2014 કોઈ તારીખ નથી, પરિવર્તન છે જનતાએ 'જૂના ફોન' ફગાવી અમને સ્વીકાર્યા છે : નરેન્દ્ર મોદી

Updated: Oct 28th, 2023


Google NewsGoogle News
2014 કોઈ તારીખ નથી, પરિવર્તન છે જનતાએ 'જૂના ફોન' ફગાવી અમને સ્વીકાર્યા છે : નરેન્દ્ર મોદી 1 - image


- ઇન્ડિયા-મોબાઈલ-કોંગ્રેસમાં વડાપ્રધાનના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ઉપર કટાક્ષમય પ્રહારો

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (શુક્રવારે) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ઉપર ઉગ્ર પ્રહારો કર્યા હતા. સાથે કહ્યું હતું કે ૨૦૧૪ તે કોઈ તારીખ નથી પરંતુ એક 'બદલાવ' (પરિવર્તન) છે. ત્યારે જનતાએ 'જૂના ફોન' જેના સ્ક્રીન્સ થંભી ગયા હતા, તેને ફગાવી તેવી સરકાર પસંદ કરી કે જેણે સમગ્ર દર્શન બદલી નાંખ્યું.

અહીં યોજાયેલી 'ઈંડિયા મોબાઈલ કોંગ્રેસ'માં બોલતાં નરેન્દ્ર મોદીએ આંકડાઓ દર્શાવતા ભારત મોબાઈલ ફોન્સનું આયાતકારમાંથી નિકાસકાર કઈ રીતે બન્યું તે પણ દર્શાવ્યું હતું. સાથે કહ્યું કે હવે તો એપલથી ગૂગલ સહિતની કંપનીઓ ભારતમાં મોબાઈલ ફોન ઉત્પાદન કરવા કતાર લગાવી રહી છે.

તેઓએ વધુમાં '૨૦૧૪ તે માત્ર કોઈ તારીખ નથી તે બદલાવ' (પરિવર્તન) છે.

આ સાથે મોદીએ કોંગ્રેસના નેતૃત્વ નીચેની યુપીએ સરકાર ઉપર પણ કટાક્ષમય પ્રહારો કરતાં કહ્યું હતું કે નકામા થઈ ગયેલા જૂના ફોન કે જેના સ્ક્રીન્સ ગમે તેટલા સ્વીપ્સ કરો કે ગમે તેટલા બટન દબાવો પણ સક્રિય ન થઈ શકે તેવી તે સરકાર ઠરીને ઠુંઠીયું થઈ ગઈ હતી.

અરે રીસ્ટાર્ટ કે બેટરી બદલાવવાથી પણ તે મોબાઈલ કામ કરતો ન હતો. તેવે સમયે ૨૦૧૪માં જનતાએ તે ભંગાર 'ફોન' ફગાવી અમને તક આપી.

૫જી નેટવર્ક વિસ્તાર્યા પછી તેવા સૌથી ઝડપી નેટવર્કથી પણ આગળ વધીને ભારત હવે ૬જી વિસ્તારમાં જઈ રહ્યું છે. દુનિયા ભારતમાં બનેલા મોબાઈલ માંગી રહી છે. મોબાઈલ ફોન ક્ષેત્રે ભારત વિશ્વમાં ૧૧૮માં સ્થાનેથી ૪૩માં સ્થાને પહોંચી ગયું છે, તેમ પણ મોદીએ આંકડાઓ સાથે ઉપસ્થિત શ્રોતાઓને જણાવ્યું હતું. તેઓએ વધુમાં કહ્યું, 'સરકાર કંપનીઓને વધુ નાણાં મળે, વધુ સાધનો અને નવી ટેકનોલોજી મળે તેને પ્રાથમિકતા આપી રહી છે.'


Google NewsGoogle News