખ, બૌધ્ધ, પારસી અને ઇસાઇઓનો સમાવેશ થાય છે. પૂર્વી પાકિસ્તાનથી ભારત આવેલા મતુઆ સમુદાયના લોકોને પણ ભારતની નાગરિકતા મેળવવામાં સરળતા રહેશે.