કમ્બોડિયામાં ચાલતા સ્કેમમાં ફસાયા સેંકડો ભારતીયો, 250 નાગરિકોને પાછા લવાયા
ઈસ્ટ એશિયાના દેશ કંબોડિયામાં ચાલી રહેલા મોટા સ્કેમમાં ફસાઈ ગયેલા 250 કરતા વધારે ભારતીયોને સરકાર સહી સલામત પાછા લાવી છે.
ભારતના વિદેશ મંત્રાલય દ્વારા તેમની ઘરવાપસી માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા હતા. આ ભારતીયોને નોકરીની લાલચ આપીને કમ્બોડિયા લઈ જવામાં આવ્યા હતા પણ ત્યાં જઈને તેમને એક મોટા કૌભાંડમાં સંડોવી દેવાયા હતા.
વિદેશ મંત્રાલયે શનિવારે કહ્યુ હતુ કે, ભારતીય નાગરિકોને બચાવવામાં આવ્યા છે અને તેમને પરત લાવવામાં આવ્યા છે. આ અભિયાન માટે કેન્દ્ર સરકાર કમ્બોડિયાના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે.
પ્રવકતાએ કહ્યુ હતુ કે, ભારતીયોને સાઈબર ક્રાઈમના કૌભાંડમાં બળજબરીથી કામ કરવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. 250 જેટલા ભારતીયો પૈકી 75ને ભારત પાછા લાવવામાં છેલ્લા ત્રણ મહિનામાં સફળતા મળી છે. અમે કમ્બોડિયામાં ફસાયેલા ભારતીય નાગરિકો અંગેનો મીડિયા અહેવાલ જોયો હતો. કમ્બોડિયા સ્થિત ભારતીય દૂતાવાસ ભારતીય નાગરિકોની ફરિયાદો પર ધ્યાન આપી રહ્યુ છે.
વિદેશ મંત્રાલયના પ્રવકતા રણધીર જાયસ્વાલે કહ્યુ હતુ કે, એજન્ટોની ચૂંગાલમાં આ ભારતીયો ફસાઈ ગયા હતા અને તેમને નોકરીની લાલચ આપીને કમ્બોડિયા મોકલવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં લગભગ 250 જેટલા ભારતીયોને પાછા લાવવામાં આવ્યા છે. આ પૈકીના 75ને તો અમે ત્રણ મહિનામાં જ રેસ્ક્યુ કર્યા છે. આ સિવાય પણ બીજા કેટલાક ભારતીય નાગરિકો ફસાયા હોવાની આશંકા છે. જેના પર કાર્યવાહી ચાલી રહી છે.