VIDEO: ત્રણ હાઇવે બંધ, 4000 લોકો કારમાં ફસાયા, 680 ટ્રાન્સફોર્મર ઠપ... ભયાનક હિમવર્ષામાં ફસાયું હિમાચલ
Himachal Snowfall : હિમાચલ પ્રદેશમાં ભયંકર હિમવર્ષા પડવાના કારણે ત્રણ નેશનલ હાઇવે પર બરફની ચાદર ફેલાઈ ગઈ છે, 174 રોડ બંધ કરાયા છે, 300 બસો સહિત 1000 વાહનો રસ્તા પર ફસાયા છે. અહીં સિઝનનો બીજો ભયાનક હિમપ્રપાત પડ્યો છે, જેના કારણે હિમાચલવાસીઓની સાથે ત્યાં ગયેલા અનેક પ્રવાસીઓ ફસાઈ ગયા છે. અટલ ટનલ પાસે 4000 મુસાફરો ફસાઈ ગયા છે. હવામાન વિભાગે ગુરુવાર સુધી બિલાસપુર, ઉના, હમીરપુર અને મંડીમાં ભીષણ ઠંડી પડવાની આગાહી સાથે ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. આવી સ્થિતિમાં હિમાચલ પ્રદેશ જવાનું વિચારતાં લોકો મુશ્કેલીમાં ફસાઈ શકે છે.
ઘણાં ગામો સંપર્ક વિહોણા થયા, અનેક ઘરોમાં વીજળી ડૂલ
સોમવારે હિમાચલ પ્રદેશના 5 જિલ્લામાં સિઝનની બીજી હિમવર્ષા નોંધાઈ હતી. રોહતાંગમાં સૌથી વધુ 30 સેમી હિમવર્ષા થઈ છે. મનાલી, કુફરી, કીલોંગ, ડેલહાઉસી અને રાજધાની શિમલામાં 10થી 15 સેમી હિમવર્ષા નોંધાઈ છે. ઉપર આવેલો શિમલાનો વિસ્તાર અને કિન્નૌર રાજધાની શિમલાથી સંપર્ક વિહોણા થઈ ગયા છે. મનાલી રોહતાંગ નેશનલ હાઇવે પર ત્રણ રોડ બંધ થઈ ગયા છે. નારકંડા નેશનલ હાઇવે, થિયોગ-રોહરુ એનએચ અને થિયોગ-ચૌપાલ હાઇવે સહિત 174થી વધુ રસ્તાઓ વાહનો માટે બંધ કરાયા છે. હિમવર્ષા બાદ મનાલી સહિત વિવિધ સ્થળોએ આ રસ્તાઓ પર 300થી વધુ બસો અને 1000 નાના વાહનો તેમજ અન્ય સ્થળોએ 1000થી વધુ વાહનો ફસાયેલા છે. 680 વીજળી ટ્રાન્સફર ઠપ થઈ ગઈ છે, જેના કારણે હજારો ઘરોમાં વીજળી ડૂલ થઈ ગઈ છે.
સોમવારથી હિમવર્ષા ચાલુ, અનેક કારો ફસાઈ
હિમાચલ પ્રદેશના મનાલીમાં સોમવારે (23 ડિસેમ્બર) ભારે હિમવર્ષાના કારણે મોટી સંખ્યામાં કાર ફસાઈ ગઈ હતી. જેમાં પ્રવાસીઓ સોલંગ, અટલ ટનલ, રોહતાંગની વચ્ચે કલાકો સુધી અનેક વાહનો ફસાઈ ગયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, લગભગ આશરે એકાદ હજાર કાર લાંબા ટ્રાફિક જામમાં ફસાઈ ગઈ હતી. જ્યાર બાદ પોલીસે એક ઓપરેશન શરુ કર્યું અને જામની સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.
પોલીસે હાથ ધર્યું રેસ્ક્યુ
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા મનાલીના જામના વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે હિમવર્ષામાં મોટી સંખ્યામાં ગાડીઓ ફસાઈ હતી. પોલીસ તેને કાઢવાનો પ્રયાસ કરી રહી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, બરફથી ઢંકાયેલા પહાડોમાં નાતાલ અને નવા વર્ષની ઉજવણી કરવા આવતાં પ્રવાસીઓના ઘસારાના કારણે આ સ્થિતિ સર્જાઈ હતી.
હિમાચલમાં 3 નેશનલ હાઇવે બંધ
હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાના કારણે ગત 24 કલાકમાં 174 સ્ટેટ અને 3 નેશનલ હાઇવે (NH 03, NH 305, NH 505) બંધ કરવામાં આવ્યા છે. વીજળી અને પાણીના પણ અમુક જિલ્લાના ડિવીઝનલ એરિયા કનેક્શન કાપવામાં આવ્યા છે. જ્યારે 6 જિલ્લામાં 683 સ્થળે વીજળી પ્રતિબંધિત છે. બદલાયેલા હવામાન અને હિમવર્ષાના કારણે જન સેવાઓ પ્રતિબંધિત છે. આપત્તિ માહિતી વિભાગે જિલ્લા અનુસાર રિપોર્ટ જાહેર કર્યો છે. સહેલાણીઓ માટે પણ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે.
મુસાફરોએ હિમવર્ષાનો લીધો લ્હાવો
નોંધનીય છે કે, આ પહેલાં શિમલા બરફની ચાદરથી ઢંકાયેલું હતું, જેનાથી શહેરમાં નવી આશા અને ખુશીઓનું આગમન થયું હતું. 8 ડિસેમ્બરે પહેલાં અહીં હિમવર્ષા થઈ હતી, બાદમાં બે અઠવાડિયા પછી ફરી હિમવર્ષા શરુ થઈ, જેનો મુસાફરોએ આનંદ માણ્યો હતો. હિમવર્ષા સાથે જ સ્થાનિક પર્યટન ઉદ્યોગનો ઉત્સાહ પણ ફરી જીવંત થયો છે, જે COVID-19 મહામારીથી થયેલા નુકસાનથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ઉત્તરાખંડમાં પણ હિમાચલ જેવી સ્થિતિ
હિમાચલ પ્રદેશ જેવી સ્થિતિ ઉત્તરાખંડમાં પણ થવા લાગી છે. રાજ્યના ઘણા ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા થઈ છે. જોકે હિમાચલની તુલનામાં હજુ અહીં હિમવર્ષા ઓછી છે. તેમ છતાં ઔલી, ઉત્તરકાશી, ચકરાતા, બદ્રીનાથ, કેદારનાથ જેવા ઊંચાઈવાળા વિસ્તાર સફેદ ચાદરથી ઢંકાઈ ગયા છે. કેદારનાથ ધામમાં આ સિઝનની બીજી હિમવર્ષા છે. હિમવર્ષાના કારણે ત્યાં ચાલી રહેલું પુન:નિર્માણ કાર્ય પણ પ્રભાવિત થયું છે. કેદારનાથ ધામમાં કાલથી સતત હિમવર્ષા ચાલુ છે. ધામમાં અત્યાર સુધી એક ફૂટથી વધુ બરફ પડી ચૂક્યો છે. હવામાન વિભાગે ઍલર્ટ જારી કર્યું છે કે ક્રિસમસ અને ન્યૂ યર પર વધુ ઠંડી રહી શકે છે.
ઉત્તરાખંડમાં જાણીતા પર્યટન સ્થળો પર બરફની ચાદર ફેલાઈ
ઉત્તરાખંડના ફેમસ પર્યટન સ્થળ અને સ્કી રિઝોર્ટ ઔલી પણ એક વખત ફરીથી જોરદાર બરફના ખોળામાં આવી ચૂક્યા છે. ઔલીની ખીણોમાં તસવીરોમાં જોઈ શકાય છે કે કઈ રીતે વૃક્ષ, છોડ, મકાન, રસ્તા બધું જ અહીં બરફના ખોળામાં જોવા મળી રહ્યા છે. તે બાદ ઔલીનો નજારો ખૂબ જ સુંદર જોવા મળી રહ્યો છે. જેની રાહ પર્યટકોને અને સ્થાનિક હોટલ વેપારીઓને લાંબા સમયથી હતી. તે હવે અહીં જોવા મળી રહ્યો છે. અડધો ફૂટ બરફની મોટી ચાદરની નીચે ઔલીની ખીણ ચારેબાજુથી સફેદ જોવા મળી રહી છે. કાલે ક્રિસમસ છે અને આ સમયે વીકેન્ડના કારણે મોટી સંખ્યામાં પર્યટક ઉત્તરાખંડના ઔલી આવી રહ્યા છે. દરમિયાન તેમના માટે આ હિમવર્ષા કોઈ ભેટથી ઓછી નથી કેમ કે હવે ઔલીની ખીણ બરફથી ઢંકાઈ ગઈ છે.
જમ્મુ-કાશ્મીરમાં ઉંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા
જમ્મુ-કાશ્મીરમાં પણ હવામાન ખૂબ બદલાઈ ગયું છે. ત્યાં પણ ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા ચાલુ છે. કાલે પીર પંજાલ અને સોનમર્ગમાં હિમવર્ષા થઈ. ઘણા અન્ય વિસ્તારોમાં પણ હવામાન વિભાગનું ઍલર્ટ છે. અત્યારે કાશ્મીરનું તાપમાન સતત ઘટ્યું છે. હવે શ્રીનગરમાં રવિવારની રાત્રે માઇનસ 3.6 ડિગ્રી તાપમાન નોંધાયું. ફેમસ ડાલ સરોવર ઘટતાં પારાના કારણે જામવા લાગ્યું છે. પહેલગામમાં માઇનસ 5 ડિગ્રી તાપમાન રહ્યું. હવામાન વિભાગ અનુસાર બુધવાર સુધી તાપમાન ઝટકો આપવાનું છે.
આ પણ વાંચો : ભોપાલમાં જૂથ અથડામણ: યુવક સાથે મારામારી બાદ પથ્થરમારો, તલવારો લહેરાવાઈ, અનેક ઘાયલ