દેશમાં દૂષિત પાણીને કારણે દર વર્ષે 2 લાખ લોકો ગુમાવી રહ્યા છે જીવ, દિલ્હીમાં તો જીવાદોરી જ બીમારીનું મોટુ કારણ
Image Source: Freepik
- દૂષિત પાણીના કારણે અનેક બીમારીઓ ફેલાય છે
- 2030 સુધીમાં લગભગ 600 મિલિયન લોકોએ વોટર સ્ટ્રેસનો સામનો કરવો પડી શકે છે
નવી દિલ્હી, તા. 30 નવેમ્બર 2023, ગુરૂવાર
દેશ-દુનિયામાં પ્રદૂષણનું સ્તર ઝડપથી વધી રહ્યું છે. ભારત પણ તેની લપેટમાં આવી ગયુ છે. હાલમાં દેશ એર પોલ્યુશનની સમસ્યાનો સામનો કરી રહ્યો છે. પરંતુ દેશ દૂષિત પાણીની સમસ્યાનો અમેક વર્ષોથી સામનો કરી રહ્યો છે. કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઈન્ડેક્સ (CWMI)ના એક રિપોર્ટ પ્રમાણે દેશમાં સેફ વોટરની અપૂરતી પહોંચને કારણે દર વર્ષે બે લાખ લોકો મૃત્યુ પામે છે. રિપોર્ટ પ્રમાણે 2030 સુધીમાં લગભગ 600 મિલિયન લોકોએ વોટર સ્ટ્રેસનો સામનો કરવો પડી શકે છે. જે દેશની અંદાજિત જનસંખ્યાના લગભગ 40% છે.
રાજધાની દિલ્હી અને NCRના વિસ્તારો દૂષિત પાણીની સમસ્યાથી ખૂબ પ્રભાવિત છે. દિલ્હીમાંથી પસાર થતી મુખ્ય નદી યમુનાની હાલત ખૂબ જ ખરાબ છે. દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણનું મુખ્ય કારણ પાણીમાં કચરો ફેંકવો છે. જેના કારણે પાણી પ્રદુષિત થાય છે અને લોકોમાં પાણીજન્ય રોગો ફેલાય છે. રિપોર્ટ પ્રમાણે યમુના નદી ઉપરાંત દિલ્હી NCRમાંથી નીકળતી અન્ય નદીઓની હાલત પણ ખરાબ જ છે.
દૂષિત પાણીથી થતી બીમારીઓ
દૂષિત પાણીના કારણે અનેક બીમારીઓ ફેલાય છે. જેમાં ડાયરિયા, કોલેરા, ટાઈફોઈડ, મેલેરિયા વગેરે સામેલ છે. આ બીમારીઓના કારણે બાળકો, વડીલો અને વૃદ્ધો તમામ વર્ગના લોકો પેટમાં દુખાવો, ઝાડા, ઉલ્ટી, માથાનો દુખાવો, તાવ વગેરે જેવી સમસ્યાઓથી પીડાય છે.
અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે
દૂષિત પાણીની સમસ્યાને દૂર કરવા માટે વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. પીવાના પાણીના સ્ત્રોત સુરક્ષિત છે તેની ખાતરી કરવા માટે સરકાર દ્વારા તેનું નિયમિત પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. પાણીમાંથી દૂષિત પદાર્થોને દૂર કરવા માટે ફિલ્ટર અને ક્લોરિનેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત દૂષિત પાણી અંગે જાગૃતિ ફેલાવવા માટે પણ અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. જો કે આટલા કામ પછી પણ આ ક્ષેત્રમાં હજુ વધુ સુધારા લાવવાની જરૂર છે. જેથી દૂષિત પાણીના કારણે મૃત્યુઆંકમાં ઘટાડો નોંધાઈ.