250 આતંકવાદી ભારતમાં ગમે ત્યારે કરી શકે છે ઘૂસણખોરી, PoKમાં લોન્ચ પેડ તૈયાર કર્યા, જાણો BSFએ શું કહ્યું
ભારત સરકાર દ્વારા સમયાંતરે જાહેર કરાતા ડેટા અનુસાર, જમ્મુ કાશ્મીરથી કલમ 370 હટ્યા બાદ પરિસ્થિતિમાં સુધારો આવી રહ્યો છે. પહેલા જે વિસ્તારોમાં આતંકવાદીઓનો ખોફ રહેતો હતો, માસૂમ લોકો જેનો શિકાર બનતા હતા, તે વિસ્તારોમાં શાંતિ આવી છે. જે લાલ ચોકથી ભારત વિરોધી નારા લગાવાતા હતા અને હવે કાશ્મીરી લોકો શાનથી તિરંગો લહેરાવતા નજરે પડે છે. ભારત માટે આ સમાચાર રાહત આપનારા છે, પરંતુ પાકિસ્તાની આતંકવાદીઓને કાશ્મીરની શાંતિ પસંદ નથી આવી રહી. ગુપ્ત માહિતી અનુસાર, LoCને પાર પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર PoKમાં સ્થિત લોન્ચ પેડ પર લગભગ 250-300 આતંકવાદી જમ્મૂ કાશ્મીરમાં ઘૂસણખોરી કરવાની ફિરાકમાં છે. BSFના ઉચ્ચ અધિકારીએ આજે આ માહિતી આપી.
કાશ્મીરમાં BSF અલર્ટ મોડ પર
આતંકવાદી ઘૂસણખોરી ન કરી શકે તે માટે સેના સતર્ક છે. BSFના મહાનિરીક્ષક અશોક યાદવે દક્ષિણ કાશ્મીરના પુલવામામાં પત્રકારોને કહ્યું કે, ગુપ્ત માહિતી મળી છે કે, 250-300 આતંકવાદી લોન્ચ પેડ પર ઘૂસણખોરીની રાહ જોઈ રહ્યા છે, પરંતુ અમે અને સેના તમામ સંવેદનશીલ સ્થળો પર ચાંપતી નજર રાખી રહ્યા છીએ અને અમે સતર્ક છીએ.
અશોક યાદવે વધુમાં પત્રકારોને જણાવ્યું કે, BSF અને સેના બહાદૂર જવાન બોર્ડર વિસ્તારમાં સતર્ક છે અને ઘૂસણખોરીના તમામ પ્રયાસને અમે નિષ્ફળ બનાવી દઈશું. ગત કેટલાક વર્ષોમાં સેના અને કાશ્મીરના લોકો વચ્ચે સંબંધ ઘણા સારા થયા છે. જો અહીંના લોકો અમારો સાથ આપે તો અમે આવનારા દિવસોમાં તેને વધારે સુધારીશું.
નવી રણનીતિ તૈયાર કરી રહ્યા છે આતંકી
ઉંચા વિસ્તારોમાં પાકિસ્તાની અને સ્થાનિક આતંકવાદીઓ સામે લડવા અને ઠંડીની ઋતુમાં તેમની ઘૂસણખોરીના પ્રયત્નોને નાકામ કરવાના સતત પ્રયાસો છતા આતંકવાદી કાશ્મીરમાં આતંક મચાવવા માટે નવી રણનીતિ તૈયાર કરી રહ્યા છે.
આતંકવાદમાં ઘટાડાના કારણે આ વિસ્તારમાં પર્યટનમાં વધારો જોવા મળ્યો છે. આ વર્ષે નવેમ્બર સુધી લગભગ 2 કરોડ પર્યટકોએ મુલાકાત લીધી, જે ગત વર્ષોની સરખામણીએ વધારે છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ભવિષ્યવાણી કરી છે કે, જમ્મૂ અને કાશ્મીરમાં આવનારા વર્ષોમાં પર્યટકોની સંખ્યા 2 કરોડથી વધુ થઈ જશે.