દારૂબંધીથી જબરદસ્ત ફાયદા, યૌન હિંસાના કેસ ઘટ્યાં, આ રાજ્યમાં લાખો લોકો મેદસ્વીતાથી બચ્યાં: રિપોર્ટ
Image Source: Freepik
Bihar Liquor Ban: બિહારમાં દારૂબંધીથી જબરદસ્ત ફાયદા થયા છે. બિહારમાં 2016માં કરવામાં આવેલ દારૂબંધીના કારણે દરરોજ અને સાપ્તાહિક રૂપે દારૂનું સેવન કરનારા લોકોની સંખ્યામાં 24 લાખ (7.8%)નો ઘટાડો નોંધાયો છે. એટલું જ નહીં યૌન હિંસાના કેસોમાં 21 લાખ (3.6%)નો ઘટાડો નોંધાયો છે. આ ખુલાસો 'ધ લેન્સેટ રિજનલ હેલ્થ સાઉથઈસ્ટ એશિયા જર્નલ'માં પ્રકાશિત નવા અધ્યયનમાં થયો છે.
રિપોર્ટ પ્રમાણે દારૂબંધીના કારણે રાજ્યમાં 18 લાખ પુરુષો મેદસ્વીતાથી પણ બચી ગયા છે. સંશોધકોની ટીમમાં અમેરિકાની ઈન્ટરનેશનલ ફૂડ પોલિસી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના સંશોધકો પણ સામેલ રહ્યા છે. સંશોધકોએ રાષ્ટ્રીય અને જિલ્લા સ્તરે આરોગ્ય અને ઘરે-ઘરે જઈને કરેલા સર્વેના ડેટાનું વિશ્લેષણ કર્યું છે. અધ્યયનના લેખકોએ કહ્યું કે, સખ્ત શરાબ નિયમન નીતિઓના કારણે રાજ્યમાં હિંસા અને આરોગ્ય ક્ષેત્રે નોંધપાત્ર સુધારો થયો છે.
પ્રતિબંધ પહેલા દારૂ પીનારાની સંખ્યા વધુ હતી
સંશોધકોએ જણાવ્યું કે, પ્રતિબંધ પહેલાં બિહારમાં પુરુષોમાં દારૂનું સેવન 9.7%થી વધીને 15% થઈ ગયું હતું, જ્યારે પડોશી રાજ્યોમાં તે 7.2%થી વધીને 10.3% થઈ ગયું હતું. પ્રતિબંધ બાદ તેમાં ફેરફાર આવ્યો છે. બિહારમાં દારૂના સેવનમાં 7.8%નો ઘટાડો થયો છે, જ્યારે પડોશી રાજ્યોમાં તે વધીને 10.4% થયો છે.
આવી જ રીતે બિહારમાં મહિલાઓ સામે થતી હિંસામાં પણ ઘટાડો નોંધાયો છે. જુસ્સામાં આવી હિંસા કરવાના દરમાં 4.6% અને યૌન હિંસામાં 3.6%નો ઘટાડો નોંધાયો છે.