મહાશિવરાત્રીની શોભા યાત્રા દરમિયાન રાજસ્થાનનાં કોટામાં 14 બાળકોને ઇલે. શોક
- એક બાળક 22 ફીટના લોખંડના સળિયા સાથે બાંધેલો ધ્વજ લઇ જતો હતો ત્યાં સળિયો ઇલે. વાયરને સ્પર્શી જતાં બનેલી દુર્ઘટના
કોટા (રાજસ્થાન) : રાજસ્થાનનાં કોટામાં શિવરાત્રીની શોભા યાત્રા દરમિયાન ૧૪ બાળકોને ઇલેક્ટ્રિકનો શોક લાગ્યો હતો, તે પૈકી બેની સ્થિતિ ગંભીર છે. આ માહિતી આપતાં પોલીસે જણાવ્યું હતું કે તેઓને અહીંની હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં તત્કાળ સારવાર માટે દાખલ કરાયાં છે.
આ બાળકો મહાશિવરાત્રી નિમિત્તે યોજાયેલી શિવ બારાત શોભાયાત્રામાં ભાગ લઇ રહ્યાં હતાં. તે બાળકો ૧૦થી ૧૬ વર્ષની વયનાં જ છે.
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે અહીંના સાકાતૂરા વિસ્તારમાંથી આ શોભાયાત્રા પસાર થતી હતી ત્યારે તે પૈકી એકના હાથમાં લોખંડના સળિયા સાથે બાંધેલો ધ્વજ હતો. ૨૨ ફીટનો એ સળિયો અચાનક ઉપર રહેલા હાઈ ટેન્શન વાયરને સ્પર્શી જતાં તે ધ્વજ લઇ જતા બાળકને ભયંકર દાહ થયા હતા. જો કે તે શોકથી તેનું નિધન તો થયું ન હતી. તે બાળકને ૧૦૦ ટકા દાહ થયા હતા. જ્યારે બાજુમાં ઉભેલો બાળક જે તેને સ્પર્શી ઉભો હતો તેને ૫૦ ટકા દાહ થયા હતા. બાકીનાં ૧૨ બાળકોને ૫૦ ટકાથી ઓછા દાહ થયા હતા.
કોટાનાં એચ.પી. અમૃતા દુહને જણાવ્યું હતું કે આ દુર્ઘટના જ્યારે તે યાત્રા શુક્રવારે બપોરે કાલી બસ્તીમાંથી પસાર થઇ રહી હતી ત્યારે બની હતી. જ્યારે તે શોભાયાત્રામાં લોખંડના સળીયા સાથે બાંધેલો ધ્વજ લઇ જતા છોકરાને ૧૦૦ ટકા દાહ થયા હતા અને તેને બચાવવા જતા છોકરાઓને ૫૦ ટકાથી તેથી ઓછા દાહ થયા હતા. તે સર્વેને અત્યારે હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.