1857ના વિદ્રોહના 165 વર્ષ: ગ્વાલિયરથી બિહાર સુધીની કમાન કોણે સંભાળી હતી... જાણો
- રાણી લક્ષ્મીબાઈએ દત્તક પુત્રને સિંહાસનનો અધિકાર આપવાનો ઈનકાર કરતા બ્રિટિશરો સામે વિદ્રોહનું નેતૃત્વ કર્યું હતું
નવી દિલ્હી, તા. 10 મે 2022, મંગળવાર
ભારતીય વિદ્રોહ અથવા પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ. અલગ-અલગ નામોથી ઓળખાતા 1857ના વિદ્રોહને આજે 165 વર્ષ પૂરા થયા છે. બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની સામે થયેલા આ સંઘર્ષને ઈતિહાસમાં અસફળ માનવામાં આવે છે પરંતુ તેની અંદર અનેક સફળતાઓ પણ છે. એક તરફ આ વિદ્રોહે દેશને ઘણા નાયકો આપ્યા છે તો બીજી તરફ અંગ્રેજોને શાસનમાં ફેરફાર કરવાની ફરજ પડી હતી. જોકે, મેરઠથી શરૂ થયેલા સંઘર્ષના સમયની અસર આખા દેશમાં જોવા મળી હતી પરંતુ તેનું વાસ્તવિક ચિત્ર અમુક વિસ્તારોમાં જ ઉભરી આવ્યું હતું.
વિદ્રોહની આગ પટનાના નજીકના વિસ્તારોથી લઈને રાજસ્થાનના સરહદી વિસ્તારો સુધી ફેલાઈ ગઈ હતી. આ દરમિયાન મુખ્ય કેન્દ્ર લખનૌ, કાનપુર, દિલ્હી, ઝાંસી, ગ્વાલિયર અને બિહાર રહ્યા હતા. મહત્વની વાત એ છે કે, આ વિદ્રોહ એક વર્ષથી વધારે સમય સુધી ચાલ્યો હતો પરંતુ 1858ના મધ્ય સુધીમાં તેને દબાવી દેવામાં આવ્યો હતો.
કોના નેતૃત્વમાં ક્યાં થયું યુદ્ધ
લખનૌ: અવધની રાજધાની રહેલા લખનૌમાં વિદ્રોહનું નેતૃત્વ બેગમ હજરત મહલે કર્યું હતું. તેઓ અવધના પૂર્વ રાજાની પત્નીઓમાંથી એક હતા.
કાનપુર: ત્યાં વિદ્રોહની કમાન પેશવા બાજીરાવ દ્વિતીયના ગોદ લીધેલા પુત્ર નાના સાહેબે સંભાળ્યું હતું. એવું કહેવામાં આવે છે કે, બ્રિટિશ દ્વારા પેન્શનથી વંચિત કર્યા બાદ તેમણે વિદ્રોહનો હિસ્સો બનવાનો નિર્ણય કર્યો હતો. જોકે, ત્યાં અંત સુધી યુદ્ધને જીવીત રાખવાનો શ્રેય તાત્યા ટોપેને જાય છે. પરંતુ તેમણે પણ અંતમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી અને તેમને મોતની સજા સંભળાવી હતી.
ઝાંસી: રાણી લક્ષ્મીબાઈ દત્તક પુત્રને સિંહાસનનો અધિકાર આપવાનો ઈનકાર કરતા બ્રિટિશરો સામે વિદ્રોહનું નેતૃત્વ કર્યું હતું. અંગ્રેજો સામે હાર સુધી તેમણે દુશ્મનોનો મુકાબલો કર્યો હતો.
ગ્વાલિયર: રાની લક્ષ્મીબાઈને બાદમાં તાત્યા ટોપેનો સાથ મળ્યો અને ગ્વાલિયરને હાંસલ કરવામાં સફળતા મળી હતી. જોકે, રાણી લક્ષ્મીબાઈએ બહાદુરી પૂર્વક અંગ્રેજો સામે લડીને દુનિયાને અલવિદા કહી દીધી હતી.
બિહાર: જગદીશપુર રાજવી પરિવારના કુંવર સિંહના નેતૃત્વમાં આ વિદ્રોહ લડવામાં આવ્યો હતો. આ ઉપરાંત 1857ના વિદ્રોહમાં દિલ્હી અને મેરઠનું નામ પણ સામેલ છે.
વિદ્રોહને ભલે નિષ્ફળ ગણાવ્યો પરંતુ તેમાં કેટલીક મહત્વની વાતો ભારતીયોના હિતમાં રહેલી છે. જેમાં કંપનીના શાસનનો અંત, બ્રિટિશ રાજના હાથમાં સત્તા આવવી, ધાર્મિક સમાનતા વહીવટી ફેરફારો અને પુનર્ગઠન જેવી વાતોનો સમાવેશ થાય છે.