Get The App

છત્તીસગઢમાં એક કરોડના ઇનામી કમાન્ડર સહિત 14 નક્સલીનો સફાયો

Updated: Jan 22nd, 2025


Google NewsGoogle News
છત્તીસગઢમાં એક કરોડના ઇનામી કમાન્ડર સહિત 14 નક્સલીનો સફાયો 1 - image


- સુરક્ષા દળોનું સફળ ઓપરેશન નક્સલવાદ માટે મોટો ફટકો : અમિત શાહ

- કોબ્રા કમાન્ડો, રાજ્યની પોલીસ સહિત ચાર દળોનું આખી રાત ઓપરેશન ચાલ્યું, મૃતકોમાં બે મહિલાઓ

- સ્થળેથી મોટા પ્રમાણમાં આઇઇડી અને રાઇફલો જપ્ત

- આ વર્ષે 40 નક્સલીઓ ઠાર, ગયા વર્ષની સંખ્યા 219

રાયપુર : છત્તીસગઢ-ઓડિશા સરહદ પાસે અર્ધ સૈન્ય દળો અને પોલીસના જવાનોએ મળીને નક્સવાદ વિરોધી ઓપરેશન પાર પાડયું હતું, આ ઓપરેશન દરમિયાન ૧૪ નક્સલીઓ માર્યા ગયા હતા. માર્યા ગયેલા નક્સલીઓમાં એક નક્સલીઓના કમાન્ડરનો પણ સમાવેશ થાય છે જેના પર એક કરોડનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. નક્સવાદ સામેનું આ સૌથી મોટુ ઓપરેશન માનવામાં આવે છે. જેને પગલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું હતું કે નક્સલવાદ સામે આ મોટો ફટકો છે. 

છત્તીસગઢના ગારિયાબન્ડ જિલ્લાના એસપી નિખિલ રાખેચાએ કહ્યું હતું કે માર્યા ગયેલા નક્સલીઓમાં જયરામ ઉર્ફે ચલપટીનો પણ સમાવેશ થાય છે. તે સીપીઆઇ(માઓસ્ટ) સાથે જોડાયેલો હતો અને પ્રશાસન દ્વારા તેના પર એક કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. જ્યારે જે અન્ય નક્સલીઓ માર્યા ગયા છે તેમની ઓળખ કરવામાં આવી રહી છે. 

વધુ વિગતો આપતા પોલીસે જણાવ્યું હતું કે સોમવારે છત્તીસગઢ-ઓડિશા સરહદ પાસે કુલ ૧૪ નક્સલીઓ માર્યા ગયા હતા જેમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ દરમિયાન મોટા પ્રમાણમાં આઇઇડી અને સેલ્ફ લોડિંગ રાઇફલ્સ સહિતના હથિયારોનો સમાવેશ થાય છે.  સોમવારે મોડી રાત્રે સુરક્ષાદળો અને નક્સલીઓની વચ્ચે સામસામે ભારે ગોળીબાર શરૂ થયો હતો, જે મંગળવારે સવાર સુધી ચાલ્યો હતો. આ સમગ્ર કાર્યવાહી મૈનપુર પોલીસ સ્ટેશનની હદમાં પાર પાડવામાં આવી હતી. મંગળવારે સવાર બાદ પણ ગોળીબાર શરૂ હતો જેને પગલે મૃતકોની સંખ્યામાં વધારો થઇ શકે છે. 

આ સમગ્ર ઓપરેશનને છત્તીસગઢ પોલીસ, ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ, સીઆરપીએફના કોબ્રા કમાન્ડો, રાજ્ય પોલીસના એસઓજી દ્વારા સંયુક્ત રીતે પાર પાડવામાં આવ્યું હતું. સુરક્ષાદળોની કાર્યવાહીના વખાણ કરતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું હતું કે નક્સલવાદ સામે આ વધુ એક ફટકો છે, નક્સલવાદ મૂક્ત ભારત બનાવવા તરફ સુરક્ષાદળોને આ મોટી સફળતા મળી છે. હાલ નક્સલવાદ તેનો અંતિમ શ્વાસ લઇ રહ્યું છે. આ સાથે જ છત્તીસગઢમાં આ વર્ષે કુલ ૪૦ નક્સલીઓ માર્યા ગયા છે. ૧૬ જાન્યુઆરીએ બિજાપુરમાં ૧૨ નક્સલીઓ માર્યા ગયા હતા. બાદમાં ૧૬મી જાન્યુઆરીના ૧૮ નક્સલીઓ માર્યા ગયા હતા. ગયા વર્ષે છત્તીસગઢમાં સુરક્ષાદળોએ કુલ ૨૧૯ નક્સલીઓ ઠાર કર્યા હતા.   


Google NewsGoogle News