દિલ્હીમાં 20 હજારથી વધુ ટ્યૂબવેલ ગેરકાયદેસર, પાતાળમાંથી પાણી ખેંચતા 11000થી વધુ બોર સીલ
નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (એનજીટી)એ એક અહેવાલ પ્રકાશિત કર્યો
ગેરકાયદેસર બોરમાં સૌથી વધુ ૯૧૨૮ ઉત્તર પશ્ચિમી દિલ્હીમાં છે
નવી દિલ્હી,૧૮ એપ્રિલ,૨૦૨૪,ગુરુવાર
દિલ્હીના ગ્રાઉન્ડ વોટર બોર્ડ (ડીજીબી)ને ટાંકીને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (એનજીટી)એ એક અહેવાલ પ્રકાશિત કર્યો છે જેમાં દિલ્હીંમાં ૨૦ હજારથી વધુ ગેર કાયદેસર ટયૂબવેલ હોવાની ચોંકાવનારી માહિતી આપવામાં આવી છે. કુલ ૨૦૫૨૨ ગેરકાયદેસર બોરમાંથી ૧૧૧૯૭ સીલ કરવામાં આવ્યા છે જયારે ૮૧૭૮ પર કાર્યવાહી કરવાની બાકી છે.
એનજીટીના અહેવાલના આધારે ડીજીબીના જણાવ્યા અનુસાર કુલ ગેરકાયદેસર બોરમાં સૌથી વધુ ૯૧૨૮ ઉત્તર પશ્ચિમી દિલ્હીમાં છે જેમાંથી ૫૯૦૧ને સીલ કરવામાં આવ્યા છે. ત્યાર પછી દક્ષિણ પશ્ચિમ દિલ્હીમાં ૬૬૮૧ બોરવેલ છે જેમાંથી ૨૪૩૪ને સીલ કરવામાં આવ્યા છે. પશ્ચિમી દિલ્હીમાં કુલ ૨૧૮૫ કુવા છે જેમાંથી ૧૫૭૩ સીલ કરવામાં આવ્યા છે. ડીજેબી દ્વારા પ્રસ્તુત અહેવાલમાં એમ પણ જણાવાયું છે કે નવી દિલ્હીમાંના ૭૫ અને દક્ષિણ દિલ્હીના ૮૪ જિલ્લાઓમાં ભૂજળ કાઢતા તમામ બોરવેલ સિલ કરવામાં આવ્યા છે. ૨૦૨૧માં ડીજેબીએ એનજીટીને ૧૯૬૬૧ ગેર કાયદેસર બોરવેલ હોવાની માહિતી આપી હતી.
આ માહિતી આપ્યા પછી છેલ્લા ૩ વર્ષમાં બોરવેલની સંખ્યા વધીને ૧૦૦૦ થઇ છે. દિલ્હીના પર્યાવરણ વિભાગે દિલ્હી સરકારને ભૂજળ દોહનની મંજુરી નહી આપવાની સુચના આપી છે. સાથે સાથે બોરવેલની આપવામાં આવેલી અનુમતિ અંગેની સ્થિતિ દર્શાવતું એક પોર્ટલ પણ તૈયાર કરવામાં આવશે. પ્રત્યેક બોરવેલની સ્થિતિ દર્શાવતો ગ્રાફ તૈયાર કરવામાં આવશે. ખાસ કરીને જે સ્થળોએ પીવાના પાણીનું સ્તર પીવાલાયક અને નીચું છે ત્યાં મંજુરી આપવામાં આવશે નહી.