27 વર્ષ, 5000 કારની ચોરી, ત્રણ પત્ની અને એક ખૂન
દિલ્હી તા. 06, સપ્ટેમ્બર 2022, મંગળવાર
ભારતના સૌથી મોટા કારચોરને પકડવામાં દિલ્હી પોલીસને સફળતા મળી છે. ઓટોરીક્ષા ચાલક તરીકે પેટીયું રળતા આ ચોરની વાર્તા કોઈ ફિલ્મથી કમ નથી.
મૂળ દિલ્હી રહેવાસી અનિલ ચૌહાણ અત્યારે 52 વર્ષનો છે અને તેણે પ્રથમ વખત કારની ચોરી 27 વર્ષ પહેલા 1995માં કરી હતી. આ 27 વર્ષની ‘ઉજ્જવળ’ કારકિર્દીમાં ચૌહાણે લગબગ 5000 જેટલી કારની ચોરી કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
રીક્ષા ચલાવતા ચલાવતા તેણે કાર ચોરવાની શરૂઆત કરી. માત્ર દિલ્હીમાં જ નહી દેશના વિવિધ ભાગોમાંથી તે ગાડીઓ ચોરતો અને પછી જમ્મુ-કાશ્મીર, ઇશાન ભારતના રાજ્યો કે નેપાળમાં તે વેચી કાઢતો. પોલીસના જણાવ્યા અનુસાર મારૂતિ 800 ગાડીઓની સૌથી વધુ ચોરી કરનાર અનિલે ચોરી માટે ક્યરેક ટેક્સી ડ્રાઈવરની હત્યા પણ કરી હોવાનું સામે આવ્યું છે.
અનિલ સામે લગભગ 180 ગુના નોંધાયેલા છે. એવું નથી કે પ્રથમ વખત પકડાયો હોય. જેલવાસ ભોગવી એ બહાર નીકળી ફરી પોતાના કરતૂત શરુ કરી દેતો હતો. એક વખત કોંગ્રેસના એક ધારાસભ્ય સાથે તેની અટકાયત થઇ હતી અને પછી પાંચ વર્ષ જેલમાં રહી તે બહાર નીકળ્યો હતો.
કારચોરી દ્વારા એકત્ર કરેલી સંપત્તિ બાદ તેણે દિલ્હી છોડી આસામમાં વસવાટ શરુ ર્ક્યો હતો. એવું માનવામાં આવે છે કે તેણે દિલ્હી, મુંબઈ સિવાય અન્ય રાજ્યોમાં પણ મિલકતની ખરીદીઓ કરેલી છે.
કોઈ ચોક્કસ બાતમીના આધારે અનિલ ચૌહાણની પોલીસે આજે ફરી ધરપકડ કરી હતી. આ વખતે તેની અટકાયત કાર ચોરી માટે નહી પણ શાસ્ત્રો વેચવા માટે થઇ છે. પોલીસના સુત્રોના જણાવ્યા અનુસાર પૂર્વોત્તર રાજ્યમાં વસવાટ દરમિયાન એણે ઉભા કરેલા સંબંધો થકી તેણે હથીયારો તસ્કરી શરુ કરી હતી. ઉત્તર પ્રદેશથી હથિયારો ખરીદી તે ઉત્તર પૂર્વ રાજ્યમાં દેશવિરોધી પ્રવૃત્તિ ચલાવતા લોકો અને સંગઠનો તેનું વેચાણ કરતો હોવાનું સામે આવ્યું છે. આજે જયારે પોલીસે તેને પકડ્યો ત્યારે તેની પાસેથી ત્રણ પિસ્તોલ અને છ કારતૂસ મળી આવ્યા હતા.
અનિલે ત્રણ વખત લગ્ન કર્યા છે તેના સાત સંતાનો છે. પોલીસના જણાવ્યા અનુસાર આસામમાં સ્થાનિક નેતાઓ સાથે ઘરોબો કેળવી તેણે સરકારી કોન્ટ્રાક્ટ ઉપર બાંધકામના કામ પણ શરુ કર્યા હતા.