માનવ તસ્કરીનો કેસ : ફ્રાન્સમાં ફસાયેલા વધુ 25 મુસાફરો મુંબઈ રવાના, શરણ માટે કરી હતી અરજી
ફ્રાન્સે ત્યાં જ રોકાયેલા વધુ 25 ભારતીયો સાથેની ફ્લાઈટ મુંબઈ રવાના કરી દીધી
આ દરમિયાન પાંચ સગીરોને બાળ કલ્યાણ સેવામાં રખાયા છે
image : Envato |
France Flight News | ફ્રાન્સમાં માનવ તસ્કરીના આરોપમાં ફસાયેલા 303 લોકોમાંથી 276 યાત્રીઓને લઈને એક ફ્લાઈટ મુંબઈ આવી પહોંચ્યા બાદ ફ્રાન્સે ત્યાં જ રોકાયેલા વધુ 25 ભારતીયો સાથેની ફ્લાઈટ મુંબઈ રવાના કરી દીધી છે. આ તમામ ફ્રાન્સમાં આશ્રય મેળવવાના ઉદ્દેશ્યથી ત્યાં રોકાઈ ગયા હતા.
ફ્રાન્સ સરકારે કરી કાર્યવાહી
ખરેખર થોડા દિવસો પહેલા ફ્રાન્સે માનવ તસ્કરીના આરોપમાં ભારતીય મૂળના નાગરિકોથી ભરેલા પ્લેનને અટકાયતમાં લીધું હતું. ત્યારપછી પેરિસથી 276 મુસાફરોને ભારત મોકલવામાં આવ્યા હતા. પરંતુ 25 મુસાફરો ક્લોન્સ-વેટ્રી એરપોર્ટ પર જ રોકાઈ ગયા હતા અને તેમણે ફ્રાન્સ પાસે શરણની માગ કરી હતી. જો કે હવે ફ્રાંસ સરકારે તેમને પણ મુંબઈ મોકલી દીધા છે. આ દરમિયાન પાંચ સગીરોને બાળ કલ્યાણ સેવામાં રખાયા છે.
અટકાયતમાં લીધેલા લોકોને પણ છોડી મૂક્યા
ફ્રાન્સના મીડિયા અનુસાર સ્થાનિક જજે ઔપચારિક રીતે નાગરિકોને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. ફ્રાન્સે આ 25માંથી બે લોકોની પૂછપરછ માટે અટકાયત કરી હતી. ધરપકડ કરાયેલા બેને બાદમાં મુક્ત કરવામાં આવ્યા હતા, તપાસમાં જાણવા મળ્યું કે મુસાફરો તેમની સ્વતંત્ર ઇચ્છાથી વિમાનમાં સવાર થયા હતા ત્યારે માનવ તસ્કરીના આરોપો હટાવી દેવાયા હતા.