Get The App

2024ની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત, આવતીકાલે 57 બેઠક પર 7મા તબક્કાનું મતદાન, 4 જૂને પરિણામ

Updated: May 31st, 2024


Google NewsGoogle News
2024ની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત, આવતીકાલે 57 બેઠક પર 7મા તબક્કાનું મતદાન, 4 જૂને પરિણામ 1 - image


Lok Sabha Elections 2024 |લોકસભાની ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કાનો પ્રચાર પૂર્ણ થઇ ગયો છે. જે સાથે જ આ ચૂંટણીના પ્રચારનો પણ અંત આવ્યો છે. હવે 1 જૂને અંતિમ તબક્કાનું મતદાન થશે અને ૪ તારીખના રોજ ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે. અંતિમ તબક્કામાં સાત રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ ચંડીગઢની કુલ 57 બેઠકો પર મતદાન યોજાશે. જેમાં પંજાબની તમામ 13, હિમાચલની 4, ઉત્તર પ્રદેશની 13, બંગાળની 9, બિહારની 8, ઓડિશાની 6 અને ઝારખંડની 3 બેઠકોનો સમાવેશ થાય છે. લોકસભાની 543 માંથી 486 બેઠકો પર 28 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મતદાન પૂર્ણ થઇ ગયું છે.

પ્રથમ તબક્કામાં 66.14, બીજામાં 66.71, ત્રીજામાં 65.68, ચોથામાં 69.16, પાંચમા તબક્કામાં 62.2 અને છઠ્ઠા તબક્કામાં 63.36 ટકા મતદાન થયું હતું. ભાજપના ચૂંટણી પ્રચારની કમાન નરેન્દ્ર મોદીએ સંભાળી હતી, તેમણે આ દરમિયાન કોંગ્રેસ પર ભ્રષ્ટાચાર, હિન્દુઓની સંપત્તિ લઇને મુસ્લિમોને આપી દેવા, ઓબીસી અનામત મુસ્લિમોને આપી દેવા સહિતના આરોપો લગાવી પ્રહારો કર્યા હતા. સાથે જ રામ મંદિરનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. જ્યારે વિપક્ષ ઇન્ડિયા ગઠબંધને ભાજપને મહિલાઓ, યુવાઓ, ખેડૂતો, અનામત અને બંધારણ વિરોધી ગણાવી હતી. સાથે દાવો કર્યો હતો કે જો ભાજપ સત્તામાં આવશે તો બંધારણ બદલી નાખશે અને અનામત છીનવી લેશે વગેરે મુદ્દા ઉઠાવ્યા હતા.

લોકસભાની ચૂંટણીમાં આશરે 8360 ઉમેદવારો મેદાનમાં છે. જેમાંથી 1643 (20 ટકા) ઉમેદવારોએ પોતાની સામે ક્રિમિનલ કેસો ચાલી રહ્યા હોવાનું જણાવ્યું છે. આ ઉમેદવારોમાંથી 1191 (14 ટકા) સામે હત્યા, હત્યાનો પ્રયાસ, મહિલાઓ સામેના અપરાધો અને હેટ સ્પીચ જેવા ગંભીર ગુનાના કેસો નોંધાયેલા છે. સાતમા અને અંતિમ તબક્કામાં 904 માંથી 199 ઉમેદવારો સામે ક્રિમિનલ કેસો છે, જેમાંથી 151 ઉમેદવારો ગંભીર ગુનાના કેસોનો સામનો કરી રહ્યા છે. કુલ 8360 ઉમેદવારોમાંથી 8337ના સોગંદનામાનો એડીઆર સંસ્થા દ્વારા અભ્યાસ કરાયો હતો જેમાં આ તારણ બહાર આવ્યું હતું. 

સૌથી વધુ ક્રિમિનલ કેસો ધરાવતા ટોચના પાંચ ઉમેદવારો પર નજર કરીએ તો કેરળના વાયનાડમાં ભાજપના ઉમેદવાર કે સુરેન્દ્રન સામે 243 જેટલા ક્રિમિનલ કેસો છે. જેમાંથી 139 ગંભીર ગુનાના કેસો છે. કેરળના એર્નાકુલમના ભાજપના ઉમેદવાર ડો. કેએસ રાધાક્રિશ્નન સામે ૨૧૧ ક્રિમિનલ કેસો છે. સૌથી વધુ ક્રિમિનલ કેસો ધરાવતા ઉમેદવારોમાં ત્રીજા ક્રમે પણ ભાજપના જ ઉમેદવાર અર્જુન સિંઘનો સમાવેશ થાય છે કે જેઓ બંગાળના બેરકપુરમાંથી ચૂંટણી લડી રહ્યા છે.  

બે મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસ પર નજર કરીએ તો ભાજપના કુલ 440 ઉમેદવારોમાંથી 191 જ્યારે કોંગ્રેસના કુલ 327 માંથી 143 ઉમેદવારોની સામે ક્રિમિનલ કેસો છે. વર્ષ 2019 અને આ લોકસભાની ચૂંટણીમાં ક્રિમિનલ કેસો ધરાવતા ઉમેદવારોની સંખ્યામાં કોઇ જ ઘટાડો નથી જોવા મળ્યો. જ્યારે સંપત્તિ પર નજર કરીએ તો કુલ 8337 માંથી 2572 ઉમેદવારો કરોડપતિ છે. જેમાં પીડીપીના ચંદ્રશેખર પેમ્માસાની પાસે સૌથી વધુ 5705 કરોડ રૂપિયાની સંપત્તિ છે, ભાજપના કોન્ડા રેડ્ડી પાસે 4568 કરોડ, ભાજપના પલ્લવી શ્રીનિવાસન ડેંપો પાસે 1361 કરોડ, ભાજપના નવીન જિંદલ પાસે 1241 કરોડ જ્યારે કોંગ્રેસના નકુલનાથ પાસે 716 કરોડ રૂપિયાની સંપત્તિ છે. જ્યારે આ લોકસભાની ચૂંટણીમાં તમામ સાત તબક્કામાં મહિલા ઉમેદવારોની સંખ્યા 10 ટકાથી નીચે રહી છે. માત્ર છઠ્ઠા અને સાતમા તબક્કામાં આ સંખ્યા 10 ટકા ઉપર રહી. કુલ 8337 માંથી માત્ર 797 (9.56 ટકા) જ મહિલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં જોવા મળી.


Google NewsGoogle News