ઉત્તરપ્રદેશમાં ટ્રેક પર થાંભલો મૂકી ટ્રેન ઉથલાવવાનું કાવતરું ઘડનારા 2 પકડાયા, જણાવ્યું કારણ
Image: Freepik
Conspiracy to Overturn a Train in UP: ઉત્તર પ્રદેશના રામપુરમાં કથિત રીતે ટ્રેન ઉથલાવવાના કાવતરાનો ખુલાસો થયો છે. મામલામાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. જોકે, અહીં થોડા દિવસો પહેલા રેલવે ટ્રેક પર વીજળીનો પોલ મૂકેલો મળ્યો હતો. ડ્રાઈવરે ઈમરજન્સી બ્રેક લગાવીને ટ્રેનને રોકી હતી. રાહતની વાત એ રહી કે કોઈ દુર્ઘટના ઘટી નથી. આ બાદથી પોલીસ આરોપીઓની શોધખોળમાં લાગી ગઈ હતી.
આ દરમિયાન જીઆરપી રામપુર અને સ્થાનિક પોલીસે આ ઘટનાનો ખુલાસો કર્યો અને જણાવ્યું કે બિલાસપુરના રહેવાસી બે યુવકો સની ઉર્ફે સંદીપ ચૌહાણ અને બિજેન્દ્ર ઉર્ફે ટિંકૂની ધરપકડ કરવામાં આવી છે. બંને નશાખોર છે અને નશામાં તેમણે એક વીજળીના પોલને ચોરવાનો પ્રયત્ન કર્યો પરંતુ જ્યારે તે પોલ લઈને ટ્રેક પાર કરી રહ્યા હતા ત્યારે સામેથી ટ્રેન આવી ગઈ. દરમિયાન તે પોલને ટ્રેક પર જ છોડીને ભાગી ગયો.
પોલીસે ટ્રેન ઉથલાવવાના કાવતરાના એન્ગલને ફગાવી દીધું છે. સાથે જ કહ્યું કે તેમનો કોઈ સંગઠન સાથે કોઈ સંબંધ નથી. જોકે, સની વિરુદ્ધ બિલાસપુર પોલીસ સ્ટેશનમાં ડઝન મામલા નોંધાયેલા છે જ્યારે બિજેન્દ્ર વિરુદ્ધ એક કેસ નોંધાયેલો છે. હાલ આરોપી સની અને ટિંકૂને જેલ મોકલી દેવાયા છે.
ઉલ્લેખનીય છે કે ગત 18 સપ્ટેમ્બરની રાતે બિલાસપુર અને રુદ્રપુર સિટી રેલવે સ્ટેશનની વચ્ચે રેલવે ટ્રેક પર લગભગ 6 મીટર લાંબો લોખંડનો થાંભલો પડેલો મળ્યો હતો. ડ્રાઈવરે ઈમરજન્સી બ્રેક લગાવીને ટ્રેન રોકી લીધી હતી જેનાથી એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.
અધિકારીના જણાવ્યા અનુસાર પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે સની અને ટિંકૂ ઘણી વખત ત્યાં દારૂ પીવા જતા હતા. ઘટનાના દિવસે પણ તેમણે રેલવે ટ્રેકની પાસે દારૂ પી લીધો અને ત્યાં નજીકમાં પડેલા એક લોખંડના પોલને ચોરીને જઈ રહ્યાં હતાં. જમીન ઉબડ-ખાબડ હતી અને સની-ટિંકૂ ખૂબ નશામાં હતાં. જ્યારે તે થાંભલો લઈ જઈ રહ્યાં હતાં તે સમયે તેમને ટ્રેનના હોર્નનો અવાજ સંભળાયો, જે બાદ તે થાંભલાને ત્યાં જ છોડીને ભાગી ગયા. તેમનો ઈરાદો ટ્રેન ઉથલાવવાનો નહોતો પરંતુ તેમની આ હરકતથી મોટી દુર્ઘટના થઈ શકતી હતી.