રાજૌરીમાં 3 પરિવારના 17 લોકોના રહસ્યમય મોતનું શું હતું કારણ? કેન્દ્રીય મંત્રીએ કર્યો ખુલાસો
Mysterious Deaths: જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાના બધાલ ગામમાં ત્રણ પરિવારના 17 લોકોના રહસ્યમય મોત અને એક વ્યક્તિની હાલત ગંભીર બનતા પથંકમાં ડરનો માહોલ છે. આ સમગ્ર મામલે કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે ગુરુવારે (23 જાન્યુઆરી, 2025) જણાવ્યું હતું કે 17 લોકોના મોત પાછળ કોઈ ચેપ-સંક્રમણ નથી, પરંતુ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ લોકોના મોત ઝેરી પદાર્થોના કારણે થયા છે.
ANIના અહેવાલ મુજબ, કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, 'આ ઝેરી પદાર્થની ઓળખ માટે તપાસ કરવામાં આવી રહી છે. જો આ પાછળ કોઈ ષડયંત્ર બહાર આવશે તો યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવશે.'
તેમણે કહ્યું કે, 'લખનૌની CSIR લેબોરેટરીમાં કરવામાં આવેલી પ્રાથમિક તપાસ મુજબ, આ ચેપ વાયરલ કે બેક્ટેરિયલ પ્રકૃતિનો નથી. તેમાં ઝેર મળી આવ્યું છે. હવે તે કયા પ્રકારનું ઝેર છે તે શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેની તમામ દૃષ્ટિકોણથી તપાસ કરવામાં આવી રહી છે.'
આ પણ વાંચો: ‘તેઓ પણ અમારા ભાઈ છે...’ પાકિસ્તાન અને POKનો ઉલ્લેખ કરી જમ્મુમાં ગર્જ્યા રાજનાથ સિંહ
50 દિવસમાં 17 લોકોના મોત
જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં આ રહસ્યમય મૃત્યુ 7 ડિસેમ્બર, 2024 અને 10 જાન્યુઆરી, 2025ની વચ્ચે થયા હતા. તેનો અર્થ એ કે મોતનું તાંડવ કુલ 60 દિવસના સમયગાળામાં થયું. મોતની આ ઘટનાઓ પછી અધિકારીઓ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી અને સમગ્ર વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન બનાવવામાં આવ્યા. મૃતક પરિવારના સભ્યોના ચાર વધુ નજીકના સંબંધીઓને પણ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત પણ ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
11 લોકોની ટીમ કરી રહી છે તપાસ
શંકાસ્પદ મોત પાછળના કારણો શોધવા માટે 11 લોકોની એક ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ ગયા રવિવારે (19 જાન્યુઆરી, 2025) રાજૌરી પહોંચી હતી. એક દિવસ પહેલા જમ્મુની એક હૉસ્પિટલમાં બીમારીને કારણે એક યુવતીનું પણ મોત થયું હતું. બાળકીના મોત પછી, મૃત્યુઆંક વધીને 17 થયો. જે લોકો બીમાર પડ્યા હતા તેમનામાં તાવ, ઉબકા, બેભાન થવું અને માથાનો દુ:ખાવો જેવા લક્ષણો જોવા મળ્યા.
200થી વધુ ખોરાકના નમૂના લેબમાં મોકલવામાં આવ્યા હતા
GMC રાજૌરી ખાતે વરિષ્ઠ રોગચાળાના વૈજ્ઞાનિક અને કોમ્યુનિટી મેડિસિન વિભાગના પ્રમુખ ડૉ. શુઝા કાદરીના જણાવ્યા અનુસાર, 17 મોત કોઈપણ ચેપી રોગને કારણે થયા ન હતા. 200થી વધુ ખોરાકના નમૂના લેબમાં મોકલવામાં આવ્યા છે. કાદરીએ આશા વ્યક્ત કરી છે કે થોડા દિવસોમાં આપણે આ મોતને નિયંત્રિત કરવાની સ્થિતિમાં આવીશું.
આ પણ વાંચો: કાશ્મીરની ‘Z મોડ ટનલ’ દેશની સુરક્ષા માટે અત્યંત મહત્ત્વની, પ્રવાસીઓને પણ થશે ફાયદો