શંભૂ બોર્ડરે દિલ્હી કૂચના17 ખેડૂતો ઘાયલ : ટ્રેક્ટર માર્ચ, રેલ રોકોની ચિમકી
- ભારે ઠંડી વચ્ચે ખેડૂતો પર વોટર કેનન, આંસુ ગેસનો મારો
- સંસદમાં બંધારણની ચર્ચા કરી રહેલા લોકો ખેડૂતો પર મૌન, પગપાળા જતા ૧૦૧ ખેડૂતો દેશ માટે ખતરો કેવી રીતે? ઃ પંઢેર
ટેકાના ભાવ માટે કાયદાની માગ કરી રહેલા ખેડૂતો સાથે પાક. સરહદ હોય તેવું વર્તન : પહેલવાન પુનિયા ખેડૂતોને મળ્યા
ખેડૂત નેતા મંજીતસિંહ રાયે આરોપ લગાવ્યો હતો કે પોલીસે ખેડૂતો પર રબરની ગોળીઓ ચલાવી હતી. જેમાં એક ખેડૂત ગંભીર રીતે ઘાયલ છે. દરમિયાન ખનૌરી બોર્ડર પર ૨૬ નવેમ્બરથી ખેડૂત નેતા જગજીતસિંહ ડલ્લેવાલ ભૂખ હડતાળ પર ઉતર્યા છે. તેમણે કહ્યું હતું કે ખેડૂતોમાં બહુ જ રોષ છે, કોઇ પણ પ્રકારનું એવુ કાર્ય કરવામાં ના આવે કે જેને ખેડૂતો સહન ના કરી શકે, જો કોઇ પણ ખેડૂતને કઇ થયું તો તેના માટે મોદી સરકાર જવાબદાર ગણાશે. જ્યારે ખેડૂત નેતા સરવનસિંહ પંઢેરે કહ્યું હતું કે સંસદમાં બંધારણ અપનાવવાને ૭૫ વર્ષ પૂર્ણ થવા પર ચર્ચા ચાલી રહી છે. પરંતુ કોઇ ખેડૂતો માટે સંસદમાં અવાજ નથી ઉઠાવી રહ્યું. માત્ર ૧૦૧ ખેડૂતોને પગપાળા દિલ્હી જતા રોકાઇ રહ્યા છે, આ ખેડૂતો દેશ માટે કેવી રીતે ખતરો હોઇ શકે?
અગાઉ છ અને આઠ ડિસેમ્બરના રોજ પણ ખેડૂતોએ દિલ્હી કૂચનો પ્રયાસ કર્યો હતો. જોકે તે સમયે પણ તેમના પર આંસુ ગેસના શેલનો મારો ચલાવીને રોકી લેવાયા હતા. ટેકાના ભાવ માટે કાયદો ઘડવા સહિતની પડતર માગણીઓ સાથે આ વર્ષે ફેબુ્રઆરી મહિનામાં ખેડૂતોએ દિલ્હી કૂચ કરી હતી, તે સમયે જ તેમને હરિયાણા અને પંજાબ વચ્ચેની શંભૂ બોર્ડર પર રોકી લેવાયા હતા, ત્યારથી આ ખેડૂતો ધરણા પર બેઠા છે, બીજી તરફ હરિયાણા પોલીસે પણ ફેબુ્રઆરી મહિનાથી જ કિલ્લેબંધી કરી રાખી છે. હવે ખેડૂતો ફરી દિલ્હી કૂચ કરી રહ્યા છે. જોકે પોલીસની કાર્યવાહીને કારણે ખેડૂતો ઘવાતા હવે રણનીતિ બદલાઇ રહી છે.
શનિવારે પોલીસની કાર્યવાહીમાં ઘાયલ ખેડૂતોને એમ્બ્યૂલંસમાં હોસ્પિટલ લઇ જવાયા હતા. ભારે ઠંડી વચ્ચે ખેડૂતો પર પોલીસે વોટર કેનનનો મારો ચલાવ્યો હતો. ખેડૂતોને સમર્થન આપવા માટે પહેલવાન બજરંગ પુનિયા પહોંચ્યા હતા, તેમણે કહ્યું હતું કે સરકારે આપેલા વચન પુરા કરવા જોઇએ. ખેડૂત નેતા ડલ્લેવાલના સ્વાસ્થ્ય પર પણ સરકારે ધ્યાન આપવું જોઇએ. એક તરફ સરકાર કહે છે કે તે ખેડૂતોને દિલ્હી આવતા નથી અટકાવી રહી જ્યારે બીજી તરફ તેમના પર આંસુ ગેસનો મારો ચલાવી રહી છે જાણે આ પાકિસ્તાન બોર્ડર હોય. જ્યારે નેતાઓ દિલ્હી ધરણા માટે જાય છે ત્યારે ત્યાંના પ્રશાસનની મંજૂરી લે છે?