Get The App

ભારતમાં કોવિશીલ્ડના 205 કરોડ ડોઝ અપાયા : આડઅસરના જોખમથી ખળભળાટ

Updated: Apr 30th, 2024


Google NewsGoogle News
ભારતમાં કોવિશીલ્ડના 205 કરોડ ડોઝ અપાયા : આડઅસરના જોખમથી ખળભળાટ 1 - image


- કોવિશીલ્ડથી આડઅસરો થતી હોવાનો એસ્ટ્રાજેનેકાની યુકે કોર્ટમાં કબૂલાત

- રસીની આડઅસરો એક મહિનામાં જ દેખાય છે, તેથી ભારતમાં બે વર્ષ પહેલાં રસી લીધી હોય તેવા લોકોએ ચિંતા કરવાની જરૂર નથી : નિષ્ણાતો

લંડન/નવી દિલ્હી : કોરોના મહામારીથી દુનિયાભરમાં લાખો લોકોનાં મોત થયા હતા. આ બીમારીથી બચવા માટે સમગ્ર વિશ્વની સરકારોએ ઉતાવળે લોકો માટે રસીની વ્યવસ્થા કરી હતી.  કોરોનાની રસી બનાવનારી અનેક કંપનીઓમાં ઑક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાનો સમાવેશ થાય છે. આ કંપનીએ હવે કબૂલ્યું છે કે તેની રસીના કારણે કેટલાક લોકો આડ અસરના ભાગરૂપે હાર્ટ એટેક અથવા બ્રેઈન સ્ટ્રોકનું જોખમ રહે છે. ભારતમાં કોરોના રસીના અંદાજે ૨૨૧ કરોડ ડોઝ અપાયા છે, જેમાં ૨૦૫ કરોડ ડોઝ કોવિશીલ્ડના હતા. ત્યારે કંપનીની આ કબૂલાત પછી ભારતમાં ભારે ખળભળાટ મચી ગયો છે. દેશમાં કરોડો લોકોએ એસ્ટ્રાજેનેકાની કોવિશીલ્ડ રસી લગાવી હતી. કંપનીનું કહેવું છે કે તેની રસીના કારણે લોહી ગંઠાઈ જવાની આશંકા રહેલી છે.

ભારતમાં કોવિશીલ્ડનું ઉત્પાદન અદાર પૂનાવાલાની સીરમ ઈન્સ્ટિટયૂટે કર્યું હતું. માત્ર દેશ જ નહીં દુનિયામાં પણ કોરોના મહામારી ખૂબ જ ઝડપે ફેલાઈ રહી હતી ત્યારે સીરમ ઈન્સ્ટિટયૂટે રોકેટ ગતિએ રસીનું ઉત્પાદન શરૂ કર્યું હતું. કોરોના મહામારીના લગભગ ચાર વર્ષ પછી હવે એસ્ટ્રાજેનેકાનું કહેવું છે કે તેની કોવિડ રસી લગાવવાથી કેટલાક કિસ્સામાં આડઅસર થઈ શકે છે.

એસ્ટ્રાજેનેકાની કબૂલાત પછી દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સૌરભ ભારદ્વાજે મંગળવારે કેન્દ્ર સરકારને કોવિશીલ્ડ રસીની આડ અસરો અંગે તપાસ કરવા જણાવ્યું છે. ભારદ્વાજે ભારતમાં હાર્ટ એટેકના કારણે અચાનક થઈ રહેલા મૃત્યુ અને રસીની આડ અસરો અંગે કથિત જોડાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે વર્ષ ૨૦૨૧ની શરૂઆતથી જ સલામતીના કારણોસર જર્મની, ફ્રાન્સ, સ્પેન, ફિનલેન્ડ, નોર્વે અને ડેન્માર્ક સહિતના યુરોપીયન દેશોમાં પ્રતિબંધ મૂકાયો છે. 

ભારદ્વાજે જણાવ્યું હતું કે, આપણે સોશિયલ મીડિયામાં તાજેતરમાં અચાનક જ લોકોના મરવાના વિશેષરૂપે યુવાનોના કામ કરતાં, ડાન્સ કરતાં, ગાતા, કોઈ પ્રવૃત્તિ કરતાં પડી જવાના અને હાર્ટ એટેકથી મોતના સમાચારો જોયા છે. આ ઘટનાઓ વખતે અનેક લોકોએ આ ઘટનાઓને કોરોનાની રસી સાથે જોડીને આશંકાઓ વ્યક્ત કરી હતી. કોવિશીલ્ડથી આડઅસર થતી હોય તો તેને કેવી રીતે અટકાવી શકાય તે બાબત પર સરકારે કામ કરવું જોઈએ.

નોંધનીય છે કે ભારતમાં કોરોના રસીના અંદાજે ૨૨૧ કરોડથી વધુ ડોઝ અપાયા હતા, જેમાંથી ૯૩ ટકા ડોઝ કોવિશીલ્ડના હતા. કોરોના રસીને મોનિટર કરનારી એપ્લિકેશન કોવીનના ડેટા મુજબ એઈએફઆઈના કિસ્સામાં ૦.૦૦૭ ટકા છે. આ ડોઝમાં અંદાજે ૧૭૦ કરોડ ડોઝ કોવિશીલ્ડના લાગેલા છે. બીજીબાજુ દુનિયામાં એસ્ટ્રાજેનેકાના ૨૫૦ કરોડથી વધુ ડોઝ લગાવાયા છે. 

વર્ષ ૨૦૨૧માં જ યુરોપિયન મેડિસિન એજન્સીએ ૨૨૨ લોકોમાં એસ્ટ્રાજેનેકાના કારણે બ્લડ ક્લોટિંગ થયા હોવાની વાત કરી હતી. ૨૦૨૧માં જ કોવિશીલ્ડ રસીથી લોહી ગંઠાઈ જવાના જોખમની ચેતવણી આપી હતી. ભારતમાં પણ લોહી ગંઠાઈ જવા અંગે માહિતી અપાઈ હતી અને તેના પર નજર રખાઈ હતી, પરંતુ રસીના ફાયદા કરતાં નુકસાનનો આંક બહુ નગણ્ય છે.

વધુમાં અપોલો હોસ્પિટલના ન્યૂરોલોજિસ્ટ ડૉ. સુધીર કુમારે કહ્યું કે, કોરોના રસી સંબંધિત આડઅસરો સામાન્ય રીતે રસીકરણના થોડાક સપ્તાહોની અંદર જોવા મળી શકે છે. તેથી ભારતમાં જે લોકોએ બે વર્ષ પહેલાં રસી લીધી હોય તેમણે ચિંતા કરવાની જરૂર નથી. નેશનલ ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના સહ-અધ્યક્ષ ડૉ. રાજીવ જયદેવને કહ્યું કે, રસીની આડઅસરો પહેલા ડોઝ પછી પહેલા મહિનામાં જ જોવા મળી શકે છે, ત્યાર પછી નહીં. આ સિવાય ભારતમાં રસીના કારણે લોહી ગંઠાઈ જવાની ઘટનાઓ નોંધાઈ નથી.

અગાઉ, બ્રિટનમાં એક કાયદાકીય કેસમાં એસ્ટ્રાજેનેકાએ કબૂલ્યું છે કે કોરોનાની રસી કોવિશીલ્ડથી લોકોમાં લોહી ગંઠાઈ જવા સહિતની કેટલીક આડઅસરો જોવા મળી શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો આ રસી હાર્ટ એટેક, બ્રેઈન સ્ટ્રોક અને પ્લેટલેટ્સ ઘટવાનું કારણ બની શકે છે. કંપનીએ તેની સાથે ઉમેર્યું હતું કે, કેટલાક જ કિસ્સામાં આડઅસરો જોવા મળી શકે છે અને તેનાથી લોકોએ ડરવાની જરૂર નથી. 

બ્રિટનમાં જેમી સ્કોટ નામની એક વ્યક્તિએ એસ્ટ્રાજેનેકા કંપની વિરુદ્ધ કોર્ટમાં કેસ કર્યો હતો. તેમનું કહેવું હતું કે, એસ્ટ્રાજેનેકા રસી લગાવ્યા પછી તેઓ બ્રેઈન ડેમેજનો ભોગ બન્યા હતા. તેમની જેમ જ અનેક અન્ય પરિવારોએ પણ રસીની આડ અસરો અંગે કોર્ટમાં ફરિયાદ કરી છે. તેમનું કહેવું છે કે આ રસી લગાવવા બદલ તેમણે અનેક પ્રકારના શારીરિક વિકારોનો સામનો કરવો પડી રહ્યો છે. યુકે કોર્ટમાં એસ્ટ્રાજેનેકાની કબૂલાત પછી કંપની મુશ્કેલીમાં મુકાઈ શકે છે. કોર્ટ અરજદારોનો દાવો સ્વીકારી લે તો કંપનીએ અસરગ્રસ્તોને જંગી વળતર ચૂકવવું પડી શકે છે.


Google NewsGoogle News