For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કેજરીવાલે 170 ફોન બદલ્યા અને પછી તેનો નાશ પણ કર્યો..: દારૂ કૌભાંડમાં પર EDના ગંભીર આરોપ

Updated: Apr 26th, 2024

કેજરીવાલે 170 ફોન બદલ્યા અને પછી તેનો નાશ પણ કર્યો..: દારૂ કૌભાંડમાં પર EDના ગંભીર આરોપ

Image: Facebook

Delhi Liquor Scam Case: સંજય સિંહ જ્યારથી જેલમાંથી છૂટીને બહાર આવ્યા છે, અરવિંદ કેજરીવાલને ચર્ચામાં રાખવાનો પ્રયત્ન કરે છે અને ઘણી વખત સફળ પણ રહે છે. અરવિંદ કેજરીવાલને લઈને સંજય સિંહના રાજકીય નિવેદન ઘણાં આક્રમક હોય છે અને સંબંધિત પક્ષને સ્પષ્ટતા પણ આપવી પડે છે. સંજય સિંહે તિહાર જેલમાં અરવિંદ કેજરીવાલની સાથે ગુનેગારો અને આતંકવાદીઓ જેવું વર્તન થતું હોવાના આરોપ લગાવ્યા છે અને ઘણી વખત તેમના નિશાને વડાપ્રધાન મોદી અને દિલ્હીના ડેપ્યુટી ગવર્નર વી. કે. સક્સેના હોય છે.

અરવિંદ કેજરીવાલે પોતાની ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે, જેની સામે ઈડીએ સોગંદનામું દાખલ કરીને તેમની સામે ડિજિટલ પુરાવાનો નાશ કરવાના ગંભીર આરોપ લગાવ્યા છે. જો તપાસ એજન્સીએ આરોપોને સાબિત કરી દીધા તો અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીનું રાજકારણ ખતમ થઈ જવાનું પણ જોખમ છે. ઈડીએ દારૂ કૌભાંડના કેસમાં આમ આદમી પાર્ટીને પણ પક્ષકાર બનાવી છે.

સુપ્રીમ કોર્ટમાં ઈડીનું સોગંદનામું, કેજરીવાલ પર ગંભીર આરોપ

ઈડીએ તેના સોગંદનામામાં અરવિંદ કેજરીવાલના તમામ આરોપોને ફગાવતા ધરપકડને યોગ્ય ઠેરવવાનો પ્રયત્ન કર્યો છે. ઈડીએ કહ્યું કે અરવિંદ કેજરીવાલને 9 વખત સમન્સ મોકલીને બોલાવાયા હતા પરંતુ તેઓ રજૂ થયા નહીં. તપાસ એજન્સીનો આરોપ છે કે અરવિંદ કેજરીવાલે દિલ્હી સરકારના મંત્રીઓ, આમ આદમી પાર્ટીના નેતાઓ અને બીજા લોકોની સંડોવણીથી મની લોન્ડ્રિંગના ગુનાને અંજામ આપવામાં મુખ્ય ભૂમિકા નિભાવી છે. 

1. ઈડીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હી લિકર પોલિસી કેસમાં મુખ્ય કાવતરું કરનાર ગણાવ્યા છે અને તપાસમાં સહયોગ ન કરવાનો આરોપ લગાવ્યો છે.   

2. EDનો આરોપ છે કે જે પીરિયડમાં દારૂ કૌભાંડ કરવામાં આવ્યું, આ દરમિયાન 170 મોબાઈલ ફોન બદલવામાં આવ્યા અને નાશ કરી દેવામાં આવ્યા. ઈડી અનુસાર આ કાર્યમાં 36 લોકો સામેલ હતા અને ઈડીએ તેને ડિજિટલ પુરાવા નાશ કરવાનો મામલો ગણાવ્યો છે.

3. પોતાની ધરપકડને ખોટી ગણાવતા અરવિંદ કેજરીવાલ તરફથી દલીલ કરવામાં આવી છે કે લોકસભા ચૂંટણીના સમયે ધરપકડ કરીને તેમને ચૂંટણી પ્રચારથી રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. અરવિંદ કેજરીવાલે તેને નિષ્પક્ષ ચૂંટણીના ખ્યાલ વિરુદ્ધ ગણાવ્યુ છે. 

ધરપકડની કાર્યવાહીને યોગ્ય ઠેરવતા ઈડીએ સોગંદનામામાં કહ્યુ છે, ભલે કોઈ ગમે તેટલા ઊંચા પદ પર બેસ્યા હોય પરંતુ તેના વિરુદ્ધ મજબૂત પુરાવા છે તો તેની ધરપકડ કરી શકાય છે. 

ઈડીની દલીલ છે કે જો અરવિંદ કેજરીવાલની નિષ્પક્ષ ચૂંટણી વાળી દલીલ સ્વીકાર કરી લેવામાં આવે છે તો ગુનામાં સામેલ રાજનેતાઓને ધરપકડથી છૂટ મળી જશે. 

સંજય સિંહ કેજરીવાલને કેવી રીતે ચર્ચામાં રાખી રહ્યા છે

તિહાર જેલથી છુટતા જ સંજય સિંહે સૂત્રોચ્ચાર કર્યા હતા કે 'જેલના તાળા તૂટશે, કેજરીવાલ છુટશે'- અને ત્યારથી તેઓ દરરોજ કોઈને કોઈ બહાને અરવિંદ કેજરીવાલના બચાવમાં આગળ આવ્યા છે.

1. આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે કહ્યુ કે શું તમે જાણો છો કે તિહાર જેલની અંદર પણ હત્યાઓ થઈ છે. સંજય સિંહે કહ્યુ કે શું થશે જો ભવિષ્યમાં અરવિંદ કેજરીવાલ પર પણ આ પ્રકારના હુમલા થઈ જાય. અમને તિહાર જેલમાં સીએમ કેજરીવાલની સુરક્ષાને લઈને ચિંતા થઈ રહી છે. અરવિંદ કેજરીવાલનો જીવ જોખમમાં છે. AAPએ તિહાર જેલમાં સુરક્ષા ચૂક અને કાલે રાત્રે થયેલી હિંસાનો હવાલો આપતા આ વાત કહી.

2. સંજય સિંહે આરોપ લગાવ્યો કે તિહાર જેલ તંત્રએ દિલ્હી સરકારના મંત્રી આતિશીને પોતાના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ન મળવા દેવાયા પરંતુ જેલ તંત્ર તરફથી જણાવવામાં આવ્યુ છે કે સૌરભ ભારદ્વાજ અને આતિશીને અલગ અલગ દિવસ મુલાકાતનો સમય આપવામાં આવ્યો છે. જેલ તંત્રનું કહેવું છે કે આતિશીને 29 એપ્રિલે મળવાની પરવાનગી આપવામાં આવી છે. ધ્યાન રાખો કે આ મુલાકાતો કોઈ કેબિનેટ મંત્રી અને મુખ્યમંત્રીની વચ્ચેની નહીં, પરંતુ એક વ્યક્તિની અંગત ક્ષમતાથી જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં બંધ એક કેદીની વચ્ચે થાય છે.

3. સંજય સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ફરિયાદ કરી છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હેરાન કરવા માટે તિહાર જેલને યાતના ગૃહ બનાવી દીધું છે. 

4. આમ આદમી પાર્ટી નેતા સંજય સિંહ કહે છે, વિશ્વસનીય સૂત્રો પાસેથી જાણકારી મળે છે કે એલજી ઓફિસ દ્વારા 24 કલાક કેજરીવાલ પર સીસીટીવી કેમેરા દ્વારા નજર રાખવામાં આવી રહી છે. એ જોવામાં આવી રહ્યું છે કે તેઓ શું કરી રહ્યા છે? શું વાંચી રહ્યા છે? ક્યારે સૂઈ રહ્યા છે? ક્યારે જાગી રહ્યા છે? તેમની એક-એક પ્રવૃતિ પર એવી નજર રાખવામાં આવી રહી છે. જાણે તેમની કોઈ મોટો જાસૂસ દ્વારા જાસૂસી કરાઈ રહી છે. 

Gujarat