વરસાદના પાણીમાં વીજળીનો કરંટ લાગતા 3 લોકોના મોત, મિલેનિયમ સિટીમાં મહા બેદરકારી
ખુલ્લી લાઇનનો વીજ કરંટ વરસાદના પાણીમાં ફેલાઇ ગયો
ફૂટપાથ પર સ્ટ્રીટ લાઇટની ખુલ્લી લાઇન જોવા મળી હતી.
નવી દિલ્હી,૧ ઓગસ્ટ ,૨૦૨૪,ગુરુવાર
ભારતના વિવિધ ભાગોમાં મોન્સૂન આફત બનીને આવ્યું છે. ગુરુગ્રામમાં વરસાદના પાણીમાં વીજળીનો કરંટ લાગતા ૩ લોકોના મોત થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ગુરુગ્રામમાં બુધવારે રાત્રે વરસાદ પડયા પછી વીજળી વિભાગની બેદરકારીથી પાણીમાં કરંટ ફરવા લાગ્યો હતો. ગુરુગ્રામમાં કેટલાક મિત્રો પોતાના ઘરે પાછા ફરી રહયા હતા ત્યારે ફૂટપાથ પર સ્ટ્રીટ લાઇટની ખુલ્લી લાઇન જોવા મળી હતી. ખુલ્લી લાઇનનો કરંટ નજીકના પાણીમાં ફેલાયેલો હોવાથી પસાર થઇ રહેલામાંના ૩ લોકોના વીજળીના ઝાટકાથી મુત્યુ થયા હતા.
મૃતકોની ઓળખ દિવેશ જયપાલ, વીજા અને ઉજમા તરીકે થઇ હતી. મૃતકોના સગાઓએ પણ વીજળી વિભાગ પર બેદરકારી રાખવાનો આરોપ મુકીને ઘટનાની તપાસ તથા ન્યાયની માંગણી કરી હતી. ગુરુગ્રામને ભારતનું મિલેનિયમ સિટી કહેવામાં આવે છે પરંતુ મોન્સૂન પ્લાન ખૂબ નબળો હોવાથી ઠેર ઠેર પાણી ભરાઇ રહે છે. રસ્તાઓ જાણે કે તળાવ હોય એમ પાણી ભરાઇ જાય છે. ડ્રેનેજની સિસ્ટમ અને વીજળી વિભાગની બેદરકારીની લોકો ટીકા કરી રહયા છે. ગુરુગ્રામમાં ગોલ્ફ લિંકસ શહેરનો સૌથી વીેઆઇપી વિસ્તાર ગણાય છે. જયાં રહેણાંક ઘરની કિંમત ૫૦ કરોડથી માંડીને ૧૦૦ કરોડ જોવા મળે છે તેવા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાયેલા જોવા મળે છે.