જમ્મુમાં તીર્થયાત્રીઓની બસ ખીણમાં ખાબકી, 22નાં મોત, 54 ઘાયલ
- ઉ.પ્રદેશની બસ શીવખેરા જતા 150 ફૂટ ઉંડી ખીણમાં પડી
- 6ની સ્થિતિ ગંભીર : કાર સામેથી પૂરઝડપે આવતા અકસ્માત સર્જાયો
જમ્મુ : જમ્મુ જિલ્લામાં તિર્થયાત્રીઓને લઇ જતી બસ રસ્તા પરથી ખડી પડતા ખીણમાં પડી જતાં ૨૧ લોકોનાં મોત થયા છે અને ૪૭ લોેકો ઘાયલ થયા છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે.
જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર (એલજી) મનોજ સિંહાએ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો અંગે દુ:ખ વ્યક્ત કર્યુ છે.
જિલ્લાના ચોકી ચોરા બેલ્ટ વિસ્તારમાં આવેલા તુંગી મોર્હમાં આ અકસ્માત સર્જાયો હતો અને બસ ૧૫૦ ફૂટ ઉંડી ખીણમાં પડી ગઇ હતી તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે.
પોલીસ પ્રવક્તાના જણાવ્યા અનુસાર બપોરે ૧૨.૩૫ વાગ્યે યુપી૮૧સીટી-૪૦૫૮ રજિસ્ટ્રેશન નંબર ધરાવતી ખીણમાં પડી હતી જેના કારણે ૨૧ યાત્રીઓનાં મોત થયા છે અને ૪૭ ઘાયલ થયા છે.
આ બસ હરિયાણાના કુરુક્ષેત્રના તીર્થયાત્રાઓને જમ્મુ-કાશ્મીરના રેઅસી જિલ્લાના પોની વિસ્તારમાં આવેલ શિવ કોરી તરફ લઇ જઇ રહી હતી.આ બસ ઉત્તર પ્રદેશમાંથી મુસાફરી શરૂ કરી હતી.
પોલીસ પ્રવક્તાના જણાવ્યા અનુસાર મૃતદેહોને અખનૂર સબ જિલ્લા હોસ્પિટલમાં શિફટ્ કરવામાં આવ્યા હતાં. ઘાયલો પૈકી સાતને અખનૂર હોસ્પિટલમાં અને ૪૦ને જમ્મુની સરકારી મેડિકલ કોલેજમાં સારવાર આપવામાં આવી રહી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે શરૂઆતમાં તમામ ઘાયલોને અખનૂર હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં. જો કે ત્યારબાદ ૪૦ ઘાયલોને જમ્મુની જીએમસી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હરતાં. જે પૈકી છની સ્થિતિ ગંભીર બતાવવામાં આવી રહી છે.
ઘાયલ યાત્રીઓના જણાવ્યા અનુસાર જોખમી વળાંક પર સામેથી પૂરઝડપે કાર આવતા આ અકસ્માત સર્જાયો હતો. સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ (ટ્રાફિક) ફૈસલ કુરેશી, ટ્રાન્સપોર્ટ કમિશનર અને અન્ય અધિકારીઓએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને બચાવ અભિયાનની સમીક્ષા કરી હતી.