ભારતે ગુમાવ્યા વીર સપૂત : કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે અથડામણ, બે જવાન શહીદ, ત્રણ ઈજાગ્રસ્ત
Gunfight With Terrorists In J&K : જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં શનિવારે આતંકવાદી અને સેનાના જવાનો વચ્ચે અથડામણ બાદ ભારતે બે વીર સપૂતો ગુમાવ્યા છે. જ્યારે ત્રણ જવાનો ઈજાગ્રસ્ત છે અને હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. અનંતનાગના જંગલમાં આતંકવાદીઓની શોધખોળ કરવામાં આવી રહી છે.
નોંધનીય છે કે શનિવારે જ બપોરના સમયે આતંકવાદીઓ સાથે સેનાની અથડામણ શરૂ થઈ હતી. જે બાદ જવાનો શહીદ થયા જ્યારે ત્રણ જવાનો ઈજાગ્રસ્ત છે. સેનાએ કહ્યું છે, 'વિશિષ્ટ ગુપ્ત ઈનપુટના આધારે ભારતીય સેના, જમ્મુ કાશ્મીર પોલીસ અને CRPF જવાનો દ્વારા શનિવારે સંયુક્ત અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન આતંકવાદીઓ સાથે અથડામણ થઈ હતી, ઓપરેશન હજુ યથાવત છે.'
જાણકારી અનુસાર આતંકવાદીઓ અહલાન ગડોલેના જંગલોમાં છુપાયા છે. આતંકવાદીઓનો ખાતમો કરવા માટે સેના દ્વારા વધારાની ફોર્સ પણ મોકલવામાં આવી રહી છે.
નોંધનીય છે જે ગયા વર્ષે સપ્ટેમ્બર 2023માં પણ આ જ રીતે સેના દ્વારા મોટું ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાં કોકેરનાગના જંગલમાં આતંકવાદીઓ સાથે ટક્કર લેતા લેતા એક કમાન્ડિંગ ઓફિસર, એક મેજર અને એક ડીએસપીએ સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું.