ધોની સામે બે ભૂતપૂર્વ પાર્ટનરોનો 15 કરોડનો બદનક્ષીનો કેસ
- માહી કાયદાકીય લડતમાં સપડાયો
- ધોનીએ ભૂતપૂર્વ પાર્ટનરો સામે 15 કરોડના ફ્રોડ અને કરાર ભંગનો કેસ કર્યો છે
નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને આઇપીએલમાં ચેન્નાઈ સુપરકિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની સામે તેના જ બે ભૂતપૂર્વ ધંધાકીય ભાગીદારોએ ૧૫ કરોડનો માનહાનિનો કેસ દિલ્હી હાઇકોર્ટમાં દાખલ કર્યો છે.
દિલ્હી હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલા આ કેસની ૧૮મી જાન્યુઆરીના રોજ સુનાવણી થશે. આ અંગે કેસ દાખલ કરનારા ધોનીના ભૂતપૂર્વ મિત્ર અને ભૂતપૂર્વ બિઝનેસ પાર્ટનર મિહિર દિવાકર અને તેમની પત્ની સૌમ્યા દાસે કેટલાય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સામે વળતરની માંગ કરતાં દિલ્હી હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.
મિહિરે જણાવ્યું હતું કે તેમની સામે ધોનીએ અયોગ્ય નિવેદન આપ્યા છે. ધોની સામે દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે ધોનીએ ૧૫ કરોડ રુપિયાના ગેરકાયદેસરના લાભ અને ૨૦૧૭ના કરાર ભંગના મામલામાં લગાવેલા ખોટા આરોપોના કેસમાં અરજદાર મિહિર દિવાકર અને સૌમ્યા દાસની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડાતું રોકવામાં આવે. ધોનીએ દિવાકર અને દાસ સામે દાખલ કરેલા કેસમાં દાવો કરવામાં આવ્યો છે કે બંનેએ ક્રિકેટ એકેડેમીની સ્થાપના માટેની જોગવાઈનું પાલન કર્યુ નથી અને ૧૫ કરોડની છેતરપિંડી આચરી છે.