બાલાકોટ એરસ્ટ્રાઈકની એ પાંચ હકીકત, જે સ્વીકારવાની પાકિસ્તાન પાસે પાંચ વર્ષેય હિંમત નથી...
ભારતીય સેના દ્વારા પાકિસ્તાનમાં ઘુસી કરાયેલા બાલાકોટ એરસ્ટ્રાઈકને આજે પાંચ વર્ષ પૂર્ણ
2019નીમાં આતંકી હુમલામાં 40 જવાનો શહીદ થતા ભારતીય સેનાએ 300 આતંકીને મોતને ઘાટ ઉતાર્યા હતા
Balakot Airstrike : પાકિસ્તાનના જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ વર્ષ 2019ની 14મી ફેબ્રુઆરીએ પુલવામા (Pulwama Attack)માં CRPFના કાફલા પર આત્મઘાતી હુમલો (Terrorist Attack) કર્યો હતો, જેમાં 40 જવાનો શહીદ થયા હતા. હુમલા બાદ આતંકવાદીઓ એવું વિચારતા હશે કે, ભારતીય સેના (Indian Army) હવે કોઈ એક્શન નહીં લે અથવા નાની-મોટી કાર્યવાહી કરશે. જોકે ભારતીય સેના પણ કાંઈ કમ નથી... માત્ર 12 દિવસ બાદ સેનાએ એવી કાર્યવાહી કરી કે આતંકવાદીઓ ડરતા થઈ ગયા. સેનાએ 2019ની 26મી ફેબ્રુઆરીએ આતંકવાદીઓના ઠેકાણાઓ એવા હુમલા કર્યા કે, આખા પાકિસ્તાનમાં ધાક જમાવીને બેઠેલા આતંકવાદીઓને માથે મોત દેખાવા લાગ્યું.
‘તમે નિશ્ચિત થઈ સુઈ જાવ, પાકિસ્તાનની વાયુ સેના જાગી રહી છે’ : ટ્વિટ વાયરલ
પુલવામાં હુમલાને પાંચ વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે તાજેતરમાં જ એક ટ્વિટ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. ટ્વિટમાં બતાવાયું છે કે, “પાકિસ્તાન ડિફેન્સ (Pakistan Defence) નામના હેન્ડલ પરથી 2019ની 26મી ફેબ્રુઆરીની રાત્રે 12:06 કલાકે એક મેસેજ પોસ્ટ કરાયો હતો અને તેમાં લખાયું છે કે, ‘તમે નિશ્ચિત થઈ સુઈ જાવ, પાકિસ્તાન વાયુ સેના જાગી રહી છે.’ આ પોસ્ટમાં એક F-16 ફાઈટર જેટની તસવીર પણ જોવા મળી રહી છે.”
પાકિસ્તાનની સેના સુતી રહી ને ભારતીયોએ બદલો લઈ લીધો
બીજીતરફ આતંકવાદીઓનો નામોનિશાન મિટાવવા આગળ વધેલી ભારતીય સેનાએ તે જ રાત્રીના 3.45 કલાકે બાલાકોટમાં હુમલો કર્યો, હુમલામાં 1000 કિલો વજનના બોંબ છોડી આતંકીઓના ઠેકાણાઓનો નાશ કરી નાખ્યો. એટલે કે આતંકવાદીઓ અને તેના ઠેકાણાઓનો તાત્કાલીક રાખમાં બદલી નાખવાનો ઈરાદો સ્પષ્ટ હતો. તે સમયે સેનાએ બાલાકોટ એરસ્ટ્રાઈકમાં લગભગ 300 આતંકવાદીઓનો સફાયો કરી નાખ્યો હોવાના અહેવાલો સામે આવ્યા હતા.
બાલાકોટ એરસ્ટ્રાઈકની એ પાંચ હકીકત, જે સ્વીકારવાની પાકિસ્તાન પાસે પાંચ વર્ષેય હિંમત નથી
1... હુમલા સ્થળે 300 મોબાઈલ એક્ટિવ
નેશનલ ટેક્નિકલ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (NTRO)એ બાલાકોટ એરસ્ટ્રાઈક પહેલા પુષ્ટિ કરી હતી કે, જે ઠેકાણાઓ પર હુમલા કરાયા, ત્યાં લગભગ 300 મોબાઈલ એક્ટિવ છે. જોકે આ વાતને પાકિસ્તાને ક્યારે સ્વિકારી નથી.
2... મિરાજ-2000ની બનાવટ
વર્ષ 2019ની 26મી ફેબ્રુઆરીએ મિરાજ ફાઈટર પ્લેન (Mirage-2000 Fighter Plane) ગ્વાલિયરથી ઉડ્યું ત્યારે આગરા, બરેલીના એરબેઝ પણ એલર્ટ થઈ ગયા હતા. આ ઉપરાંત પાકિસ્તાની એર ડિફેન્સ પર નજર રાખવાનો પણ આદેશ અપાયો હતો. આ હિલચાલ આતંકવાદીઓને જવાબ આપવાનો સ્પષ્ટ સંકેત હતો. ત્યારબાદ રાત્રે ત્રણ કલાકે 12 મિરાજ ફાઈટર પ્લેને પાકિસ્તાનની સરહદમાં એન્ટ્રી કરી અને બાલાકોટમાં ધડાધડ બોંબ વરસાવ્યા... આ ફાઈટર પ્લેનનો સામનો કરવા પાકિસ્તાનના બે F-16 ફાઈટર પ્લેન પણ ઉડ્યા, પરંતુ પ્લેનની બનાવટ જોઈ પરત ફરી ગયા હતા. જોકે ત્યાં સુધીમાં તો ભારતીય સેના આતંકીઓ અને તેના ઠેકાણાઓનો નાશ કરી પરત ફરી ચુકી હતી.
3... એરસ્ટ્રાઈકનું સાંભળી ધ્રુજી ગયા ઈમરાન ખાન
તે સમયે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન (Imran Khan) સર્જિકલ સ્ટ્રાઈકનું સાંભળતા જ ધ્રુજી ગયા હતા. તેઓ ભારતના હુમલા અને યુદ્ધના ડરથી થરથર કાંપી ગયા હતા. આ મામલો પાકિસ્તાની સંસદ (Parliament of Pakistan)માં પણ ગૂંજ્યો હતો, પરંતુ તેમની સરકારે ભારતે હુમલો કર્યો હોવાના વાતનો ઈન્કાર કરી દીધો હતો.
4... અભિનંદન માટે 9 મિસાઈલો પણ તહેનાત
ત્યારબાદ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન (Abhinandan Varthaman)ના ફાઈટર પ્લેનની પાકિસ્તાનમાં ક્રેશ લેન્ડિંગ થઈ, જેમાં તેઓ પાકિસ્તાની સેનાના હાથે પકડાઈ ગયા હતા. ત્યારે ભારતે કહ્યું કે, અમારા જવાનને છોડી દો, નહીં તો તમારી તરફ 9 મિસાઈલો તહેનાત છે. આ સમયે ઈમરાન ખાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરવા કુદકા મારી રહ્યા હતા અને પાકિસ્તાન સ્થિત ભારતીય દૂતાવાસને સતત વિનંતી કરી રહ્યા હતા. ભારતની વ્યૂહાત્મક અને વ્યૂહાત્મક શક્તિ સામે પાકિસ્તાન સરકાર ઝૂકી ગઈ અને છેવટે ડરના માર્યા પાકિસ્તાને અભિનંદનને છોડી દેવા પડ્યા.
5... દેશનું નામ વિશ્વભરમાં ખરાબ ન થાય તે માટે પાકિસ્તાને બાલાકોટમાં સાફ-સફાઈ કરાવી
વિશ્વભરમાં પાકિસ્તાનની છબી ન ખરડાય અને દેશમાં એકપણ આતંકવાદી નથી... તેવું બતાવવા બાલાકોટમાં આખી રાત સાફ-સફાઈ કરવામાં આવી. આ વિસ્તારમાં માર્યા ગયેલા આતંકવાદીઓના મૃતદેહોને હટાવવામાં આવ્યા. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય મીડિયાને બોલાવી પાકિસ્તાને એવો ઢોંગ કર્યો કે, ‘ભારત દ્વારા કરાયેલો હુમલો જંગલમાં થયો છે, તેમાં માત્ર કેટલાક ઘરોને જ નુકસાન અને કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે. અહીં એકપણ આતંકવાદી નથી.’
માત્ર 12 દિવસમાં જ ભારતનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ
પુલવામા હુમલાનો બદલો લેવા ભારતે માત્ર 12 જ દિવસમાં પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો અને બાલાકોટમાં આતંકવાદી કેમ્પ પર હુમલો કરી ભારતની તાકાતનો પરચો બતાવી દીધો હતો. પુલવામા હુમલાના એક દિવસ બાદ 14મી ફેબ્રુઆરીએ સુરક્ષા મામલે તુરંત કેબિનેટની બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં પાકિસ્તાન સાથે બદલો લેવા વડાપ્રધાન મોદી (PM Narendra Modi)ને વિકલ્પો જણાવાયા. ઉરી હુમલા બાદ સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી.
પાકિસ્તાને સ્વપ્નમાંય વિચાર્યું ન હતું કે, ભારત આવો હુમલો કરશે
આ વખતે વળતો જવાબ આપવા ભારતીય સેનાએ જુદી જ યોજના બનાવી હતી. પુલવામા હુમલા બાદ યોજાયેલી બેઠકમાં વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલને એરસ્ટ્રાઈકની જવાબદારી સોંપી, ત્યારબાદ ડોભાલ અને તે સમયના વાયુસેના પ્રમુખ બી.એસ.ધનોઆએ હુમલાનો પ્લાન તૈયાર કર્યો અને છાતી ઠોકી નિર્ણય કરી લીધો કે આ વખતે જૈશના આતંકવાદીઓને સબક શિખવાડીને જ રહીશું... ત્યારબાદ ભારતીય સેનાએ સર્જિકલ સ્ટ્રાઈક હાથ ધરી આખા પાકિસ્તાનને હલાવી નાખ્યું. ભારતની કાર્યવાહી બાદ ગભરાયેલા પાકિસ્તાને સરફેસ-ટૂ-એર મિસાઈલો તહેનાત કરી દીધી હતી. પાકિસ્તાને સ્વપ્નમાંય વિચાર્યું ન હતું કે, ભારત આવો હુમલો કરશે.
હવાઈ હુમલો અને આકાશમાંથી ચાંપતી નજર, બંને એકસાથે
જ્યારે હુમલો કરવા સ્થળ નક્કી કરાયું, ત્યારે તમામ ગુપ્તચર એજન્સીઓએ ઈનપુટ કાઢવાના શરૂ કરી દીધા હતા. આ એરસ્ટ્રાઈકમાં વાયુસેનાની મુખ્ય ભૂમિકા તો હતી જ... આ ઉપરાંત લશ્કરને પણ એલર્ટ પર રખાયું હતું. એરસ્ટ્રાઈકના બે દિવસ પહેલા નિર્ણય કરાયો હતો કે, મિરાઝ-2000 જેટની સાથે Netra AWACS પણ તહેનાત રખાશે. ત્યારબાદ નેત્રાને ગ્વાલિયરમાં તહેનાત કરાયું. આ ઉપરાંત આગરા એરબેઝને પણ એલર્ટ પર રખાયું હતું. એરસ્ટ્રાઈકમાં ભાગ લેનારા તમામ લોકોનો મોબાઈલ 25 ફેબ્રુઆરીની સાંજથી બંધ કરી દેવાયા હતા. વડાપ્રધાન મોદી, એનએસએ અજિત ડોભાલ અને બીએસ ધનોઆ મિશન સંબંધિત તમામ માહિતીની અપડેટ સતત મેળવી રહ્યા હતા.