દેશના 14 કરોડ નાગરિકો ખાદ્ય સુરક્ષાથી વંચિત : સોનિયા
- 2021થી વસ્તી ગણતરી વિલંબમાં મૂકાઈ
- કોરોના કાળમાં ભૂખમરાથી બચાવનાર કાયદાને સરકારે વસ્તી ગણતરી ન કરાવીને ખોરંભે ચઢાવ્યો
નવી દિલ્હી : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ, પાર્ટીના સંસદીય દળના અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ સોનિયા ગાંધીએ સોમવારે વસ્તી ગણતરીની માંગ કરી હતી. વસ્તી ગણતરી ન થઈ હોવાથી ખાદ્ય સુરક્ષાનો લાભ ૧૪ કરોડ નાગરિકો સુધી ન પહોચ્યો હોવાનો તેમણે આરોપ લગાવ્યો હતો.
સોનિયા ગાંધીએ કહ્યું કે, યુપીએ સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા ઐતિહાસિક કાયદો હતો. તેનો ઉદ્દેશ ૧૪૦ કરોડ નાગરિકો માટેખાદ્ય અને પોષણ સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હતો. તેમણે દાવો કર્યો છે કે, લગભગ ૧૪ કરોડ લોકો ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ મફત અને સબસિડીવાળા અનાજના તેમના લાભોથી વંચિત છે.
રાજ્યસભાના ઝીરો અવર દરમિયાન તેમણે કહ્યું કે, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ લાભાર્થીઓની ઓળખ ૨૦૧૧ની વસ્તી ગણતરીના આધારે કરવામાં આવી હતી. સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં પહેલીવાર દસ વર્ષે કરાતી વસ્તી ગણતરી ચાર વર્ષ કરતા વધુ સમયથી વિલંબિત છે. વસ્તી ગણતરી ૨૦૨૧માં કરવાની હતી.
હવે, વસ્તી ગણતરી ક્યારે કરવામાં આવશે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. કોરોના કાળ દરમિયાન જનતાને ભૂખમરાથી બચાવનાર કાયદા મામલે સરકાર નિરસ હોવાનો તેમણે આરોપ લગાવ્યો હતો.