1993ની બેચના IRS અધિકારી રાહુલ નવીન બન્યા EDના નવા ડાયરેક્ટર, કેન્દ્ર સરકારે લીધો નિર્ણય
Rahul Naveen Appointed as ED Director : કેન્દ્ર સરકારે 1993 બેચના આઇઆરએસ અધિકારી રાહુલ નવીનને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના ડાયરેક્ટર નિયુક્ત કર્યા છે. રાહુલ નવીન પાછલા વર્ષે 15 સપ્ટેમ્બરે તત્કાલીન ડાયરેક્ટર સંજય કુમાર મિશ્રાનો કાર્યકાળ પૂર્ણ થયા બાદથી અત્યારસુધી એજન્સીના એક્ટિંગ ડાયરેક્ટર તરીકે કામ કરી રહ્યા હતા. સંજય મિશ્રા સાથે એક્ટિંગ ડાયરેક્ટર તરીકે કામ કરી તેમણે એજન્સીનું સંચાલન કરવાનું અનુભવ હાંસલ કર્યું છે. વડાપ્રધાન મોદીની આગેવાની હેઠળની સમિતિએ રાહુલ નવીનને એક્ટિંગ ડાયરેક્ટરના પદ પરથી બઢતી આપી ED ચીફના પદ પર નિયુક્ત કર્યા છે.
2023માં EDના એક્ટિંગ ડાયરેક્ટર બન્યા
રાહુલ નવીન 1993 બેચના ઈન્ડિયન રેવન્યુ સર્વિસ (ઈન્કમ ટેક્સ) અધિકારી છે. તેમણે પૂર્વ ED ડાયરેક્ટર સંજય કુમાર મિશ્રાના કાર્યકાળના અંત પછી 15 સપ્ટેમ્બર, 2023ના રોજ કાર્યકારી નિર્દેશકનું પદ સંભાળ્યું હતું. તેઓ એજન્સીમાં તેમના સારા ટ્રેક રેકોર્ડ માટે જાણીતા છે, જેમની હાજરીમાં એજન્સીએ કેટલાક મોટા કેસનો પર્દાફાશ કર્યો હતો.
EDની તપાસ હેઠળ 100થી વધુ નેતાઓ
કેન્દ્ર સરકારે ગયા વર્ષે એક વટહુકમ બહાર પાડ્યો હતો, જે હેઠળ ED અને CBI વડાઓનો કાર્યકાળ બે વર્ષના નિર્ધારિત સમયગાળા પછી ત્રણ વર્ષ સુધી વધારી શકાય છે. હાલમાં, દેશના 100 થી વધુ રાજકીય નેતાઓ વિરૂદ્ધ ઇડી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, જેમાંથી લગભગ 95 ટકા જેટલા નેતાઓ વિરોધ પક્ષોના છે.
સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ સંજય મિશ્રાએ પદ પરથી રાજીનામું આપ્યું
સંજય મિશ્રાને 19 નવેમ્બર, 2018ના રોજ બે વર્ષના કાર્યકાળ માટે ED ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જો કે, તેમનો કાર્યકાળ ઘણી વખત લંબાવવામાં આવ્યો હતો, જેના કારણે વિવાદ સર્જાયો હતો. બાદમાં સુપ્રીમ કોર્ટે મિશ્રાના ત્રીજા એક્સટેન્શનને ગેરકાયદેસર જાહેર કર્યું હતું. આ છતાં, સરકારે કોર્ટને વિનંતી કરી હતી કે મિશ્રાને ઑક્ટોબર 2023 સુધી ED ચીફ તરીકે ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવે, પરંતુ કોર્ટે તેમના એક્સટેન્શનને 15 સપ્ટેમ્બર સુધી જ મંજૂરી આપી હતી.