મમ્મીએ મોબાઇલ છીનવતા લાગી આવ્યું, 10મા ધોરણની વિદ્યાર્થિનીએ કરી આત્મહત્યા
16 Year Old Girl Commits Suicide: ઉત્તર પ્રદેશના કૌશામ્બીથી એક હૃદયદ્રાવક મામલો સામે આવ્યો છે. અહીં એક 16 વર્ષની છોકરીએ નજીવી વાત પર નારાજ થઈને આત્મહત્યા જેવું ભયાનક પગલું ભર્યું છે. 10માં ધોરણની વિદ્યાર્થીનીએ પોતાના ઘરની અંદર છતના હૂકથી ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. પોલીસે બુધવારે આ જાણકારી આપી છે.
મમ્મીએ મોબાઇલ છીનવતા લાગી આવ્યું
વાસ્તવમાં ઘટના એવી હતી કે, વિદ્યાર્થિનીની મમ્મીએ તેના પરથી મોબાઈલ છીનવી લીધો હતો. આ નજીવી વાતનું તેને એટલું માઠું લાગી આવ્યું કે, તેણે આત્મહત્યા કરવાનો નિર્ણય લઈ લીધો.
સિરાથુ એરિયા ઓફિસર અવધેશ કુમાર વિશ્વકર્માએ આ મામલે જણાવ્યું કે, મૃતક હાઈસ્કૂલની વિદ્યાર્થિની હતી. તે બુધવારે બપોરે તેનો મોબાઇલ ફોન વાપરી રહી હતી ત્યારે તેની માતાએ તે ફોન છીનવી લીધો અને નજીકના ખેતરમાં ઘઉં કાપવા માટે જતી રહી. ત્યારબાદ છોકરીએ ઘરની અંદર છતના હૂકથી લટકીને આત્મહત્યા કરી લીધી હતી. ખેતરમાંથી પાછા ફરતી વખતે છોકરીની માતાએ સગીરનો મૃતદેહ જોયો અને ગ્રામજનો અને પોલીસને જાણ કરી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સગીરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. હવે આ ઘટના પાછળના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: સરકારે બળજબરીથી વક્ફ બિલ પસાર કરાવ્યું, બંધારણ પર હુમલો: સોનિયા ગાંધીના આકરાં પ્રહાર
અગાઉ પણ આવા મામલા સામે આવી ચૂક્યા છે
તમને જણાવી દઈએ કે, આ પ્રકારની આત્મહત્યાનો આ પ્રથમ મામલો નથી. અવારનવાર આ પ્રકારના મામલા સામે આવી રહ્યા છે. ગત વર્ષે જ યુપીના નોઈડામાં આત્મહત્યાનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો હતો. અહીં એક માતા-પિતાએ 16 વર્ષના દિકરા પરથી મોબાઈલ ફોન છીનવી લેતા તેમણે આત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, 'તપાસમાં સામે આવ્યું કે, મૃતક અભિષેક પોતાના અભ્યાસ પર ફોકસ નહોતો કરી રહ્યો તેથી તેમના માતા-પિતાએ તેનો મોબાઈલ ફોન છીનવી લીધો હતો.'