75000 મેડિકલ સીટ, વન નેશન વન ઈલેક્શન, ગ્રીન જોબ્સ... PM મોદીના ભાષણના મહત્ત્વના મુદ્દા

Updated: Aug 15th, 2024


Google NewsGoogle News
PM modi

IMage: IANS



PM Narendra Modi Speech Highlights: દેશ આજે 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 11મી વખત દિલ્હીના લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો છે. પંચરંગી પાઘડી પહેરીને વડા પ્રધાન મોદીએ લાલ કિલ્લાની કિલ્લા પરથી વર્ષ 2047 સુધીમાં વિશ્વ સમક્ષ ભારતનું વિઝન રજૂ કર્યું હતું. વર્ષ 2047માં ભારત આઝાદીની 100મી વર્ષગાંઠની ઉજવણી કરશે અને ત્યાં સુધીમાં વડાપ્રધાને ભારતને ફરીથી સોને કી ચિડિયા બનાવવા સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમના ભાષણમાં તેમણે બાળકો, મહિલાઓ, છોકરીઓ, યુવાનો, વૃદ્ધો, સેના, ખેડૂતો વગેરે સહિત સમાજના દરેક વર્ગનો ઉલ્લેખ કર્યો હતો. તેમની સરકારના આગામી 5 વર્ષ માટેના લક્ષ્યોની રૂપરેખા રજૂ કરી હતી. તેમણે 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવા માટે દેશવાસીઓનો સહયોગ પણ માંગ્યો હતો. જાણો વડાપ્રધાન મોદીના 103 મિનિટના ભાષણની 10 મોટી વાતો...

મહિલાઓ સામે થતા ગુનાઓ અંગે ચિંતા વ્યક્ત કરી

વડાપ્રધાન મોદીએ તેમના ભાષણમાં દરેક ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારીનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આજે ભારતની મહિલાઓ ઈનોવેશન, ટેક્નોલોજી, રોજગાર, એરફોર્સ, આર્મી, નેવી, સ્પેસ સેક્ટરમાં પોતાની પ્રતિભા બતાવી રહી છે. આ સાથે જ તેમણે મહિલાઓ વિરુદ્ધ વધી રહેલા ગુનાઓ પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે માતાઓ અને બહેનો સામે ગુનાઓથી રોષ જોવા મળ્યો છે. ગુનો કરનારા પાપીઓને સજા થાય, તેમને ફાંસીએ લટકાવવામાં આવે, આ ડર ઉભો કરવો પડશે.

5 વર્ષમાં મેડિકલ સીટ વધારવાનો ટાર્ગેટ

વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણમાં આગામી 5 વર્ષમાં મેડિકલ કોલેજોમાં 75 હજાર બેઠકો વધારવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે હવે દેશના યુવાનોને મેડિકલ શિક્ષણ માટે દેશની બહાર જવું નહીં પડે. મેડિકલ રિસર્ચ પર એક લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. છેલ્લા 10 વર્ષમાં લગભગ એક લાખ મેડિકલ સીટમાં વધારો કરવામાં આવ્યો હતો અને આગામી 5 વર્ષમાં 75,000 સીટ વધારીને અમે યુવાનોને ભારતમાં રહીને મેડિકલ કોર્સ કરવાની તક આપીશું.

ઓલિમ્પિક્સ 2036ની યજમાની કરવાનું સ્વપ્ન

વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણમાં કહ્યું કે તાજેતરમાં પેરિસ ઓલિમ્પિક 2024 સમાપ્ત થયું છે. જેમાં ભારતીય ખેલાડીઓએ સારુ પ્રદર્શન કર્યું છે, અને મેડલ પણ જીત્યા છે. ભારત ઓલિમ્પિક 2036ની યજમાની કરવા માંગે છે. મોદી સરકાર આ માટે તૈયારી કરી રહી છે. ઓલિમ્પિક એસોસિએશન સાથે વાત કરીને આ લક્ષ્યાંક હાંસલ કરવાના પ્રયાસો કરવામાં આવશે.

આ પણ વાંચોઃ CM ભૂપેન્દ્ર પટેલે નડિયાદમાં ત્રિરંગો ફરકાવ્યો, મોટી સંખ્યામાં લોકો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં જોડાયા

ભારતના ગેમિંગ ઈન્ડસ્ટ્રીને વેગ આપશે

AI ટેક્નોલોજીનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાન મોદીએ ગેમિંગ ઈન્ડસ્ટ્રીને ઈન્ટરનેશનલ લેવલ પર લઈ જવાનું વચન આપ્યું હતું. આજે દેશમાં જ રમકડાં બને છે, જે હાઈટેક બની ગયા છે. ભારત એક વિશાળ ગેમિંગ ઈન્ડસ્ટ્રી પણ ધરાવે છે. AI ટેક્નોલોજીએ આ ઉદ્યોગને નવો આકાર આપ્યો છે. તેથી, અમે ભારતમાં બનેલા રમકડાં અને ગેમિંગને સમગ્ર વિશ્વમાં લઈ જઈશું.

સેક્યુલર સિવિલ કોડનો ઉલ્લેખ

વડાપ્રધાન મોદીએ આજે તેમના ભાષણમાં સેક્યુલર સિવિલ કોડનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે દેશમાં કોમ્યુનલ સિવિલ કોડ હજુ પણ અમલમાં છે, જેને સેક્યુલર સિવિલ કોડમાં બદલવાનો પ્રયાસ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે UCC વિશે પણ વાત કરી છે. સરકારને આ મુદ્દા પર વિચાર કરવા માટે કહેવામાં આવ્યું છે, જેથી દેશને ધાર્મિક ભેદભાવના વલણમાંથી મુક્તિ મળી શકે.

વન નેશન વન ઇલેક્શનનો ઉલ્લેખ કર્યો

વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણમાં વન નેશન વન ઈલેક્શનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે ચૂંટણી કરાવવામાં ઘણો સમય લાગે છે. ઘણા મહિનાઓ સુધી ચાલતી લાંબી પ્રક્રિયાને અનુસરવી પડે છે. તેને ખતમ કરવા માટે મોદી સરકારે સમગ્ર દેશમાં વન ઈલેક્શન કરાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. જેના માટે એક કમિટી બનાવવામાં આવી હતી, જેના માટે તૈયાર રિપોર્ટમાં કરાયેલી ભલામણોને અમલમાં મૂકવાના પ્રયાસો કરવામાં આવશે.

યુવાનોને ગ્રીન જોબ્સ આપવાનું લક્ષ્ય

વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણમાં ગ્રીન જોબ્સનું લક્ષ્ય નક્કી કર્યું હતું. તેમણે કહ્યું કે દેશમાં ગ્રીન જોબ્સનું કલ્ચર વધ્યું છે. સરકારનું ધ્યાન ઇલેક્ટ્રિક વાહનો, ગ્રીન હાઇડ્રોજન, નેટ ઝીરો એમિશન પર છે. આ સાથે દેશના યુવાનોને ગ્રીન જોબ મળશે અને દેશ પર્યાવરણ સંરક્ષણની દિશામાં આગળ વધશે.

કૃષિ ક્ષેત્રમાં સુધારાનું લક્ષ્ય

વડાપ્રધાન મોદીએ તેમના ભાષણમાં કૃષિ ક્ષેત્રને 2047ના વિકસિત ભારતનો મહત્વપૂર્ણ ભાગ ગણાવ્યો હતો. તેમણે કૃષિ ક્ષેત્રમાં સુધારાનો સંકલ્પ કર્યો અને લક્ષ્યો નક્કી કર્યા છે. કૃષિ ક્ષેત્રને જૂની પરંપરાઓમાંથી મુક્ત કરવામાં આવશે. આજે નવી ટેકનોલોજી દ્વારા ખેડૂતોને લોન આપવામાં આવી રહી છે. એન્ડ ટુ એન્ડ હોલ્ડિંગ આપવામાં આવી રહ્યું છે, જેથી ઓર્ગેનિક ફૂડ ઉદ્યોગને પ્રોત્સાહન મળી શકે. 


75000 મેડિકલ સીટ, વન નેશન વન ઈલેક્શન, ગ્રીન જોબ્સ... PM મોદીના ભાષણના મહત્ત્વના મુદ્દા 2 - image


Google NewsGoogle News