વધુ એક ટ્રેન ટુર્ઘટના : આસામમાં માલગાડી પાટા પરથી ખડી પડી, 20 ડબ્બા ઉથડી પડ્યા
આસામ, તા.7 જૂન-2023, બુધવાર
આસામના કામરુપ જિલ્લાનાં બોકો પાસે કોલસાથી ભરેલી માલગાડી પાટા પરથી ખડી પડવાની ઘટના સામે આવી છે. આસામમાં સિંગારા રેલવે સ્ટેશન પાસે કોલસાથી ભરેલી માલગાડી પાટા પરથી ઉતરી ગઈ છે. આ ઘટનામાં હજુ સુધી કોઈપણ ઈજાગ્રસ્ત થયાના અહેવાલ સાંપડ્યા નથી. મુખ્ય જનસંપર્ક અધિકારીએ જણાવ્યું કે, આસનસોલથી ગુવાહાટી જતી માલગાડીના 13 ડબ્બા કામરૂપ જિલ્લાના સિંગારા સ્ટેશન પાસે પાટા પરથી ઉતરી ગયા. આ કારણે ગુવાહાટીથી નવા-બોંગાઈગાંવ વચ્ચેની ટ્રેન સેવા ખોરવાઈ છે અને ઘણી ટ્રેનો રંગિયાના રુટ પર દોડાવવામાં આવી રહી છે.
તાજેતરમાં જ બાલાસોરમાં સર્જાયેલા ગમખ્વાર ટ્રેન અકસ્માતમાં 288ના મોત થયા હતા
ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે સાંજે લગભગ 7 વાગ્યે એક ભયાનક ટ્રેન અકસ્માત થયો હતો. 3 ટ્રેનનો અકસ્માત થતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 288ના મોત નિપજ્યા છે. ઈજાગ્રસ્તોની સંખ્યા પણ 900ની નજીક પહોંચી ગઈ છે. અકસ્માત સ્થળ પરથી જે પ્રકારની તસવીરો આવી રહી છે તે જોતા રૂવાડા ઉભા કરી દે તેવી સ્થિતિ છે. આ દુર્ઘટનાને પગલે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે રાજ્યમાં એક દિવસના શોકની જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓએ આ ભયાનક દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.
ઓડિશામાં આજે વધુ એક ટ્રેન દુર્ઘટના સર્જાઈ, માલગાડી નીચે બેઠેલા 6 મજૂરોના મોત
ઓડિશામાં આજે વધુ એક દુર્ઘટના સામે આવી છે. જાજપુર રોડ રેલવે સ્ટેશન પર આજે માલગાડી નીચે ચગદાતા 6 મજૂરોના મોત થયા છે જ્યારે 2 ગંભીર ઈજાગ્રસ્ત થયા છે. એક અધિકારીએ આ માહિતી આપી છે. મજૂરોએ ભારે વરસાદથી બચવા ઉભેલી માલગાડી નીચે આશરો લીધો હતો, ત્યારે અચાનક એન્જીન વગરની માલગાડી શરૂ થઈ ગઈ અને તેની નીચે મજૂરો ચગદાઈ જતા મોત નિપજ્યા.રેલવેના એક પ્રવક્તાએ કહ્યું કે, અહીં અચાનક ઝડપી પવન શરૂ થઈ ગયો હતો. આ દરમિયાન રેલવે લાઈન પર કામ કરી રહેલા મજૂરો માલગાડી પાસે કામ કરી રહ્યા હતા. તેમણે ઝડપી પવન અને વરસાદથી બચવા માલગાડી નીચે આશ્રય લીધો હતો. પરંતુ કમનસીબે એન્જીન વગરની માલગાડી શરૂ થવાના કારણા આ ગંભીર દુર્ઘટના સર્જાઈ.... તેમણે વધુમાં જણાવ્યું કે, આ દુર્ઘટનામાં 6 લોકોના મોત થયા છે અને અન્ય 2 મજુરો ઈજાગ્રસ્ત થયા છે.