મ્યાંમારના 151 સૈનિકો પોતાનો જીવ બચાવવા ભારતના મિઝોરમમાં શરણ લેવા મજબૂર
Image Source: Twitter
- નવેમ્બરમાં પણ મ્યાંમારના 104 સૈનિકો ભારત આવી ગયા હતા
નવી દિલ્હી, તા. 31 ડિસેમ્બર 2023, રવિવાર
પાડોશી દેશ મ્યાનમાર હાલમાં અસ્થિરતાના સમયગાળામાંથી પસાર થઈ રહ્યો છે. આસામ રાઈફલ્સના એક અધિકારીએ શનિવારે જણાવ્યું હતું કે, સશસ્ત્ર જાતીય સમૂહે તેમના કેમ્પ પર કબજો કરી લીધા બાદ ઓછામાં ઓછા 151 મ્યાનમાર સૈનિકો મિઝોરમના લોંગટલાઈ જિલ્લામાં ભાગી આવ્યા છે.
મ્યાંમારના લગભગ 151 જેટલા સૈનિકો મિઝોરમના લોંગટલાઈ જિલ્લામાં ભાગી આવ્યા છે. પડોશી દેશમાં તેમના કેમ્પને કબજે કરવામાં આવતા તેમણે આસામ રાઈફલ્સનો સંપર્ક કર્યો હતો. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ભારતીય સરહદની નજીકના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી મ્યાંમાર સેના અને અરાકાન આર્મીના સૈનિકો વચ્ચે ઉગ્ર ગોળીબાર થઈ રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, શુક્રવારે મિઝોરમમાં પ્રવેશેલા મ્યાંમાર આર્મીના કેટલાક જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને આસામ રાઈફલ્સે પ્રાથમિક સારવાર આપી હતી. હાલ વિદેશ મંત્રાલય અને મ્યાંમારની સૈન્ય સરકાર વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે. મ્યાંમારના સૈનિકો થોડા દિવસ ભારતમાં રહેશે.
નવેમ્બરમાં પણ મ્યાંમારના 104 સૈનિકો ભારત આવી ગયા હતાં. તેમની પોસ્ટને મિલિશિયા પીપલ્સ ડિફેન્સ ફોર્સે કબજે લેતા ભારતીય વાયુસેનાએ તેમને એરલિફ્ટ કર્યા હતાં.