બ્રેક ધ ચેઇન : મહારાષ્ટ્રમાં 15 દિવસનું આંશિક લોકડાઉન, રાજ્યમાં 144ની કલમ લાગુ : ઉદ્ધવ ઠાકરેની જાહેરાત
- આખા રાજ્યમાં આવનારા 15 દિવસ સંચાર બંધી લાગુ કરવામાં આવી
લોકડાઉન શબ્દનો ઉપયોગ કરવાને બદલે ‘બ્રેક ધ ચેઇન’ એવું નામ આપ્યું
- ઇમરજન્સી સેવા સિવાયની તમામ ઓફિસો બધ રહેશે
- મજૂરો, ઓટો ચાલકો, આદિવાસીઓને સહેય કરાશે
મુંબઇ, તા. 13 એપ્રિલ 2021, મંગળવાર
દેશમાં કોરોના વાયરસની બીજી લહેર આવી છે, જેણે તબાહી મચાવી છે. આ બીજી લહેરથી દેશમાં સૌથી વધારે પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે. જ્યાં કોરોના વાયરસ બેકાબૂ બન્યો છે, દરરોજ 50 હજાર કરતા વધારે કેસ સામે આવી રહ્યા છે. ત્યારે છેલ્લા ઘણા દિવસોથી મહારાષ્ટ્રમાં લોકડાઉન લાગુ થવાની અટકળોનો અંત આવ્યો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે સંબોધન કર્યુ અને સાથે મહારાષ્ટ્રમાં 15 દિવસના આંશિક લોકડાઉનની જાહેરાત કરી છે.
આવતીકાલે રાત્રે 8 વાગ્યાથી આ નવા પ્રતિબંધો લાગુ થશે. આખા રાજ્યમાં 144ની કલમ લાગુ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે એવું બની શકે છે કે આ પ્રતિબંધો તમારા મન પ્રમાણેના ના હોય, પરતું તેમ છતા આ કરવું પડશે. આખા રાજ્યમાં આવનારા 15 દિવસ સંચાર બંધી લાગુ કરવામાં આવશે. તમણે લોકડાઉન શબ્દનો ઉપયોગ કરવાને બદલે ‘બ્રેક ધ ચેઇન’ એવું નામ આપ્યું છે.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે જરુરી સેવાઓને છોડીને તમામ ઓફિસો બંધ રહશે. જો કે બેંક, ઇ કોમર્સ, મીડિયા, ગાર્ડ, પેટ્રોલ પંપ વગેરેને આમાંથી છૂટ આપવામાં આવી છે. રેસ્ટોરેન્ટ ખુલા રહેશે, પરંતુ ત્યાં બેસીને ખાઇ શકાશે નહીં. રેસ્ટોરન્ટ માત્ર હોમ ડિલવરી અને ટેક અવે માટે ખુલી રહેશે.
કેન્દ્ર સરકાર પાસે ઓક્સિજનની મદદ માંગી
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે મહારાષ્ટ્રમાં ઓક્સિજનની સમસ્યા છે. એવામાં કેન્દ્ર સરકાર માર્ગ પરિવહનની સાથે-સાથે હવાઇ માર્ગો દ્વારા પણ રાજ્યમાં ઓક્સિજન મોકલી આપે. મહારાષ્ટ્રમાં આવશ્યક સેવાઓ સિવાયની તમામ સેવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ક્યાંય પણ જરૂરિયાત વિના મુસાફરી બંધ કરાશે. લોકલ અને અન્ય બસો દોડતી રહેશે. ઓટો-ટેક્સી સેવાઓ પણ ચાલુ રહેશે. આ તમામ સેવાઓ ઇમરજન્સી સેવાના કર્મચારીઓ માટે શરુ રાખવામાં આવી છે.
મજૂરો, રીક્ષાચાલકો અને આદિવાસીઓને સહાયઉદ્ધવ ઠાકરેએ જાહેરાત કરતા કહ્યું કે 12 લાખ મજૂરોને 1500-1500 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. રિક્ષા ચાલકોને પણ 1500 રૂપિયા આપવામાં આવશે. આ ઉપરાંત આદિવાસીઓને 2000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. અમે ફક્ત કોવિડ સંબંધિત સુવિધાઓ માટે 3300કરોડ રૂપિયા અલગ રાખ્યા છે. ઉદ્ધવ સરકારે સાડા પાંચ હજાર કરોડની આર્થિક સહાયનું પેકેજ તૈયાર કર્યું છે. જે લોકો પાસે રાશનકાર્ડ હશે તેમને ત્રણ મહિના સુધી મફતમાં રાશન આપવાની જાહેરાત પણ ઉદ્ધવ ઠાકરેએ કરી છે.