20 હજાર રોકડા અને એક હજાર રૂપિયાની બચત: ભાજપના એકમાત્ર નેતા જેમની દસ વર્ષમાં ઓછી થઈ સંપત્તિ
Image: Facebook
Jammu and Kashmir Assembly Election: જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભા ચૂંટણી થઈ રહી છે. જમ્મુ-કાશ્મીર ભાજપના અધ્યક્ષ રવિંદર રૈના રાજૌરી જિલ્લાની નૌશેરા બેઠકથી ચૂંટણી લડી રહ્યા છે. ચૂંટણી માટે રવિંદર રૈનાએ સોગંદનામું દાખલ કરી દીધું છે.
સોગંદનામા અનુસાર રવિંદર રૈનાની પાસે માત્ર એક હજાર રૂપિયા છે. તેમણે જણાવ્યું કે તેમની પાસે માત્ર એક હજાર રૂપિયા કેશ છે. આ સિવાય તેમની પાસે બીજું કંઈ નથી. આ પહેલા 2014ની ચૂંટણીમાં જ્યારે રૈનાએ સોગંદનામું દાખલ કર્યું હતું, ત્યારે તેમણે પોતાની પાસે 21 હજાર રૂપિયા હોવાની જાણકારી આપી હતી. ત્યારે તેમની પાસે 20 હજાર રૂપિયા કેશ અને 1 હજાર રૂપિયાનું સેવિંગ્સ હતું.
આ વખતના એફિડેવિટથી જાણ થાય છે કે રૈનાની પાસે જમ્મુમાં 13A ગાંધીનગરમાં એક સરકારી આવાસ છે, જે તેમને ધારાસભ્ય બનવા પર મળ્યું હતું. 2014માં રૈનાએ નૌશેરાથી ચૂંટણી જીતી હતી. ત્યારે તેમણે પીડીપીના સુરિંદર ચૌધરીને 37,374 વોટના અંતરથી હરાવ્યા હતાં. 47 વર્ષના રૈના 2017થી જમ્મુ-કાશ્મીર ભાજપના અધ્યક્ષ છે.
ત્રણેય તબક્કામાં થશે ચૂંટણી
જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં ચૂંટણી થશે. પહેલા તબક્કામાં 24 બેઠકો પર 18 સપ્ટેમ્બર, બીજા તબક્કામાં 26 બેઠકો પર 25 સપ્ટેમ્બર અને ત્રીજા તબક્કામાં 40 બેઠકો પર 1 ઑક્ટોબરે વોટિંગ થશે. ચૂંટણીના પરિણામ 8 ઑક્ટોબરે જાહેર કરવામાં આવશે.
2014માં શું રહ્યા હતા પરિણામો?
જમ્મુ-કાશ્મીરમાં છેલ્લી વખત 2014માં વિધાનસભા ચૂંટણી થઈ હતી. ત્યાંની 87 બેઠકોમાંથી પીડીપીએ 28, ભાજપે 25, નેશનલ કોન્ફરન્સે 15 અને કોંગ્રેસે 12 બેઠકો જીતી હતી. ભાજપ અને પીડીપીએ મળીને સરકાર બનાવી અને મુફ્તી મોહમ્મદ સઈદ મુખ્યમંત્રી બન્યા.
જાન્યુઆરી 2016માં મુફ્તી મોહમ્મદ સઈદનું નિધન થઈ ગયું. લગભગ ચાર મહિના સુધી રાજ્યપાલ શાસન લાગું રહ્યું. બાદમાં તેમના પુત્રી મહેબુબા મુફ્તી મુખ્યમંત્રી બન્યા પરંતુ આ ગઠબંધન વધું ચાલ્યું નહીં. 19 જૂન 2018એ ભાજપે પીડીપીથી ગઠબંધન તોડી દીધું. રાજ્યમાં રાજ્યપાલ શાસન લાગુ થઈ ગયું. હજુ ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે. ગયા વર્ષે આર્ટિકલ-370ને હટાવવાના નિર્ણયને જાળવી રાખતાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જમ્મુ-કાશ્મીરમાં 30 સપ્ટેમ્બર 2024 સુધી વિધાનસભા ચૂંટણી કરાવવાનો આદેશ આપ્યો છે.