સરેરાશ આવક 15 લાખ, આયુષ્ય 84 વર્ષ...: નીતિ આયોગની બેઠકમાં તૈયાર કરાયું વિકસિત ભારતનું 'દ્રષ્ટિપત્ર'

Updated: Jul 28th, 2024


Google NewsGoogle News
સરેરાશ આવક 15 લાખ, આયુષ્ય 84 વર્ષ...: નીતિ આયોગની બેઠકમાં તૈયાર કરાયું વિકસિત ભારતનું 'દ્રષ્ટિપત્ર' 1 - image


Image Source: Twitter

Niti Aayog Meeting: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે શનિવારે વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની બ્લુપ્રિન્ટ તૈયાર કરવા માટે નીતિ આયોગ ગવર્નિંગ કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભારતને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે 'દ્રષ્ટિપત્ર' રજૂ કરવામાં આવ્યો હતો. દ્રષ્ટિપત્ર પ્રમાણે 2047 સુધીમાં માથાદીઠ આવક વાર્ષિક 15 લાખ રૂપિયા સુધી પહોંચાડવાની રહેશે હાલમાં લગભગ 2 લાખ રૂપિયા છે. તેમાં વર્તમાન સ્તરમાં આઠ ગણો વધારો કરવો પડશે. એવી જ રીતે GDPને 30 ટ્રિલિયન ડોલર સુધી પહોંચવું પડશે જે હાલમાં 3.3 ટ્રિલિયન ડોલર છે. તેમાં નવ ગણો વધારો કરવો પડશે.

દ્રષ્ટિપત્રમાં વિકસિત ભારતના સામાજિક સૂચકાંકોનું પણ મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. જેમ કે, 2047માં ભારતીયોની સરેરાશ ઉંમર 84 વર્ષ હશે જે હાલમાં 71 વર્ષ છે. કુલ પ્રજનન દર ત્યારે ઘટીને 1.8 રહી જશે જે હાલમાં 2.03 છે. પરંતુ આનો અર્થ એ નથી કે ત્યારે વસતીમાં ઘટાડો થશે. આજે દેશની વસતી 140 કરોડ છે પરંતુ ત્યારે તે 165 કરોડ સુધી પહોંચી જશે. પરંતુ ત્યારે આ વસતી દેશની તાકાત બનશે. 165 કરોડ લોકોમાંથી 112 કરોડ લોકો કાર્યકારી વય જૂથના હશે. હાલમાં આ શ્રેણીમાં 96 કરોડ લોકો છે. ત્યારે ભારત સૌથી વધુ કામ કરતા લોકો ધરાવતો દેશ હશે.

દ્રષ્ટિપત્ર પ્રમાણે વિકસિત ભારતમાં સાક્ષરતા દર 100% હશે જે હાલમાં માંડ માંડ 77% સુધી પહોંચી શક્યો છે. એવી જ રીતે લોકોની જીવનશૈલીમાં એટલો સુધારો થશે કે શિશુ મૃત્યુ દર ઘટીને માત્ર બે થઈ જશે. હાલમાં તે પ્રતિ હજાર 28 છે. મહિલાઓના સંદર્ભમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે વર્ક ફોર્સમાં મહિલાઓની ભાગીદારી 70 ટકા સુધી પહોંચશે જે હાલમાં માત્ર 37% છે. લિંગ સમાનતામાં સુધારો થશે અને ભારત ટોચના 10 દેશોમાં સામેલ થશે. હાલમાં તે 122મા નંબર પર છે.

ગરીબી મુક્ત ગામ બનાવવાનો લક્ષ્ય

વિકસિત ભારતના લક્ષ્યને હાંસલ કરવા માટે રાજ્યોએ ન માત્ર લોકોના જીવનધોરણને બદલવાની વ્યૂહરચના તૈયાર કરવાની રહેશે. પરંતુ આ સાથે જ રાજ્યોએ પણ રોકાણને આકર્ષિત કરવા માટે પણ વિગતવાર કાર્ય યોજના તૈયાર કરવી પડશે. વિકસિત ભારતના લક્ષ્યને હાંસલ કરવા માટે રાજ્યોને ગરીબી મુક્ત ગામો બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. નીતિ આયોગની બેઠક બાદ શનિવારે સાંજે પંચ દ્વારા આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપવામાં આવી હતી. નીતિ આયોગના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર બીવી આર સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે વિકસિત ભારતના લક્ષ્યને હાંસલ કરવા માટે તમામ બિંદુઓ પર રાજ્યો સાથે રચનાત્મક બેઠક થઈ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવા માટે ત્રણ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો.

1. ગરીબી મુક્ત ગામ બનાવવાનો લક્ષ્ય

બેઠકનો પ્રથમ મુદ્દો ગરીબી મુક્ત ગામ (શૂન્ય ગરીબ ગામો) બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ગરીબી નાબૂદ કરવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે મળીને લોકો માટે ચોવીસ કલાક, સાતેય દિવસ શુદ્ધ પીવાનું પાણી, આરોગ્ય અને શિક્ષણ અને વીજળી પૂરી પાડવા માટે કામ કરશે. બેંકિંગ અને બ્રોડબેન્ડ કનેક્શન સાથે રહેણાંક સુવિધાઓ પર કામ કરવામાં આવશે. યુવાનોને વધુ સારી રોજગારીની તકો પૂરી પાડવા અને તેમને ઉદ્યોગસાહસિક બનાવવા માટે કૌશલ્ય વિકાસની તાલીમ આપવામાં આવશે. ટેકનોલોજીનો ઉપયોગ કરીને જીવનશૈલી સુધારવા માટે કૃષિ, મેડિકલ અને અન્ય ક્ષેત્રોમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને પ્રોત્સાહન આપવું વગેરે સામેલ છે. લોકો માટે પરિવહનની ઉપલબ્ધતાને સરળ બનાવવાની દિશામાં રાજ્ય અને કેન્દ્ર સરકારો સાથે મળીને કામ કરશે.

2. રાજ્યોમાં રોકાણ માટે અનુકૂળ માહોલ સર્જવો

બેઠકમાં બીજો મહત્વનો મુદ્દો ઔદ્યોગિક વિકાસનો રહ્યો હતો. આયોગના સભ્ય ડો.અરવિંદ વિરમાણીએ કહ્યું કે હાલમાં કેટલાક રાજ્યોને બાદ કરતાં બાકીના રાજ્યોમાં રોકાણ માટે અનુકૂળ વાતાવરણ નથી. તેથી તમામ રાજ્યોએ પોતાના સ્તરે એવી નીતિ તૈયાર કરવી પડશે જે રોકાણને પ્રોત્સાહન આપવા માટે પ્રોત્સાહિત કરે. તેનાથી વિદેશી રોકાણને રાજ્ય સ્તરે આકર્ષવામાં મદદ મળશે.

3. પૂરનો ઉકેલ લાવવાનું લક્ષ્ય

નીતિ આયોગની બેઠકમાં ત્રીજો મુદ્દો પૂરનો રહ્યો હતો. રાજ્યો તરફથી કહેવામાં આવ્યું હતું કે દેશનો મોટો હિસ્સો પૂરથી પ્રભાવિત થાય છે જેના કારણે સામાન્ય લોકોની સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારોને પણ આર્થિક નુકસાન વેઠવું પડે છે. દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો વિસ્થાપિત થવા માટે મજબૂર હોય છે. આવી સ્થિતિમાં પૂરનો ઉકેલ લાવવા માટે 'નદી જોડો' જેવું અભિયાન ચલાવવાની જરૂર છે જેના પર કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સંમતિ બની છે.

4. રાજ્ય પોતાના સ્તર પર પ્લાન તૈયાર કરશે

આર્થિક વિકાસના લક્ષ્યને હાંસલ કરવા માટે રાજ્યો આર્થિક અને સામાજિક વિકાસને ધ્યાનમાં રાખીને યોજનાઓ તૈયાર કરશે. અત્યાર સુધીમાં ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને તમિલનાડુ જેવા રાજ્યોએ તેમના રાજ્યોમાં આર્થિક વિકાસ માટે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. બાકીના રાજ્યો પણ ટૂંક સમયમાં યોજના તૈયાર કરશે અને તેને નીતિ આયોગને સબમિટ કરશે.

5. કૃષિ ક્ષેત્રમાં મોટા ફેરફારની જરૂર

નીતિ આયોગના સભ્ય પ્રો. રમેશ ચંદ્રાએ જણાવ્યું કે, વિકસિત ભારતના લક્ષ્યને હાંસલ કરવામાં કૃષિ ક્ષેત્ર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેમાં રાજ્યો સાથે મળીને ઉત્પાદન ક્ષમતામાં વધારો અને ખેડૂતોને ફળદ્રુપ બિયારણોની પહોંચ સુનિશ્ચિત કરવી. ખેડૂતો માટે શ્રેષ્ઠ ટેકનોલોજી, યોગ્ય સિંચાઈ વ્યવસ્થા સાથે જ કૃષિ પેદાશોની ઉચ્ચ ગુણવત્તાની સંગ્રહ વ્યવસ્થાને પણ વિકસિત કરવાની જરૂર છે. 


Google NewsGoogle News