97 તેજસ વિમાનો, 156 પ્રચંડ લડાકુ હેલિકોપ્ટરની ખરીદી માટે 2.23 લાખ કરોડ રૂપિયાની ફાળવણી

Updated: Nov 30th, 2023


Google NewsGoogle News
97 તેજસ વિમાનો, 156 પ્રચંડ લડાકુ હેલિકોપ્ટરની ખરીદી માટે 2.23 લાખ કરોડ રૂપિયાની ફાળવણી 1 - image


- ડિફેન્સ એક્વિઝિશન કમિટીની મંજૂરી: ઈન્ડિયન આર્મી વધુ મજબૂત બનશે

- કુલ બજેટમાંથી 98 ટકા રકમ સ્વદેશી સંરક્ષણ ઈન્ડસ્ટ્રીને ઉત્તેજન આપવા માટે ફાળવાશે: કરોડો નોકરીઓની તકો સર્જાશે તેવો સરકારનો દાવો

- બજેટમાંથી મિડિયમ રેન્જ મિસાઈલ, આધુનિક ગન, કમ્પ્યુટર્સ વગેરે શસ્ત્ર-સામગ્રી ખરીદાશે: કેટલીય ડિફેન્સ સિસ્ટમ અપડેટ કરાશે 

નવી દિલ્હી : ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયની ડિફેન્સ એક્વિઝિશન કમિટીએ નવા લડાકુ વિમાનો અને કોમ્બેટ હેલિકોપ્ટર્સની ખરીદીને મંજૂરી આપી દીધી છે. ૨.૩૩ લાખ કરોડ રૂપિયાના ખર્ચે વિમાનો-હેલિકોપ્ટર્સ, મિસાઈલો વગેરે ખરીદવામાં આવશે. આ રકમમાંથી ૯૮ ટકાની ફાળવણી સ્વદેશી ડિફેન્સ પ્રોડક્ટ ખરીદવા પાછળ કરવામાં આવશે, તેના કારણે સ્વદેશી ડિફેન્સ ઈન્ડસ્ટ્રીને બૂસ્ટર મળશે અને નોકરીની નવી તકો સર્જાશે. સ્વદેશી નિર્માતાઓને અત્યાર સુધીમાં મળેલો આ સૌથી મોટો ઓર્ડર હોવાનું પણ અહેવાલોમાં કહેવાયું હતું. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના નેતૃત્વમાં કમિટીએ આ માતબર બજેટને મંજૂરી આપી હતી. આ વિમાનો, હેલિકોપ્ટર્સ અને મિસાઈલોના કારણે આર્મી વધુ મજબૂત બનશે.

ભારતના લશ્કરને સજ્જ બનાવવાના હેતુથી સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના નેતૃત્વમાં મળેલી ડિફેન્સ એક્વિઝિશન સમિતિએ સંરક્ષણ વિભાગને ૨.૨૩ લાખ કરોડના શસ્ત્ર-સરંજામની ખરીદીને મંજૂરી આપી દીધી હતી. તેના કારણે હવે આ બજેટમાંથી ૯૭ તેજસ લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ અને ૧૫૬ પ્રચંડ કોમ્બેટ હેલિકોપ્ટર્સની ખરીદી થશે. આ લડાકુ વિમાનો અને લડાકુ હેલિકોપ્ટર્સથી ઈન્ડિયન આર્મી વધારે મજબૂત બનશે.

આ રકમની ૯૮ ટકા રકમ સ્વદેશી કંપનીઓ પાસેથી શસ્ત્ર-સરંજામ ખરીદવા પાછળ અપાશે. તેના કારણે સ્વદેશી ડિફેન્સ ઈન્ડસ્ટ્રીને ઉત્તેજન મળશે. તેજસ અને પ્રચંડ સ્વદેશી બનાવટની પ્રોડક્ટ છે. તેજસ લડાકુ વિમાનો અને પ્રચંડ હેલિકોપ્ટરનો સોદો ૧.૧ લાખ કરોડ રૂપિયામાં થયો હતો. તેજસ લડાકુ વિમાનો ભારતીય વાયુસેનાને મળશે. જ્યારે પ્રચંડ હેલિકોપ્ટર્સ વાયુસેના ઉપરાંત ભૂમિદળને પણ મળશે. વાયુસેનાએ ૧૫૬ હેલિકોપ્ટરની માગણી કરી હતી. તેમને ૬૬ આપવામાં આવશે. ૯૦ પ્રચંડ ઈન્ડિયન આર્મીને અપાશે. વધુ ૯૭ તેજસ વાયુસેનામાંં જોડાશે તે સાથે જ વાયુસેના પાસે તેજસ વિમાનોની સંખ્યા ૧૮૦એ પહોંચશે. અગાઉ ફેબુ્રઆરી-૨૦૨૧માં સંરક્ષણ વિભાગે ૮૩ તેજસ ખરીદવા માટે સરકારી ડિફેન્સ કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ સાથે ૪૮ હજાર કરોડનો કરાર કર્યો હતો. 

આ ઉપરાંત કમિટીએ અન્ય શસ્ત્ર-સામગ્રીના સોદાને પણ મંજૂર કર્યા હતા. ૪૦ હજાર કરોડના ખર્ચે બીજા સ્વદેશી વિમાનવાહક જહાજના નિર્માણ માટે વિચારણા કરી હતી. અન્ય શસ્ત્રોમાં મિડિયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલ, ૪૦૦ ટોડ આર્ટિલરી ગન સિસ્ટમ, ૨૦૦ માઉન્ટેગ ગન સિસ્ટમ અને કાર્બાઈન ગન વગેરેની ખરીદી થશે. ૮૪ સુખોઈ-૩૦ને અપગ્રેડ કરવામાં આવશે. તે સિવાય ટેન્કને ઓપરેટ કરવા માટે જરૂરી એવા બેસાલ્ટિક કમ્પ્યુટર્સ પણ ખરીદાશે. ઓટોમેટિક ટાર્ગેટ ટ્રેકર્સથી સટિક નિશાન પાર પડે છે. આ સિસ્ટમ પણ સૈન્યને આપવામાં આવશે. ડિફેન્સ મિનિસ્ટ્રીના સૂત્રોને ટાંકીને કહેવાયું હતું કે વિદેશી ડિફેન્સ કંપનીઓ પર નિર્ભરતા ઘટાડીને સ્વદેશી ડિફેન્સ ઈન્ડસ્ટ્રીને નવો વેગ મળે તે માટે આ બજેટનો મોટો હિસ્સો સ્વદેશી કંપનીઓ સાથે કરાર કરવામાં ખર્ચાશે.


Google NewsGoogle News