ચૂંટણીમાં 'મની પાવર'નો દુરુપયોગ વધ્યો, 5 રાજ્યોમાં 1760 કરોડની પ્રતિબંધિત સામગ્રી જપ્ત, ADRનો રિપોર્ટ
ચૂંટણી પર નજર રાખતી સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) / ઈલેક્શન વૉચે ચેતવણી આપી
પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન મની પાવર અને મસલ (Muscle) પાવરનો દુરુપયોગ ઘણો વધી ગયો
ADR Report on 5 States Election 2023 | ચૂંટણી પર નજર રાખતી સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) / ઈલેક્શન વૉચે ચેતવણી આપી છે કે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન મની પાવર અને મસલ (Muscle) પાવરનો દુરુપયોગ ઘણો વધી ગયો છે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે આ પાંચ રાજ્યોમાં ચૂંટણી પ્રક્રિયા શરૂ થયા બાદ અત્યાર સુધીમાં 1760 કરોડ રૂપિયાની પ્રતિબંધિત વસ્તુઓ પકડાઈ ચૂકી છે.
ADRના રિપોર્ટમાં શું છે માહિતી?
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ / ઈલેક્શનજ વૉચના પ્રોગ્રામ અને રિસર્ચ ઓફિસર શૈલી મહાજને કહ્યું કે 2018માં આ પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીમાં આશરે 239.15 કરોડની પ્રતિબંધિત વસ્તુઓ કબજે લેવાઈ હતી. એટલે કે ગત પાંચ વર્ષમાં તેમાં સાત ગણો વધારો થયો છે જે ચિંતાની વાત છે. તે દર્શાવે છે કે ચૂંટણીમાં મની પવાર અને મસલ પાવરનો દુરુપયોગ વધતો જઈ રહ્યો છે.
લોકસભા ચૂંટણી વખતે શું હતી સ્થિતિ?
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ/ઇલેક્શન વોચના જણાવ્યા અનુસાર ગયા વર્ષે પણ ગુજરાત, હિમાચલ પ્રદેશ, કર્ણાટક સહિત છ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન જપ્ત કરાયેલ પ્રતિબંધિત વસ્તુઓની કિંમત લગભગ 1400 કરોડ રૂપિયા હતી, જે 2017માં આ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીની તુલનાએ 11 ગણી વધારે હતી. સ્વાભાવિક છે કે છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન ચૂંટણી પંચનું રિપોર્ટિંગ મિકેનિઝમ પણ વધુ અસરકારક બન્યું છે. જ્યારે 2019ની લોકસભા ચૂંટણી બાદથી ચૂંટણી દરમિયાન પ્રતિબંધિત વસ્તુઓની જપ્તી વધી રહી છે. ગત લોકસભા ચૂંટણી દરમિયાન પ્રતિબંધિત સામાનની કુલ જપ્તી લગભગ 3400 કરોડ રૂપિયા હતી, જ્યારે આ વર્ષે માત્ર 5 રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી દરમિયાન જપ્તીનો આંકડો 1760 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. આ દર્શાવે છે કે ચૂંટણીમાં મની પાવરનો ઉપયોગ સતત વધી રહ્યો છે.