તિરુપતિના પ્રસાદમાં જાનવરની ચરબીના વિવાદ વચ્ચે 4 દિવસમાં 14 લાખ લાડુ વેચાયા

Updated: Sep 25th, 2024


Google NewsGoogle News
તિરુપતિના પ્રસાદમાં જાનવરની ચરબીના વિવાદ વચ્ચે 4 દિવસમાં 14 લાખ લાડુ વેચાયા 1 - image


- મંદિરના પ્રસાદમાં ભક્તોની આસ્થા અટલ છે

- તિરુપતિ મંદિરમાંથી ખરીદેલા પ્રસાદના લાડુમાંથી તમાકુના કાગળના ટૂકડા મળ્યા : મહિલા ભક્તનો દાવો

હૈદરાબાદ : આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુએ જગન મોહન રેડ્ડીની સરકારમાં તિરુમાલા તિરુપતિ દેવસ્થાન (ટીટીડી)માં ભગવાન વેંકટેશના દર્શને આવતા ભક્તોને અપાતા પ્રસાદના લાડુમાં જાનવરની ચરબીની કથિત ભેળસેળ થઈ હોવાનો દાવો કર્યા પછી સમગ્ર દેશમાં ભારે હોબાળો મચી ગયો છે. આવા સમયે પણ શ્રી વેંકટેશ્વર મંદિરમાં લાડુના પ્રસાદના વેચાણ પર કોઈ અસર થઈ નથી. છેલ્લા ચાર દિવસમાં મંદિરમાં ૧૪ લાખથી વધુ લાડુનું વેચાણ થયું હોવાનું મંદિર તંત્રે જણાવ્યું હતું.

તિરુપતિ મંદિરના લાડુના પ્રસાદમાં જાનવરની ચરબીના દાવાઓથી એકબાજુ રાજકીય હોબાળો મચેલો છે. કેન્દ્ર સરકારે તિરુપતિ મંદિરને કથિત રીતે ભેળસેળવાળું ઘી પુરું પાડતા સપ્લાયરને નોટિસ ફટકારી છે. આવા સમયમાં આ સમગ્ર વિવાદની લાડુના પ્રસાદના વેચાણ પર કોઈ અસર થઈ નથી.મંદિર તંત્રે કહ્યું કે, ૧૯મીએ ૩.૫૯ લાખ, ૨૦મીએ ૩.૧૭ લાખ, ૨૧મી ૩.૬૭ લાખ અને ૨૨મી સપ્ટેમ્બરે ૩.૬૦ લાખ લાડુનું વેચાણ થયું હતું. આમ આ વિવાદ વચ્ચે પણ તિરુપતિ મંદિરમાં પ્રસાદના લાડુનું સરેરાશ દૈનિક ૩.૫૦ લાખ જેટલું વેચાણ થયું હતું, જે રાબેતા મુજબ છે.

ભગવાન વેંકટેશના એક ભક્ત વેંકટેશ્વર રાવે જણાવ્યું હતું કે, અમારો વિશ્વાસ એટલો મજબૂત છે કે તેને હલાવી શકાશે નહીં. અન્ય કેટલાક ભક્તોનું પણ કહેવું છે કે લાડુ વિવાદ હવે ભૂતકાળ બની ગયો છે. મંદિરમાં દૈનિક ત્રણ લાખ લાડુ તૈયાર થાય છે. ભગવાન વેંકટેશના દર્શને આવતા ભક્તો પરિવારના સભ્યો, સંબંધીઓ અને મિત્રો માટે મોટી સંખ્યામાં લાડુનો પ્રસાદ લઈ જાય છે. 

દરમિયાન એક ભક્તે મંગળવારે દાવો કર્યો હતો કે મંદિરમાંથી તેણે ખરીદેલા પ્રસાદના લાડુમાંથી ગુટખાનું કાગળ નીકળ્યું હતું. જોકે, તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (ટીટીડી)એ મહિલા ભક્તના આક્ષેપોને નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું કે, તિરુપતિના લાડુમાંથી તમાકુની ભેળસેળ થયાનો દાવો કરવો ખૂબ જ ખેદજનક છે.

ખમ્મમ જિલ્લાની નિવાસી મહિલા ભક્ત દોન્થુ પદ્માવતીએ કહ્યું કે, તેમણે ૧૯ સપ્ટેમ્બરે તિરુપતિ મંદિરમાં ભગવાનના દર્શન કર્યા હતા અને અન્ય ભક્તોની જેમ તેણે પણ પરિવાર અને મિત્રો માટે લાડુનો પ્રસાદ લીધો હતો. હું સંબંધીઓમાં લાડુનું વિતરણ કરવાની જ હતી ત્યારે મને એક લાડુમાં નાના કાગળમાં તમાકુના રેપરના ટુકડા જોવા મળ્યા હતા. ભગવાનનો પ્રસાદ ખૂબ જ પવિત્ર હોય છે ત્યારે આ પ્રકારની વસ્તુ પ્રસાદમાંથી મળવી આઘાતજનક છે.

તિરુપતિના લાડુ વિવાદમાં પીએમ મોદીનું ભેદી મૌન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસે ગયા હતા. પીએમ મોદી હવે અમેરિકાના પ્રવાસેથી પાછા આવી ગયા છે ત્યારે દેશમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલતા તિરુપતિ મંદિરના પ્રસાદના લાડુના વિવાદ મુદ્દે તેમણે ભેદી મૌન જાળવ્યું છે. લાડુના પ્રસાદ વિવાદ મુદ્દે આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ પીએમ મોદીને પત્ર લખ્યો હતો અને પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે. બીજીબાજુ કેન્દ્ર સરકારે આ વિવાદ મુદ્દે તિરુપતિ મંદિરને ઘી પુરું પાડનારી કંપનીને નોટિસ ફટકારી છે.


Google NewsGoogle News