ઝારખંડના કોંગ્રેસ સાંસદની ઓડિશાની કંપનીમાંથી 150 કરોડની રોકડ મળી
- ધીરજ સાહુના ઘર સહિત પાંચ સ્થળો પર આઈટીના દરોડા
- આઈટી ટીમ રૂપિયા ગણવાની મશીનો મારફત એક દિવસમાં રૂ. 50 કરોડની નોટોની જ ગણતરી કરી શકી
રાંચી : ઝારખંડમાં કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના સાંસદ ધીરજ સાહુના ઘર સહિત પાંચ સ્થળો પર આવકવેરા વિભાગે દરોડા પાડયા છે, જેમાં ઓડિશા સ્થિત દારૂની કંપનીમાંથી રૂ. ૧૫૦ કરોડની રોકડ જપ્ત કરવામાં આવી છે. બલદેવ સાહુ એન્ડ ગૂ્રપ ઓફ કંપનીઝની બલાંગીર ઓફિસ પર દરોડા સમયે રોકડથી ભરેલી તિજોરીઓ જોઈને આઈટી વિભાગના અધિકારી પણ અશ્ચર્યચકિત થઈ ગયા હતા.
આઈટી વિભાગે જણાવ્યું હતું કે, બલદેવ સાહુ એન્ડ ગુ્રપ ઓફ કંપનીઝ બૌધ ડિસ્ટિલરી પ્રા. લિ.ની ભાગીદાર કંપની છે. કોંગ્રેસ સાંસદ ધીરજ સાહુના સ્થળો પર દરોડાની કાર્યવાહી ગુરુવારે ચાલુ રહી છે. આઈટી સૂત્રોએ જણાવ્યું કે, રાંચીના રેડિયમ રોડ સ્થિત ઘર સુશીલા નિકેતન તેમજ ઓડિશાની બાલાંગીર, સંબલપુર અને કાલાહાંડીમાં એક-એક સ્થળ પર દરોડા પાડવામાં આવ્યા છે અને આ કાર્યવાહી હજુ પણ ચાલુ છે. બુધવાર સુધીમાંરૂ. ૫૦ કરોડ સુધી નોટોની ગણતરી થઈ ગઈ હતી, પરંતુ વધુ પડતી રોકડ હોવાના કારણે નોટોની મશીનોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું.
ઝારખંડના લોહરદગા સ્થિત આવાસ પર પણ આઈટીની ટીમે દસ્તાવેજો ચકાસ્યા હતા. સવારથી લઈને મોડી રાત સુધી આઈટી વિભાગની ટીમ દસ્તાવેજો એકત્ર કરવામાં જોડાયેલી રહી. સૂત્રોના જણાવ્યા મુજબ આઈટી વિભાગની ઓડિશા ટીમની આગેવાનીમાં સરવે કરાઈ રહ્યો છે. કોલકાતા ટીમ પણ સહયોગ કરી રહી છે. બુધવારે વહેલી સવારે આઈટી અધિકારીઓની ટીમ લોહરદગા અને રાંચી સ્થિત ઘરે પહોંચી હતી. ઝારખંડના લોહરદગાના રહેવાસી ધીરજ સાહુ કોંગ્રેસના જૂના નેતા છે. વર્ષ ૧૯૭૭માં વિદ્યાર્થી નેતા તરીકે રાજકારણમાં પ્રવેશનાર ધીરજ સાહુ ત્રીજી વખત રાજ્યસભાના સાંસદ બન્યા છે.
અત્યારે પ્રાપ્ત માહિતી મુજબ હેસલામાં ચાર ગાડીમાં અધિકારીઓ અંદર ગયા છે. દરવાજા પર પોલીસનો ચોકી પહેરો ગોઠવાયો છે. ધીરજ સાહુની કંપનીના પ્લાન્ટ પર ગુરુવારે સવારે ૭.૦૦ વાગ્યાથી દરોડા શરૂ થતાં દોડધામ મચી છે. જોકે, હાલ સત્તાવાર રીતે કોઈ માહિતી અપાઈ નથી. કંપનીનો રામગઢ જિલ્લાના ઘુટૂઆ સ્થિત હેહલ, સિરકાના હેસલા, કુજૂના કરમા અને સારૂબેરામાં સ્પંજ આયર્ન પ્લાન્ટ છે. તેના ઘુટૂઆ હેહલ, સિરકા હેસલા સહિત રામગઢ ઓફિસમાં દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. સૂત્રો મુજબ અન્ય કેસમાં ઝારખંડના ઉદ્યોગપતિ રામચંદ્ર રુંગટાના રામગઢ અને રાંચી સ્થિત અનેક સ્થળોપર પણ સરવેની કામગીરી ચાલી રહી છે. ઈન્કમ ટેક્સના અધિકારીઓને અહીં સીઆરપીએફના જવાનોની સુરક્ષા પૂરી પડાઈ છે. રુંગટાના ઘર અને ઓફિસે પાંચ ગાડી ભરી અધિકારીઓ પહોંચ્યા છે.