રાજસ્થાનમાં આંગણવાડીમાં નોકરીના બહાને 20 મહિલાઓ પર ગેંગરેપ
- રેપિસ્ટોએ બળાત્કારનો વિડીયો પણ ઉતાર્યો
- પીડિત મહિલાઓ પર ભોજનમાં માદક દ્રવ્યો ભેળવી બળાત્કાર કરાયો અને પાંચ લાખની લાંચ પણ મંગાઈ
બારમેર : રાજસ્થાનમાં સિરોહી જિલ્લામાં આંગણવાડીમાં નોકરીના બ્હાને લગભગ ૨૦ મહિલાઓ પર ગેંગરેપનો કિસ્સો સામે આવ્યો છે. પોલીસે અત્યાર સુધી આઠ એફઆઇઆર નોંધી છે અને તપાસ શરુ કરી દીધી છે. પીડિતાઓનો આરોપ છે કે સિરોહી સિટી કાઉન્સિલના વડા અનેકમિશ્નરે આઠથી દસ લોકો સાથે મળીને તેમના પર બળાત્કાર કર્યો છે અને તેનો વિડીયો પણ બનાવ્યો છે.
પોલીસ સમક્ષ કરેલી ફરિયાદમાં પીડિતાઓએ આરોપ લગાવ્યો છે કે આંગણવાડી કેન્દ્રોમાં નોકરી અપાવવાના બ્હાને બધાને સિરોહીમાં બોલાવવામાં આવ્યા અને પછી તેમના પર બળાત્કાર કરવામાં આવ્યો હતો.
ચેરપર્સન અને કમિશ્નરે આરોપોનો ઇન્કાર કર્યો છે. સિટી કાઉન્સિલના વડા મહેન્દ્ર મેવાડા અને ભૂતપૂર્વ કમિશ્નર મહેન્દ્ર ચૌધરી અને તેમના સાથીઓપર આરોપ લગાવવામાં આવ્યા છે. બંનેએ મામલાને બનાવટી ગણાવીને તેમના પરના આરોપોને ફગાવી દીધા છે.પોલીસ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે બધી એફઆઇઆરમાં એકસરખા આરોપ છે.
ફરિયાદ કરનારાઓનો આરોપ છે કે બેથી ત્રણ મહિના પહેલા ૧૫થી વધુ મહિલાઓ નોકરીની શોધમાં આંગણવાડી કેન્દ્રોમાં પહોંચી હતી. તે સમયે તે મહેન્દ્ર મેવાડા અને મહેન્દ્ર ચૌધરીને મળી હતી. એક પરિચિત વ્યક્તિએ તેમના રહેવાની વ્યવસ્થા પણ કરી હતી.
પીડિત મહિલાઓનો આરોપ છે કે તેમના ભોજનમાં માદક દ્રવ્યો ભેળવવામાં આવ્યા હતા. તેથી જમ્યા પછી તે બેહોશ થઈ ગઈ હતી. તેમને હોશ આવ્યો ત્યારે તેમને માથાનો દુ:ખાવો અનુભવાયો. તેમણે આરોપ લગાવ્યો કે મહેન્દ્ર મેવાડા, મહેન્દ્ર ચૌધરી અને તેમના સહયોગીઓએ તેમના પર બળાત્કાર કર્યો અને તેનો વિડીયો પણ બનાવ્યો. તેની સાથે પાંચ લાખ રુપિયાની લાંચ પણ માંગી હોવાનો આરોપ છે.