આરોગ્ય વિભાગનું એલર્ટ : મધ્યપ્રદેશમાં ફરી કોરોનાની એન્ટ્રી, બે નવા કેસ નોંધાયા, એક મહિલાનું મોત
Madhya Pradesh Corona Virus Case : ઘણા લાંબા સમય બાદ મધ્યપ્રદેશમાં ફરી કોરોનાની એન્ટ્રી થઈ છે. અહીંના ઈન્દોરમાં કોરોના વાયરસના બે કેસ સામે આવતા આરોગ્ય વિભાગ સહિત લોકોમાં ફરી દહેશત ફેલાઈ છે. મળતા અહેલાલો મુજબ બે દર્દીઓમાંથી એક મહિલાનું મોત થયું છે, જ્યારે દેવાસમાં રહેતા અન્ય દર્દીની સારવાર ચાલી રહી છે. કોરોના પોઝિટિવ મહિલા કિડનીની ગંભીર બિમારીથી પીડિત હતી અને મલ્ટી-ઓર્ગન ફેલ્યોરના કારણે તેણીનું મૃત્યુ થયું હોવાનું કહેવાઈ રહ્યું છે.
કોરોના પોઝિટિવ કેસની જાણ થતાં તંત્ર દોડતું થયું
દર્દીઓ કોરોના પોઝિટિવ હોવાની માહિતી મળતા જ આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. ઈન્દોરના મુખ્ય આરોગ્ય અને તબીબી અધિકારી (CMHO) સ્થિતિને તાત્કાલિક ધ્યાને લીધી છે અને દેવાસ આરોગ્ય વિભાગને એલર્ટ કરી દીધા છે. રિપોર્ટ મુજબ કોરોના પીડિત યુવકને અરબિંદો મેડિકલ કૉલેજના આઈસોલેશન વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓનો પર્યટકો પર ભયાનક હુમલો, આડેધડ ગોળીબાર, અનેકના મોત
કોન્ટેક્સ ટ્રેસિંગ શરૂ, આરોગ્ય વિભાગ સતર્ક
કોરોના કેસોની જાણ થતાં જ આરોગ્ય વિભાગે તુરંત કાર્યવાહી શરૂ કરી દીધી છે. વિભાગે સંક્રમણ વધુ ફેલાતું અટકાવવા માટે કોન્ટેક્ટ ટ્રેસિંગ શરૂ કરી દીધી છે. દેવાસમાં પણ માહિતી મોકલવામાં આવી છે. તંત્ર દ્વારા યુવકના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે અને પીડિતના સેમ્પલ પણ લેવાયા છે. આરોગ્ય વિભાગની ટીમ એલર્ટ પર છે અને તમામ જરૂરી પગલા ભરવાના શરૂ કરી દીધા છે.
ગભરાવવાની જરૂર નથી : કલેક્ટર
ઈન્દોરના કલેક્ટર આશીષ સિંહે બે દર્દીઓ કોવિડ પોઝિટિવ હોવાની પુષ્ટી કરી છે. તેમણે કહ્યું કે, મૃતક મહિલાને કિડનીની બિમારી હતી અને તેમના શરીરના અંગે અંગો કામ કરવાના બંધ થઈ ગયા હતા. બંને દર્દીઓના પરિવારજનોને આઈસોલેટ કરવાના નિર્દેશ અપાયા છે. તેમના સંપર્કમાં આવેલા લોકોની પણ તપાસ શરૂ કરી દેવાઈ છે. શહેરના લોકોએ ગભરાવવાની જરૂર નથી. સ્થિતિ નિયંત્રણમાં છે અને તમામ જરૂરી પગલા ભરવામાં આવી રહ્યા છે.’