છત્તીસગઢમાં 29 નક્સલીઓનો સફાયો, 3 જવાન ઘાયલ
- નક્સલીઓ અને બીએસએફ-પોલીસના જવાનો વચ્ચે કલાકો સુધી ભારે ગોળીબાર, 25 લાખનો ઇનામી નક્સલી કમાન્ડર પણ માર્યો ગયો
- આ વર્ષે માત્ર બસ્તર પ્રાંતમાં જ 79 નક્સલીઓ ઠાર, બીએસએફની મદદથી મહિનામાં બીજુ મોટું ઓપરેશન પાર પડાયું
- નક્સલીઓની માહિતી આપો અને પાંચ લાખનું ઇનામ-નોકરી મેળવો : પોલીસે પોસ્ટરો લગાવ્યા, 35 હજાર મોબાઇલ પર મેસેજ મોકલ્યા
- એન્કાઉન્ટર સ્થળેથી નક્સલીઓના મૃતદેહો ઉપરાંત મોટી સંખ્યામાં એકે-47, એસએલઆર, ઇન્સાસ રાઇફલો, 3એલએમજી જપ્ત
બસ્તર : લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન ૧૯મી તારીખે યોજાવા જઇ રહ્યું છે. આ ચૂંટણી પહેલા છત્તીસગઢમાં બસ્તર પ્રાંતમાં સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે ભારે ગોળીબાર થયો હતો. સુરક્ષાદળોના એન્કાઉન્ટરમાં ૨૯ નક્સલીઓ માર્યા ગયા છે. જ્યારે ત્રણ જવાનો પણ ઘાયલ થયા છે. નક્સલીઓ પાસેથી હથિયારોનો મોટો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે. જંગલોમાં નક્સલીઓ છુપાયા હોવાની બાતમીના આધારે બીએસએફ અને ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડના જવાનોની ટૂકડી નક્સલ વિરોધી ઓપરેશન માટે નિકળી હતી જે દરમિયાન સામસામે ભારે ગોળીબાર થયો હતો.
છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બસ્તર રેન્જના આઇજી સુંદરરાજ પીએ જણાવ્યું હતું કે સામસામે કલાકો સુધી ગોળીબાર ચાલ્યો હતો, જે દરમિયાન ૨૫ લાખના ઇનામી એક નક્સલી કમાન્ડર સહિત ૨૯ નક્સલીઓ માર્યા ગયા છે અને તેમના મૃતદેહો પણ મળી આવ્યા છે. સાથે જ નક્સલીઓ પાસેથી એકે-૪૭, એસએલઆર, ઇન્સાસ અને .૩૦૩ રાઇફલો, ૩એલએમજી પણ જપ્ત કરાઇ છે. ૧૯મી એપ્રીલના રોજ બસ્તર વિસ્તારમાં લોકસભાની ચૂંટણીનું મતદાન યોજાવાનું છે. જેને ધ્યાનમાં રાખીને નક્સલીઓની શોધખોળ માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આવા જ એક અભિયાન દરમિયાન નક્સલીઓની ટોળકી અને સુરક્ષા દળો બન્ને સામસામે આવી ગયા હતા. હાલ પણ બસ્તરના જંગલોમાં નક્સલીઓ છુપાયા હોવાની શંકા છે, જેને પગલે સર્ચ ઓપરેશન શરૂ રાખવામાં આવ્યું છે. આ વર્ષે બસ્તર પ્રાંતના સાત જિલ્લાઓમાં સુરક્ષાદળો-પોલીસે મળીને શરૂ કરેલા ઓપરેશનમાં કુલ ૭૯ જેટલા નક્સલીઓ માર્યા ગયા છે. આ મહિને જ બીજી તારીખે બીજાપુર જિલ્લામાં ૧૩ નક્સલીઓ માર્યા ગયા હતા, એટલે કે એક જ મહિનામાં નક્સલીઓ સામે આ બીજુ મોટુ ઓપરેશન છે. બીજી તરફ કબિરધામ વિસ્તારમાં નક્સલીઓની બાતમી કે કોઇ પણ પ્રકારની માહિતી આપનારાને પાંચ લાખનું ઇનામ અને પોલીસ વિભાગમાં નોકરી આપવાની જાહેરાત સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવી છે.
પોલીસ દ્વારા આદિવાસી વિસ્તારોમાં માહિતી આપો અને ઇનામ મેળવોના પોસ્ટરો વહેચવામાં આવી રહ્યા છે. ખાસ કરીને નક્સલ પ્રભાવિત ગામડાઓમાં પોલીસ દ્વારા આવા પોસ્ટરો પણ લગાવવામાં આવી રહ્યા છે. આ વિસ્તારમાં આશરે ૪૧ જેટલા ગામડાઓ છે, છેલ્લા બે વર્ષમાં આ કબિરધામ જિલ્લામાં નક્સલીઓની અવર જવર વધી ગઇ હોવાની જાણકારી પોલીસને મળી છે. ગામના આશરે ૩૫૦૦૦ મોબાઇલ નંબરો પર પોલીસ દ્વારા નક્સલીઓની જાણકારી આપો અને ઇનામ મેળવોના સંદેશા પણ ફરતા કરવામાં આવ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં એક લાખ મોબાઇલ નંબરો પર આ સંદેશો મોકલવાનુ લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે.
છત્તીસગઢમાં 10 વર્ષમાં 663 નક્સલીના મોત, 418 જવાન શહીદ
છત્તીસગઢ નક્સલ પ્રભાવિત રાજ્યોમાં બીજા ક્રમે છે, ગૃહ મંત્રાલયના રિપોર્ટ અનુસાર રાજ્યના ૧૪ જિલ્લા સૌથી સંવેદનશિલ છે, આ વિસ્તારોમાં દર વર્ષે ૩૦૦થી વધુ નક્સલી હુમલા થાય છે. આંકડા અનુસાર વર્ષ ૨૦૧૩થી ૨૦૨૨ વચ્ચે એટલે કે ૧૦ વર્ષમાં છત્તીસગઢમાં ત્રણ હજારથી વધુ નક્સલી હુમલા થઇ ચુક્યા છે. જેમાં ૪૧૮ જવાનો શહીદ થઇ ચુક્યા છે. જ્યારે ૬૬૩ નક્સલીઓ પણ માર્યા ગયા છે. તાજેતરમાં જે ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે તેમાં નક્સલ ટૂકડીનો કમાન્ડર શંકર રાવ પણ માર્યો ગયો છે. શંકર પર પોલીસે ૨૫ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. શંકર હુમલામાં માર્યા ગયેલા નક્સલીઓની ટૂકડીની કમાન્ડ સંભાળી રહ્યો હતો.