Get The App

1948માં ભારતે સિંધુ નદીનું પાણી અટકાવી પાકિસ્તાનનું નાક દબાવ્યું હતું, દાયકા સુધી UNના ધક્કા ખવડાવ્યા

Updated: Apr 26th, 2025

GS TEAM


Google News
Google News
1948માં ભારતે સિંધુ નદીનું પાણી અટકાવી પાકિસ્તાનનું નાક દબાવ્યું હતું, દાયકા સુધી UNના ધક્કા ખવડાવ્યા 1 - image


What Is Indus Water Treaty: ભારતમાં અંગ્રેજોનું શાસન હતું, ત્યારે દક્ષિણ પંજાબમાં સિંધુ નદી પર મોટી નહેર બનાવાઈ હતી કે, જેથી ખેતીને સિંચાઈનો લાભ મળે. આ નહેરના કારણે આઝાદી પહેલાં પંજાબને મોટો ફાયદો થયો અને પંજાબ કૃષિ ક્ષેત્રે દક્ષિણ એશિયામાં અગ્રેસર પ્રાંત બની ગયો હતો.

1947માં દેશ આઝાદ થયો અને ભારત અને પાકિસ્તાન બે દેશ અસ્તિત્વમાં આવ્યા ત્યારે પંજાબના પણ ભાગલા પડ્યા. પંજાબનો પૂર્વ ભાગ ભારત અને પશ્ચિમ ભાગ પાકિસ્તાનમાં ગયો. સિંધુ નદીની વિશાળ નહેરોનું પણ વિભાજન કરવામાં આવ્યું. જો કે સિંધુ નદી ભારતમાંથી પાકિસ્તાનમાં જતી હતી તેથી નહેરોમાંથી મળતાં પાણી પર ભારતનું પ્રભુત્વ હતું. આ મુદ્દે કોઈ ઝઘડો ના થાય એટલે પૂર્વ અને પશ્ચિમ પંજાબના ચીફ એન્જિનિયર્સ વચ્ચે 20 ડિસેમ્બર 1947ના રોજ સંધિ થઈ. આ સંધિ હેઠળ વિભાજન પહેલાં નક્કી કરાયેલો પાણીનો નિશ્ચિત હિસ્સો ભારતે 31 માર્ચ 1948 સુધી પાકિસ્તાનને આપતું રહેવાનું નક્કી થયું. જો કે 1 એપ્રિલ 1948ના રોજ જ્યારે સંધિ સમાપ્ત થઈ ત્યારે ભારતે બે મુખ્ય નહેરોનું પાણી રોકી દેતાં પાકિસ્તાનના પંજાબની 17 લાખ એકર જમીનને સિંચાઈ ના મળતાં હાલત કફોડી થઈ ગઈ. 

ભારતે નાક દબાવતાં પાકિસ્તાન સમજૂતી કરવા તૈયાર થયું

ભારત કાશ્મીર મુદ્દે પાકિસ્તાન પર દબાણ લાવવા માંગતું હતું તેથી આ પગલું ભરાયેલું. આઝાદી પછી તરત જ પાકિસ્તાને કાશ્મીર પર હુમલો કર્યો ત્યારે ભારત અને પાકિસ્તાનના સંબંધો તંગ બન્યા હતા. તેના કારણે ભારતે આ પગલું ભરવું પડેલું. ભારતે નાક દબાવ્યું એટલે પાકિસ્તાન કાશ્મીર મુદ્દે સમજૂતી માટે તૈયાર થતાં ભારત પાણી પુરવઠો શરુ કરવા તૈયાર થયું હતું. દરમિયાનમાં પાકિસ્તાનને ભારત ફરી સિંધુ નદીનું પાણી રોકી દેશે તેનો ડર હતો તેથી યુનાઇટેડ નેશન્સમાં ગયું. પાકિસ્તાને 1951માં ડર વ્યક્ત કર્યો હતો કે ભારત સિંધુ સહિતની નદીઓના પાણી રોકીને પાકિસ્તાનમાં પાણીની કૃત્રિમ અછત ઊભી કરીને દુકાળ લાવી શકે. યુનાઇટેડ નેશન્સે બંને દેશોને સંધિ કરવા કહ્યું. 


1948માં ભારતે સિંધુ નદીનું પાણી અટકાવી પાકિસ્તાનનું નાક દબાવ્યું હતું, દાયકા સુધી UNના ધક્કા ખવડાવ્યા 2 - image

વર્લ્ડ બૅન્ક મધ્યસ્થી બની હતી

વર્લ્ડ બૅન્કના વડા ડેવિડ બ્લેકે સિંધુ નદી વિશે અભ્યાસ કર્યો હતો તેથી તેમને મધ્યસ્થીનું કામ સોંપાયું. તેમણે ભારત અને પાકિસ્તાનનો સંપર્ક કર્યો અને બંને દેશો વચ્ચે બેઠકોનો સિલસિલો શરુ થયો. લગભગ એક દાયકા સુધી બેઠકો ચાલી.

અંતે 19 સપ્ટેમ્બર 1960ના રોજ કરાચીમાં સિંધુ નદી સમજૂતી પર હસ્તાક્ષર થયા. ભારતના તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને પાકિસ્તાનના તત્કાલીન પ્રમુખ ફિલ્ડ માર્શલ અયુબ ખાને તેના પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર હેઠળ સિંધુ નદી અને તેની પાંચ ઉપનદીઓ - રાવી, બિયાસ, સતલજ, ઝેલમ અને ચિનાબના પાણીની વહેંચણી બંને દેશો વચ્ચે સરખા ભાગે કરવામાં આવી. ઈન્ડસ રિવર સિસ્ટમ એટલે કે સિંધુ જળ પ્રણાલીમાં 70 ટકા પાણી પાકિસ્તાનને જ્યારે 30 ટકા પાણી ભારતને મળ્યું.

ભારતે વર્ષો સુધી સંધિનું પાલન કર્યું

આ કરાર પ્રમાણે ભારતના ભાગે પૂર્વમાં વહેતી બિયાસ, રાવી અને સતલજ એ ત્રણ નદી આવી હતી જ્યારે પાકિસ્તાનના ભાગે પશ્ચિમની સિંધુ, ચેનાબ અને ઝેલમ નદી આવી. ભારતે વર્ષોથી આ સંધિનું પાલન કર્યું છે અને પાકિસ્તાન સામેના 1965, 1971 અને 1999ના યુદ્ધ વખતે પણ સંધિ સ્થગિત નહોતી કરી. જો કે, આ વખતે ભારતે સંધિ સ્થગિત કરીને મોટું પગલું લીધું.

આ પણ વાંચોઃ 'જો ભારત પાણી રોકશે તો અમે...', ગભરાયેલા પાકિસ્તાની PM શાહબાઝની પોકળ ચીમકી

આ છ નદીઓના પાણીની વહેચણી મુદ્દે સિંધુ જળ સંધિ કરાઈ

સિંધુઃ 

સિંધુ નદી એશિયાની સૌથી લાંબી નદીઓ પૈકી એક છે. દક્ષિણ અને મધ્ય એશિયાની હિમાલય પાર કરતી નદી સિંધુ 3,180 કિ.મી (1,980 માઇલ) લાંબી છે. સિંધુ નદી ચીનના પશ્ચિમ તિબેટ ક્ષેત્રમાં કૈલાશ પર્વતની ઉત્તરપૂર્વમાં પર્વતીય ઝરણામાંથી નીકળી કાશ્મીર પ્રદેશમાંથી ઉત્તરપશ્ચિમમાં વહે છે. સિંધુ નદી પહેલાં ભારત-શાસિત લદ્દાખ અને પછી ગિલગિટ બાલ્ટિસ્તાનમાંથી પસાર થઈને નાંગા પરબત માસિફ પછી ડાબી તરફ વળે છે. પાકિસ્તાનમાંથી દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં વહેતી સિંધુ નદી છેવટે વિભાજિત થઈને કરાચી પાસે અરબી સમુદ્રમાં ભળે છે. 

રાવી 

રાવી નદી દક્ષિણ એશિયામાં મહત્વની નદીઓમાંથી એક છે. ઉત્તરપશ્ચિમ ભારત અને પૂર્વ પાકિસ્તાનમાંથી વહેતી રાવી નદી પંજાબ ક્ષેત્રની પાંચ મુખ્ય નદીઓમાંની એક છે. હનુમાન ટિબ્બામાંથી નીકળતી રાવી નદી ચિનાબમાં ભળે છે. સમુદ્ર સપાટીથી 5,982 મીટર (19,626 ફૂટ) ઉંચાઈ પર આવેલો હનુમાન ટિબ્બા ધૌલાધર પર્વતમાળાનું છેલ્લું શિખર છે અને અહીંથી ઉત્તરપશ્ચિમમાં પીર પંજાલ પર્વતમાળા શરુ થાય છે. રાવી નદીની લંબાઈ 740 કિમી છે.

બિયાસઃ

બિયાસ નદી ઉત્તરપશ્ચિમ ભારતમાં હિમાચલ પ્રદેશ અને પંજાબ રાજ્યોમાંથી વહે છે. પંજાબ ક્ષેત્રની પાંચ મુખ્ય નદીઓમાં સૌથી નાની છે બિયાસ મધ્ય હિમાચલ પ્રદેશમાં હિમાલયમાં નીકળે છે. આ નદી લગભગ 470 કિલોમીટર (290 માઇલ) સુધી વહે છે અને પંજાબમાં સતલજ નદીમાં મળે છે. 

ચિનાબઃ

ચિનાબ નદી ભારત અને પાકિસ્તાનમાં વહે છે. બે મુખ્ય નદીઓ ચંદ્ર અને ભાગાના સંગમ દ્વારા રચાયેલી ચિનાબ ભારતના હિમાચલ પ્રદેશના લાહૌલ ક્ષેત્રમાં ઉપલા હિમાલયમાંથી નીકળે છે. ચિનાબ નદી પછી ભારતના જમ્મુ પ્રદેશમાંથી વહે છે અને પાકિસ્તાનના પંજાબના મેદાનોમાં જાય છે જ્યાં તે સતલજ નદીમાં ભળીને પંજનાદ બનાવે છે. અંતે મીઠાનકોટ ખાતે સિંધુ નદીમાં વહે છે. ચિનાબ નદીની લંબાઈ 974 કિમી છે.

સતલજઃ

સતલજ નદી ચીન, ભારત અને પાકિસ્તાનમાંથી વહે છે. સિંધુ નદીની પૂર્વીય ઉપનદી સતલજ માનસરોવર-રકાસ સરોવરમાંથી નીકળે છે અને ભારતમાં પંજાબની સૌથી મોટી નદી છે. પંજાબના મેદાનોમાં સતલજ અને ચિનાબ નદીઓનું મિશ્રણ પંજનાદ બનાવે છે, જે અંતે મીઠાનકોટ ખાતે સિંધુ નદીમાં વહે છે. ભારતમાં, ભાખરા બંધ પંજાબ, રાજસ્થાન અને હરિયાણા રાજ્યોને સિંચાઈ અને અન્ય સુવિધાઓ પૂરી પાડવા માટે સતલજ નદી ઉપર બાંધવામાં આવ્યો છે. સતલજ નદીની લંબાઈ 1450 કિમી છે. 

ઝેલમઃ

ઝેલમ નદી ભારત અને પાકિસ્તાનમાંથી વહે છે. ઝેલમ નદી હિમાલયમાં વેરીનાગથી ઉદ્ભવે છે. ભારત-શાસિત જમ્મુ અને કાશ્મીરમાંથી પીઓકે થઈને પાકિસ્તાની પ્રાંત પંજાબમાં વહે છે. ઝેલમ ચિનાબ નદીની ઉપનદી છે અને તેની કુલ લંબાઈ લગભગ 725 કિલોમીટર (450 માઇલ) છે.

1960 ઇન્ડસ વોટર ટ્રીટી

ભારત તમામ નદીઓના પાણીનો ઉપયોગ કરી શકે છે પણ ત્રણ નદીઓ જે પૂર્વ ઘાટ ઉપર જઈ રહી છે તેના પાણીને પાકિસ્તાન સુધી જતું અટકાવી શકે નહીં.


1948માં ભારતે સિંધુ નદીનું પાણી અટકાવી પાકિસ્તાનનું નાક દબાવ્યું હતું, દાયકા સુધી UNના ધક્કા ખવડાવ્યા 3 - image

Tags :