મોદી સરકાર સાથે આ 14 મંત્રીઓની પણ હેટ્રિક, ફરી સંભાળશે મહત્ત્વપૂર્ણ મંત્રાલયો, શપથ પણ લીધા

Updated: Jun 10th, 2024


Google NewsGoogle News
મોદી સરકાર સાથે આ 14 મંત્રીઓની પણ હેટ્રિક, ફરી સંભાળશે મહત્ત્વપૂર્ણ મંત્રાલયો, શપથ પણ લીધા 1 - image


PM Modi Cabinet: લોકસભા ચૂંટણીમાં NDAની જીત બાદ રવિવારે (નવમી જૂન) નરેન્દ્ર મોદીએ ત્રીજી વાર વડાપ્રધાન પદના શપથ લીધા હતા.આ ઉપરાંત કુલ 71 સાંસદોએ મંત્રી તરીકે શપથ લીધા હતા. જેમાંથી 14 એવા ચહેરા છે જેમણે કેન્દ્રમાં મંત્રી બનવાની હેટ્રિક ફટકારી છે. આ તમામ ચહેરાઓએ સતત ત્રણ વખત મંત્રી તરીકે શપથ લીધા છે. આ યાદીમાં રાજનાથ સિંહ અને નીતિન ગડકરી સહિત અનેક દિગ્ગજ નેતાઓના નામ સામેલ છે.

આ 14 મંત્રીઓની હેટ્રિક

•રાજનાથ સિંહઃ ઉત્તર પ્રદેશની લખનઉ  બેઠકના સાંસદ રાજનાથ સિંહ ત્રીજી વખત કેન્દ્રમાં મંત્રી બન્યા છે. વડાપ્રધાન મોદીના પ્રથમ કાર્યકાળ દરમિયાન રાજનાથને ગૃહ મંત્રાલયની જવાબદારી મળી હતી. બીજામાં સિંહને રક્ષા મંત્રી બનાવવામાં આવ્યા. તેમણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પણ તેમણે ફરજ નિભાવી છે. 

•નીતિન ગડકરીઃ ઉંમર 67 વર્ષ. 2014થી મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી તરીકે ફરજ બજાવતા ગડકરી ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યા છે. સતત ત્રીજી વાર મહારાષ્ટ્રના નાગપુરથી ચૂંટણી જીતીને સાંસદ બન્યા છે. 

•જીતેન્દ્ર સિંહ: ઉંમર 67 વર્ષ. જમ્મુ કાશ્મીરની ઉધમપુર બેઠક પરથી સતત ત્રીજીવાર ચૂંટણી જીત્યા. ગત સરકારમાં પણ રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) રહી ચૂક્યા છે.

•રાવ ઈન્દ્રજીત સિંહ: ઉંમર 74 વર્ષ. હરિયાણાના ગુરુગ્રામથી સાંસદ છે. ગત સરકારમાં યોજના રાજ્યમંત્રી હતા. 2014ની ચૂંટણી સમયે કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષપલટો કર્યો હતો. 

•કિરેન રિજીજુઃ ઉંમર 52 વર્ષ. અરુણાચલ પશ્ચિમ બેઠકથી લોકસભા ચૂંટણી જીત્યા છે. પાછલી સરકારમાં મંત્રી હતા અને પૂર્વોત્તર રાજ્યોમાં ભાજપનો મહત્ત્વનો ચહેરો ગણાય છે.

•સર્બાનંદ સોનોવલઃ ઉંમર 62 વર્ષ. આસામના પૂર્વ મુખ્યમંત્રી છે અને આદિવાસી સમાજમાંથી આવે છે. ગત સરકારમાં મંત્રી હતા. આસામની દિબ્રૂગઢ બેઢક પરથી લોકસભા ચૂંટણી જીત્યા છે. 

•નિર્મલા સીતારમણઃ રાજ્યસભાના સાંસદ નિર્મલા સીતારમણ સતત ત્રણ વખત કેન્દ્રમાં મંત્રી રહી ચૂક્યા છે. 2014માં નાણા રાજ્યમંત્રી બન્યા. 2019માં તેઓ નાણા મંત્રાલય અને કોર્પોરેટ બાબતોના કેબિનેટ મંત્રી બન્યા.

•ગજેન્દ્ર સિંહ શેખાવતઃ ગજેન્દ્ર સિંહ શેખાવતે પણ સતત ત્રણ વખત કેન્દ્રીય મંત્રી તરીકે શપથ લીધા છે. વડાપ્રધાન મોદીના પ્રથમ કાર્યકાળમાં તેમને કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા હતા. વર્ષ 2019માં તેમને જલ શક્તિ મંત્રાલયની જવાબદારી મળી. આ વખતે પણ તેમણે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે.

•અર્જુન રામ મેઘવાલઃ વડાપ્રધાન મોદીના પ્રથમ કાર્યકાળમાં અર્જુન રામ મેઘવાલને સંસદીય કાર્ય મંત્રી બનાવવામાં આવ્યા હતા. વર્ષ 2019માં તેમને સંસદીય બાબતોના મંત્રાલય, સંસ્કૃતિ મંત્રાલય, કાયદા અને ન્યાય મંત્રાલયમાં રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા હતા.

•અનુપ્રિયા પટેલઃ અપના દળ (સોનેલાલ)ના નેતા અનુપ્રિયા પટેલે પણ ત્રીજી વાર મંત્રી બન્યા છે. આ વખતે પણ તેમને રાજ્યમંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે. અનુપ્રિયા ઉત્તર પ્રદેશની મિર્ઝાપુર બેઠકથી સાંસદ છે.

•હરદીપ સિંહ પુરીઃ રાજ્યસભાના સાંસદ હરદીપ સિંહ પુરીએ પણ સતત ત્રજી વાર કેન્દ્રીય મંત્રી તરીકે શપથ લીધા છે. 2019માં તેમને આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી હતી.

•ધર્મેન્દ્ર પ્રધાન: ઓડિશાના સંબલપુર બેઠકના સાંસદ ધર્મેન્દ્ર પ્રધાને રવિવારે સતત ત્રીજી વખત કેન્દ્રીય મંત્રી તરીકે શપથ લીધા. 2014માં તેમને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી અને 2019માં તેમને શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયની જવાબદારી મળી.

•મનસુખ માંડવિયાઃ આ યાદીમાં મનસુખ માંડવિયાનું નામ પણ સામેલ છે. પ્રથમ વખત તેમને રસાયણ અને ખાતર મંત્રાલયમાં રાજ્યકક્ષાના પ્રધાન બનાવવામાં આવ્યા હતા. 2019માં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી બન્યા.

•શ્રીપદ યેસો નાઈક: શ્રીપદ યેસો નાઈક 2014થી કેન્દ્રમાં મંત્રી છે. તેમણે ત્રીજી વાર રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા. 2019માં નાઈકને પ્રવાસન, બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયમાં રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા હતા.


Google NewsGoogle News