16 વર્ષના છોકરાએ પિતાની સોપારી આપી શૂટરો પાસે કરાવી હત્યા, કારણ જાણી માથું ફરી જશે
આરોપીએ પુત્ર અગાઉ પણ તેના પિતાની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો
Uttar Pradesh News: ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં 16 વર્ષના છોકરાએ ત્રણ શૂટરોને સોપારી આપીને તેના જ પિતાની હત્યા કરાવી નાખી. આશ્ચર્યની વાત એ છે કે પુત્રએ આ માટે શૂટરો સાથે રૂ. 6 લાખમાં ડીલ થઈ હતી અને રૂ. 1.5 લાખ એડવાન્સ પણ આપ્યા હતા. પુત્રએ તેના પિતાની હત્યા કરાવી કારણ કે તેને પૈસા ન આપ્યા હતા.
સગીર પુત્રની ધરપકડ
આ મામલે પોલીસે જણાવ્યું કે, '16 વર્ષના સગીર પુત્રની ધરપકડ કરવામાં આવી છે, જેણે તેના પિતાની હત્યા માટે ત્રણ શૂટરોને સોપારી આપી હતી. ગુરુવારે પટ્ટી વિસ્તારમાં વેપારી મોહમ્મદ નઈમ (50)ની બાઈક પર આવેલા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી.'
પોલીસના જણાવ્યાનુસાર, ત્રણ હુમલાખોરો પીયૂષ પાલ, શુભમ સોની અને પ્રિયાંશુની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન આરોપીઓએ જણાવ્યું કે વેપારી નઈમના પુત્રએ આ હત્યાને અંજામ આપવા માટે સોપારી આપી હતી. નઈમના પુત્રએ શૂટરો હત્યા કરવા માટે રૂ. 6 લાખ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. તેણે હત્યા પહેલા જ રૂપિયા 1.5 લાખ આપ્યા હતા અને પિતાની હત્યા કર્યા પછી બાકીની રકમ ચૂકવશે.
અગાઉ પિતાની હત્યા કરવાની યોજના બનાવી હતી
સગીર પુત્ર તેના પિતાથી ગુસ્સે હતો કારણ કે પિતાએ તેને જોઈતા પૈસા નહોતા આપ્યા. આ સગીરે પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે ઘણીવાર દુકાનોમાંથી પૈસા કે ઘરેણાંની ચોરી કરી હતી. તેણે અગાઉ પણ તેના પિતાની હત્યા કરવાની યોજના બનાવી હતી, પરંતુ તે નિષ્ફળ ગયો હતો. પોલીસે ધરપકડ કરાયેલા શૂટરોને જેલમાં મોકલી દીધા છે, જ્યારે સગીરને બાળ ગૃહમાં મેકલવામાં આવ્યો છે.