Get The App

ચૂંટણી બાદ જમ્મુ-કાશ્મીર સામે મોટું સંકટ, 150 આતંકી ઘૂસણખોરીની ફિરાકમાં, BSFની ચેતવણી

Updated: Oct 12th, 2024


Google NewsGoogle News
ચૂંટણી બાદ જમ્મુ-કાશ્મીર સામે મોટું સંકટ, 150 આતંકી ઘૂસણખોરીની ફિરાકમાં, BSFની ચેતવણી 1 - image


- જમ્મુ-કાશ્મીરમાં શાંતિપૂર્વક યોજાયેલી ચૂંટણીથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું

- કોઇ પણ ઘૂસણખોરીનો જડબાતોડ જવાબ આપવા માટે જવાનો એલર્ટ, પાક.ના ઇરાદા સફળ નહીં થવા દઇએ ઃ બીએસએફ

- આતંકવાદને ફન્ડિંગ માટે પાકે. સરહદે ડ્રગ્સ દાણચોરી વધારી, મહિલા દાણચોરોના ઉપયોગની ભીતિને પગલે મહિલા જવાનો તૈનાત

- વિદેશ મંત્રી જયશંકર ઇસ્લામાબાદ જવાના છે એવામાં પાક.ની ઘૂસણખોરીની તૈયારીએ કારગિલ યુદ્ધની યાદો તાજી કરી

Jammu and Kashmir News | પાકિસ્તાન ફરી કારગિલમાં ઘૂસણખોરી કરી હતી તેવી જ ઘૂસણખોરી કરવાની ફિરાકમાં હોવાના સંકેતો મળી રહ્યા છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)એ એલઓસી પાર પાકિસ્તાન તરફ ૧૫૦ આતંકવાદીઓ ભારતમાં ઘૂસવાની ફિરાકમાં હોવાની ચેતવણી આપી છે. શિયાળાનો સમય શરૂ થવા જઇ રહ્યો છે. આ સમયગાળામાં જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા થતી હોય છે તે પહેલા જ પાકિસ્તાન મોટા પ્રમાણમાં આતંકીઓ ઘૂસાડવાની તૈયારીમાં હોવાના અહેવાલો સૈન્યને મળ્યા છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર શાંઘાઇ સહયોગ સંગઠનના સમ્મેલનમાં ભાગ લેવા માટે પાકિસ્તાન જવાના છે. એવા સમયે આ અહેવાલો સામે આવ્યા છે.  

૧૯૯૯માં તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ શાંતિનો સંદેશો લઇને લાહોર સુધી બસ યાત્રા કરી હતી. જે બાદ પાકિસ્તાને કારગિલ યુદ્ધ છેડી દીધુ હતું. એવામાં હાલ જ્યારે ભારતના વિદેશ પ્રધાન પાકિસ્તાન જઇ રહ્યા છે ત્યારે સમગ્ર એલઓસી પાસે 150થી વધુ આતંકીઓ સક્રિય હોવાની માહિતી સૈન્યને મળી છે. તેથી શું પાકિસ્તાન ફરી કારગિલ યુદ્ધની તૈયારી કરી રહ્યું છે તેવા સવાલો હાલ ચર્ચામાં આવ્યા છે. 

શ્રીનગરમાં પત્રકારોની સાથે વાતચીત દરમિયાન બીએસએફના ઇન્સ્પેક્ટર જનરલ (કાશ્મીર ફ્રન્ટ) અશોક યાદવે કહ્યું હતું કે એલઓસી પાર કેટલા આતંકીઓ છે તેની અમારી પાસે માહિતી છે, આ માહિતીના આધારે જ કોઇ પણ પ્રકારની ઘૂસણખોરીને નિષ્ફળ બનાવવામાં અમને સફળતા મળે છે. 

પાકિસ્તાન તરફથી કોઇ પણ પ્રકારની ઘૂસણખોરીનો પ્રયાસ થશે તો આકરો જવાબ આપવામાં આવશે. સામાન્ય રીતે એલઓસી પાસે 130થી 150 જેટલા આતંકીઓ હોવાની માહિતી મળી છે પરંતુ તેનાથી વધારે પણ હોઇ શકે છે.  

આ સાથે જ તેમણે નાર્કોટેરેરિઝમ અંગે પણ માહિતી આપી હતી, તેમણે જણાવ્યું હતું કે સમગ્ર એલઓસી પાસે પાકિસ્તાન તરફથી ડ્રગ્સ ઘૂસાડવાના પ્રયાસો થઇ રહ્યા છે. આ ડ્રગ્સના બદલામાં જે નાણા મળે છે તેનો ઉપયોગ આતંકવાદમાં થાય છે.

એવા પણ અહેવાલો છે કે જમ્મુ કાશ્મીરમાં તાજેતરમાં શાંતિપૂર્ણ રીતે ચૂંટણી યોજવામાં આવી હતી જેને કારણે પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે અને આ શાંતિને ડોળવા માટે આતંકીઓને ઘૂસાડવા માગે છે.

 બીએસએફના આઇજીએ કહ્યું હતું કે સરહદ પાસેના કેટલાક ગામડાઓ સંવેદનશિલ છે. ખાસ કરીને તંગધાર અને કેરણ સેક્ટરમાં સ્થિતિ ચિંતાજનક હોઇ શકે છે. આ વિસ્તારમાં અમે મોબાઇલ બન્કર તૈનાત કર્યા છે. એટલુ જ નહીં આ વિસ્તારમાં મહિલા જવાનોને પણ તૈનાત કરવામાં આવી છે કેમ કે અમને એવી માહિતી મળી છે કે ડ્રગ્સ તસ્કરો મહિલાઓને ડ્રગ્સ આપવા માટે મોકલી શકે છે. હાલમાં જવાનોને સરહદે યુદ્ધની સ્થિતિમાં પહોંચી વળવા માટે પરંપરાગત હથિયારી તાલિમની સાથે આધુનિક ટેક્નોલોજીની તાલિમ પણ આપવામાં આવી છે. 


Google NewsGoogle News