અજમેરમાં 1992માં 100 વિદ્યાર્થિની પરના રેપ કેસમાં છને આજીવન કેદ
- સમગ્ર દેશને હચમચાવનારા ચકચારી સેક્સ રેકેટમાં કુલ 18ને સજા થઇ
- અશ્લિલ તસવીરો લઇને બ્લેકમેલિંગ થતું, કેટલીક પીડિતા અને આરોપીઓએ બદનામીના ડરથી આત્મહત્યા કરી લીધી હતી
- રેકેટમાં કેટલાક રાજનેતાઓ, અધિકારીઓ પણ સામેલ હતા, તસવીરો પ્રિન્ટ થતી તે લેબમાંથી મામલો બહાર આવ્યો હતો
- વિદ્યાર્થિનીઓની સાથે દોસ્તી કરીને ફાર્મ હાઉસ પર લઇ જવાતી જ્યાં રેપ કર્યા બાદ ધમકી આપી છોડી દેવાતી
અજમેર : ૩૨ વર્ષ પહેલાના રાજસ્થાનના અજમેર ગેંગરેપ અને બ્લેકમેલ કાંડમાં બાકી રહી ગયેલા છ આરોપીઓને સ્પેશિયલ પોક્સો કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. સાથે જ પાંચ પાંચ લાખ રૂપિયાનો દંડ પણ કર્યો છે. વર્ષ ૧૯૯૨માં ૧૦૦થી વધુ વિદ્યાર્થિનીઓ પર રેપ અને બ્લેકમેલના કેસમાં કુલ ૧૮ આરોપીઓની ગેંગ સામેલ હતી, જેમાંથી નવને સજા અપાઇ ચુકી છે. એક આરોપીએ આત્મહત્યા કરી લીધી છે. જ્યારે એક ફરાર છે, બાકી બચેલા છને અંતે આટલા વર્ષો બાદ સજા આપવામાં આવી છે.
આ સેક્સ રેકેટ વર્ષ ૧૯૯૦થી ૧૯૯૨ની વચ્ચે સામે આવ્યું હતું, અજમેરમાં સક્રિય એક ગેંગ એક બાદ એક કુલ ૧૦૦ વિદ્યાર્થિનીઓને પોતાનો શિકાર બનાવી ચુકી હતી. સગીરાઓનું અપહરણ કરીને કે લાલચ આપીને લાવવામાં આવતી હતી, બાદમાં તેમના પર રેપ થતો, આ દરમિયાન તેની તસવીરો લઇ લેવામાં આવતી. જે બાદ ડરાવી ધમકાવીને પીડિતાઓને ફાર્મ હાઉસ પર બોલાવવામાં આવતી હતી. આશ્ચર્યની વાત એ છે કે શાળાઓની વિદ્યાર્થિનીઓ પર રેપ કરવામાં માત્ર આ ગેંગ જ નહીં પોલીસ કર્મચારીઓ, નેતાઓ અને અધિકારીઓ પણ સામેલ હતા.
આ સેક્સ રેકેટનો માસ્ટરમાઇન્ડ ફારુક ચિશ્તી હતો, તેની સામે નફીસ અને અનવર પણ મળેલા હતા. અજમેરની એક ખાનગી શાળાની ૧૧થી ૨૦ વર્ષની સગીરાઓ યુવતીઓને શિકાર બનાવવામાં આવી હતી. સૌથી પહેલા ગેંગના સભ્યો સ્કૂલની વિદ્યાર્થિનીઓની સાથે દોસ્તી કરવાનો પ્રયાસ કરતા હતા, બાદમાં તેમને લલચાવીને ફાર્મ હાઉસ પર બોલાવતા જ્યાં રેપ કરતા અને બાદમાં તસવીરો લઇને બ્લેકમેલિંગ થતું. અજમેરની આ ઘટનાએ સમગ્ર દેશમાં હાહાકાર મચાવી દીધો હતો, રાજસ્થાનની તત્કાલીન ભાજપ સરકાર પર વિપક્ષ કોંગ્રેસ દ્વારા દબાણ વધારવામાં આવ્યું, હિન્દુ સંગઠનોએ પણ રસ્તા પર ઉતરીને આરોપીઓની સામે આકરા પગલા લેવા માટે આંદોલન શરૂ કર્યા હતા. મોટાભાગના આરોપીઓ મુસ્લિમ સમાજના જ્યારે પીડિતાઓ હિન્દુ સમાજની હોવાથી અજમેરમાં કોમી હિંસાની પણ ઘટનાઓ સામે આવી હતી.
૩૦ મે ૧૯૯૨ના રોજ રાજસ્થાનના તત્કાલીન મુખ્યમંત્રી ભૈરોંસિંહ શેખાવતે મામલો સીઆઇડીને સોંપી દીધો. રીલ પ્રિંટ કરનારાએ મામલાનો ખુલાસો કર્યો હતો, પુરુષોત્તમ ઉર્ફે બબના રીલથી તસવીરો પ્રિન્ટ કરાવતો હતો, તેના લેબમાંથી આ તસવીરો લીક થઇ ગઇ અને મામલો બહાર આવ્યો. બાદમાં આરોપીઓએ લેબના માલિક ઘનશ્યામ ભૂરાની પર હુમલો કરતા તમામ આરોપીઓ ખુલ્લા પડી ગયા હતા. આ કેસમાં એક આરોપી પુરુષોત્તમે બદનામીના ડરને પગલે પત્ની સાથે મળીને આત્મહત્યા કરી લીધી હતી.
અનેક યુવતીઓની તસવીરો જાહેર થઇ ગઇ હતી, આવી કેટલીક યુવતીઓએ પણ આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે કેટલીક યુવતીઓએ હિમ્મત રાખીને તમામ આરોપીઓના રાજ ખોલ્યા અને તેમની જાણકારી આપી હતી, જે બાદ આરોપીઓની ધરપકડો શરૂ થઇ હતી. જે પણ પીડિતાઓ સાથે આ ઘટના ઘટી તેઓમાંથી કેટલીકની ઉંમર હાલ ૫૦ વર્ષને પાર પહોંચી ગઇ છે. આરોપ છે કે ફારુક, નફીસની સાથે અનવર, મોઇજુલ્લાહ ઉર્ફે પુત્તન ઇલાહાબાદી, સલીમ, શમશુદ્દીન, સુહૈલગની, કૈલાશ સોની, મહેશભુધાની, પુરુષોત્તમ, હરીશ તોલાની વગેરે યુવતીઓને શારીરિક શોષણ માટે ફાર્મહાઉસ અને એક પોલ્ટ્રી ફાર્મ પર લઇ જતા હતા. આમાંથી કેટલાકને સજા થઇ કેટલાક છુટી પણ ગયા, હવે જે બાકી રહી ગયેલા છ આરોપી નફીસ, નસીમ, સલીમ, સોહિલ, સૈયદ જમીર અને ઇકબાલ ભાટીને આજીવન કેદની સજા અને પાંચ-પાંચ લાખનો દંડ કરાયો છે.