20 નેતાના રાજીનામા હરિયાણામાં ચૂંટણી પહેલાં ભાજપમાં ભડકો

Updated: Sep 6th, 2024


Google NewsGoogle News
20 નેતાના રાજીનામા હરિયાણામાં ચૂંટણી પહેલાં ભાજપમાં ભડકો 1 - image


- પરિવારવાદ સામે બાંયો ચઢાવનારો ભાજપ 'ભાઈ-ભત્રીજા' સામે ઘૂંટણીયે

- દેવીલાલના પુત્ર રણજિત ચૌટાલા, સાવિત્રી જિંદાલ અપક્ષ તરીકે લડશે, ધારાસભ્ય લક્ષ્મણદાસ નપા કોંગ્રેસમાં જોડાશે, કર્ણ દેવ કંબોજે પણ પક્ષ છોડયો

- જમ્મુ-કાશ્મીરમાં પણ ભાજપ મુશ્કેલીમાં : વરિષ્ઠ નેતા ચંદ્રમોહન શર્માનો અપક્ષ તરીકે ચૂંટણી લડવા નિર્ણય

ચંડીગઢ : હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થયા પછી બધા જ પક્ષો ચૂંટણી મેદાનમાં ઝુકાવવા તૈયાર થઈ ગયા છે. જોકે, ભાજપ માટે આ વખતે વિધાનસભા ચૂંટણીમાં કપરા ચઢાણ હોવાની આશંકા છે. ભાજપે જમ્મુ-કાશ્મીરમાં ઉમેદવારોની પહેલી યાદી જાહેર કર્યાના કલાકોમાં જ પાછી ખેંચી લેવી પડી હતી. એવું જ કંઈક હરિયાણામાં પણ થયું છે. હરિયાણામાં ભાજપે ૬૭ ઉમેદવારોની પહેલી યાદી જાહેર કર્યાના કલાકોમાં જ ૨૦થી વધુ નેતાઓએ પક્ષમાંથી રાજીનામા ધરી દીધા છે. બીજીબાજુ દેશભરમાં કોંગ્રેસ સહિત અન્ય પક્ષો પર પરિવારવાદનો આક્ષેપ કરનાર ભાજપ રાજ્યમાં 'ભાઈ-ભત્રીજાવાદ' સામે નતમસ્તક થઈ ગયો છે.

હરિયાણામાં પાંચ ઑક્ટોબરે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપે બુધવારે રાતે ૬૭ ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી હતી. આ યાદી જાહેર થયાના ૨૪ કલાક પણ નથી થયા ત્યાં ભાજપમાં એક પછી એક રાજીનામા પડવાનું શરૂ થઈ ગયું. પક્ષે પહેલી યાદીમાં કેટલાક નવા ચહેરાઓને તક આપી છે ત્યારે કેટલાક નેતાઓ અને મંત્રીઓના પત્તા કાપ્યા છે. પરિણામે ટિકિટ ના મળવાથી નારાજ નેતાઓ અને પદાધિકારીઓએ પક્ષમાંથી રાજીનામા આપવાના શરૂ કરી દીધા છે.

ભાજપમાંથી ત્રણ મોટા નેતા ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન દેવીલાલના પુત્ર અને કેબિનેટ મંત્રી રણજિત ચૌટાલા, ધારાસભ્ય લક્ષ્મણદાસ નપા અને ભાજપ હરિયાણા ઓબીસી મોરચાના પ્રદેશાધ્યક્ષ કર્ણદેવ કંબોજે રાજીનામા આપી દીધા છે. આ સિવાય ૧૭થી વધુ નાના-મોટા અન્ય નેતાઓએ પણ ટિકિટ નહીં મળતા પક્ષ છોડી દીધો છે.

ભાજપે ઊર્જા અને જેલ મંત્રી ચૌધરી રણજિત ચૌટાલાની સિરસા જિલ્લાના રાનિઆ સેગ્મેન્ટમાં તેમની ઉમેદવારી અંગે અવગણના કરી હતી. ભાજપની પહેલી યાદીમાં તેમના નામનો સમાવેશ નહીં કરાતા સમર્થકોની બેઠક બોલાવી હતી. તેમણે કહ્યું કે, ટેકેદારો સાથે બેઠક પછી તેમણે અપક્ષ તરીકે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. ભાજપ સાથે મારે સારા સંબંધો છે. હું ચૌધરી દેવીલાલનો પુત્ર છું. પક્ષમાં મારો એક દરજ્જો છે, પરંતુ મને ખ્યાલ નથી કે કોની સલાહથી પક્ષે મને ટિકિટ નહીં આપવાનો નિર્ણય કર્યો છે. જેણે પણ આ સલાહ આપી છે તેણે પક્ષને નુકસાન પહોંચાડયું છે. તેઓ રાનિઆ બેઠક પરથી ચૂંટણી લડશે તેમ મનાય છે. આ બેઠક પર ભાજપે શિશપાલ કંબોજને મેદાનમાં ઉતાર્યા છે. 

ફતેહાબાદ જિલ્લામાં રતિયા અનામત બેઠક પરથી વર્તમાન ધારાસભ્ય લક્ષ્મણદાસ નપાએ પક્ષમાંથી રાજીનામું આપ્યા પછી ગુરુવારે સવારે ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા ભુપિન્દર સિંહ હુડા સાથે તેમના નિવાસ સ્થાને મુલાકાત કરી હતી અને કહ્યું હતું કે તેઓ તેમના ટેકેદારો સાથે કોંગ્રેસમાં જોડાશે. 

ભાજપ હરિયાણા ઓબીસી મોરચાના અધ્યક્ષ કર્ણદેવ કંબોજે ઈન્દ્રીથી ટિકિટ ના મળતા પક્ષના બધા જ પદો પરથી રાજીનામું આપી દીધું છે. ભૂતપૂર્વ મંત્રીએ કહ્યું કે, તેમણે વર્ષોથી પૂર્ણ સમર્પણ સાથે પક્ષની સેવા કરી હતી. પરંતુ પક્ષને કદાચ હવે વફાદારોની જરૂર નથી. પક્ષ હવે કાર્યકરોની વર્ષોની સેવાને અવગણીને એવા લોકોને ટિકિટ આપે છે જેઓ એકાદ દિવસ પહેલાં જ પક્ષમાં જોડાયા હોય. રતિયામાંથી ભાજપે સિરસાના પૂર્વ સાંસદ સુનિતા દુગ્ગલને ટિકિટ આપી છે.

પક્ષના આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ પહેલી યાદી જાહેર થયા પછી અનેક અન્ય વરિષ્ઠ નેતાઓ પણ આ યાદીથી ખુશ નથી. પક્ષમાં રાજીનામાઓનો દૌર શરૂ થઈ ગયો છે. પક્ષમાંથી રાજીનામું આપનારામાં દેશનાં ચોથા સૌથી અમિર મહિલા સાવિત્રી જિંદાલનો પણ સમાવેશ થાય છે. તેમણે હિસારથી અપક્ષ લડવાની જાહેરાત કરી છે. 

જોકે, હરિયાણામાં સતત ત્રીજી વખત સરકાર બનાવવા માટે ભાજપ પરિવારવાદના શરણે ગયો છે. દેશભરમાં કોંગ્રેસ સહિત બધા પક્ષો પર બધી જ ચૂંટણીઓમાં પરિવારવાદના આક્ષેપો કરનારા ભાજપે હરિયાણામાં પહેલી યાદીમાં પાંચ મોટા નેતાઓના સંતાનોને ટિકિટ આપી છે, જેમાં તાજેતરમાં કોંગ્રેસમાંથી આવેલા કિરણ ચૌધરી અને કુલદીપ બિશ્નોઈ, પૂર્વ મંત્રી સતપાલ સંગવાન, ઈન્દ્રજિત સિંહનો સમાવેશ થાય છે. હરિયાણામાં ૮ ઑક્ટોબરે મત ગણતરી છે ત્યારે ભાજપે મુખ્યમંત્રીના ચહેરા તરીકે નાયબ સિંહ સૈની સાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.

જમ્મુ-કાશ્મીરમાં પણ ભાજપ માટે અનેક મુશ્કેલીઓ સર્જાઈ છે. જમ્મુ-કાશ્મીરમાં પહેલી યાદી જાહેર કર્યાના થોડાક જ કલાકોમાં ભાજપે યાદી રદ કરવી પડી હતી. જમ્મુ-કાશ્મીરમાં પણ અનેક નેતાઓએ બળવો કર્યો છે. વરિષ્ઠ નેતા ચંદ્રમોહન શર્માએ ભાજપમાંથી રાજીનામું આપીને જમ્મુ પૂર્વમાં અપક્ષ તરીકે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.

દંગલ ગર્લ બબિતા ફોગાટની ટિકિટ કપાઈ

બળાત્કારી રામ રહિમના ખાસ જેલરને સાંગવાન પરથી ટિકિટ

- બે મહિના પહેલાં કોંગ્રેસમાંથી આવેલા સતપાલના પુત્ર સુનિલ વીઆરએસ લઈ ભાજપમાં જોડાયા

ચંડીગઢ : હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપને પરાજયનો ડર સતાવી રહ્યો હોવાથી પરિવારવાદની સાથે તેણે હવે બળાત્કારી રામ રહિમના ચરણોમાં આળોટવાનું શરૂ કરી દીધું છે. ચૂંટણીના સમયે રામ રહિમને પેરોલ અને ફરલો અપાવવામાં કથિત રીતે મહત્વની ભૂમિકા ભજવનારા જેલર સુનિલ સાંગવાનને પક્ષે ટિકિટ આપી છે.

બંગાળમાં ભાજપે આ રીતે જ લોકસભાની ચૂંટણીમાં કોલકાતા હાઈકોર્ટના જજ અભિજીત ગંગોપાધ્યાયેને વીઆરએસ લેવડાવીને ટિકિટ આપી હતી. એ જ રીતે ભાજપે હવે હરિયાણામાં જેલર સાંગવાનને વીઆરએસ લેવડાવીને ટિકિટ આપી છે. ભાજપે દંગલ ગર્લ બબિતા ફોગાટની ટિકિટ કાપીને સાંગવાનને દાદરી બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. જેલર સુનિલ સાંગવાનની અન્ય એક ઓળખ પૂર્વ મંત્રી સતપાલ સાંગવાનનો પુત્ર છે, જેઓ બે મહિના પહેલાં જ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા.

સુનિલ સાંગવાન હરિયાણાની સુનારિયા જેલના સુપરિન્ટેન્ડેન્ટ હતા. ડેરા સચ્ચા સૌદાના વડા રામ રહીમ સિંહ પોતાના આશ્રમની બે સાધ્વીઓ પર બળાત્કાર અને પત્રકાર રામ ચંદ્ર છત્રપતિની હત્યાના કેસમાં સજા ભોગવી રહ્યો છે. હરિયાણામાં ચૂંટણી સમયે વધુ એક વખત રામ રહિમ ૨૧ દિવસના ફરલો પર છે. રામ રહીમને ભાજપ સરકારે  ૧૦ વાર પેરોલ અથવા ફરલો પર છોડયો છે. આ પૈકી છ વાર સાંગવાનની ભલામણથી રામ રહીમ છૂટયો હતો.


Google NewsGoogle News