Get The App

ભારતમાં દર વર્ષે સર્જરી બાદ 15 લાખ દર્દીને થાય છે સંક્રમણ, ICMRના રિપોર્ટમાં ચોંકાવનારો ઘટસ્ફોટ

Updated: Jan 13th, 2025


Google NewsGoogle News
ભારતમાં દર વર્ષે સર્જરી બાદ 15 લાખ દર્દીને થાય છે સંક્રમણ, ICMRના રિપોર્ટમાં ચોંકાવનારો ઘટસ્ફોટ 1 - image


surgical site infection: ભારતમાં સર્જરી બાદ દર વર્ષે સરેરાશ 15 લાખ દર્દીઓ સંક્રમણનો ભોગ બને છે. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ(ICMR)ના તાજેતરના અહેવાલમાં સર્જરી પછીનું સંક્રમણ એટલે કે સર્જિકલ સાઇડ ઇન્ફેક્શન (SSI) અંગેની આ ચિંતાજનક સ્થિતિ સામે આવી છે.

હકીકતમાં SSI ત્યારે થાય છે જ્યારે સર્જરી દરમિયાન લગાવવામાં આવેલા ચીરામાં ઘૂસીને બેક્ટેરિયા તેને સંક્રમિત કરી દે છે. ICMRના રિપોર્ટ પ્રમાણે ભારતમાં સર્જરી બાદ દર્દીઓમાં SSI સંક્રમણનો દર 5.2% છે જે ઘણા વિકસિત દેશો કરતાં વધારે છે.

રિપોર્ટમાં અનેક વાતો સામે આવી

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે હાડકાં અને સ્નાયુઓ સાથે સંબંધિત સર્જરી અથવા ઓર્થોપેડિક સર્જરીના કિસ્સાઓમાં SSI દર 54.2 % છે, જે ખૂબ જ ચિંતાજનક બાબત છે. આ સમસ્યાનો સામનો કરવા માટે ICMR એ SSI સર્વેલન્સ નેટવર્ક લોન્ચ કર્યું છે.

આ પણ વાંચો: કોઈને મોક્ષની આશા તો કોઈ આધ્યાત્મિક યાત્રા પર, મહાકુંભમાં વિદેશી શ્રદ્ધાળુઓનો જમાવડો

તેનો ઉદ્દેશ્ય આવા સંક્રમણોને રોકવા માટે દેશભરના ડૉક્ટરોની મદદ કરવાનો છે. ICMR એ ત્રણ મુખ્ય હૉસ્પિટલો AIIMS દિલ્હી, કસ્તુરબા હૉસ્પિટલ, મણિપાલ અને ટાટા મેમોરિયલ હૉસ્પિટલ મુંબઈમાં 3,090 દર્દીઓની સર્જરીઓ પર આ અભ્યાસ કર્યો હતો.

આ દર્દીઓમાં સૌથી વધારે SSIનું જોખમ

સ્ટડીમાં સામે આવ્યું કે, ઓર્થોપેડિક સર્જરી કરાવતાં દર્દીઓમાં SSIનું જોખમ વધારે છે. કુલ દર્દીઓમાંથી 161 દર્દીઓ (5.2%) સર્જરી બાદ SSIની લપેટમાં આવ્યા હતા. સામાન્ય રીતે 120 મિનિટ એટલે કે બે કલાકથી વધુ સમય સુધી ચાલેલી સર્જરી બાદ દર્દીઓને SSIનું જોખમ વધી જાય છે. 

સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે, SSIની ઓળખ માટે ડિસ્ચાર્જ પછી દર્દીઓની દેખરેખ મહત્ત્વપૂર્ણ છે. 66% કિસ્સાઓમાં દર્દીઓ હૉસ્પિટલ છોડી ગયા બાદ સંક્રમણ સામે આવ્યું હતું. ડિસ્ચાર્જ પછી દેખરેખથી SSIના 66% કેસ શોધવામાં મદદ મળી.


Google NewsGoogle News