અમારે એમની પાસે જ ભણવું છે..' શિક્ષકની બદલી થતાં 133 બાળકોએ પણ એ જ સ્કૂલમાં એડમિશન લઈ લીધું

Updated: Jul 5th, 2024


Google NewsGoogle News
અમારે એમની પાસે જ ભણવું છે..' શિક્ષકની બદલી થતાં 133 બાળકોએ પણ એ જ સ્કૂલમાં એડમિશન લઈ લીધું 1 - image


Image Source: Twitter&Freepik

Telangana Government School: કહેવાય છે ને કે, બાળકના ભવિષ્યને ઘડવાની જવાબદારી શિક્ષકની હોય છે. જો સારા શિક્ષક મળે તો બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બની જાય છે. તેવી જ રીતે શિક્ષક માટે પણ આવા વિદ્યાર્થીઓ મૂલ્યવાન હોય છે જેઓ તેમની મહેનત દ્વારા તેમના શિક્ષકનું સન્માન વધારે છે. આ જ કારણ છે કે આપણી પરંપરામાં વિદ્યાર્થી માટે તેના શિક્ષક ભગવાન સમાન છે. વિદ્યાર્થીના પોતાના શિક્ષક પ્રત્યેના લગાવ અને પ્રેમની ઘણી કહાનીઓ આજે પણ પ્રચલિત છે. આવી જ એક કહાની દ્રોણાચાર્ય અને એકલવ્યની છે. એકલવ્યએ પોતાના ગુરુના કહેવા પર પોતાનો અંગૂઠો જ કાપીને ગુરુને દક્ષિણા તરીકે આપી દીધો હતો. ગુરુ-શિષ્ય પ્રેમની આ પરંપરા આપણા દેશમાં યુગોથી ચાલતી આવી છે. ગુરુ અને શિષ્ય વચ્ચેના પ્રેમનું આવું જ ઉદાહરણ થોડા દિવસો પહેલા તેલંગાણાની એક શાળામાં ભણતા વિદ્યાર્થીઓએ રજૂ કર્યું છે. એક સરકારી સ્કૂલમાંથી જ્યારે એક શિક્ષકની બદલી બીજી શાળામાં કરવામાં આવી તો તે સ્કૂલના વિદ્યાર્થીઓએ જૂની સ્કૂલ છોડીને એ જ સ્કૂલમાં એડમિશન લઈ લીધું જ્યાં એ શિક્ષકની બદલી થઈ હતી.

133 વિદ્યાર્થીઓએ છોડી જૂની સ્કૂલ

આ નવી સ્કૂલમાં એડમિશન લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા એક-બે નહીં પરંતુ કુલ 133 હતી. તમામ 133 વિદ્યાર્થીઓએ એક સાથે પોતાની જૂની સ્કૂલ છોડીને નવી સ્કૂલમાં એડમિશન લઈ લીધું. તમને જણાવી દઈએ કે, જે શ્રીનિવાસ તેલંગાણાની એક સરકારી શાળામાં શિક્ષક તરીકે કાર્યરત હતા. તેમને તેમના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને શિક્ષક પ્રત્યે ખૂબ જ લગાવ હતો. પરંતુ જ્યારે વિદ્યાર્થીઓને ખબર પડી કે હવે શ્રીનિવાસ સરની અન્ય કોઈ સ્કૂલમાં બદલી થઈ ગઈ છે અને હવે તેઓ આ સ્કૂલમાં તેમને ભણાવવા માટે નહીં આવી શકશે તો પહેલા તો તેઓ આ સ્વીકારવા તૈયાર જ ન હતા. પરંતુ પાછળથી જ્યારે તેમને સમજાયું કે આ સરકારી આદેશ છે અને શ્રીનિવાસ સરે જવું જ પડશે તો આ વિદ્યાર્થીઓએ તેમની જૂની સ્કૂલમાંથી તેમનું નામ કઢાવી નાખી એ જ સ્કૂલમાં એડમિશન લેવાનો નિર્ણય કર્યો જ્યાં શ્રીનિવાસ સરની બદલી થઈ હતી.

તેલંગાણાના શિક્ષણ અધિકારીઓ આ ઘટનાથી સ્તબ્ધ

પોતાના શિક્ષક પ્રત્યે વિદ્યાર્થીઓના આ લગાવ અંગે જ્યારે તેલંગાણાના શિક્ષણ અધિકારીઓને જાણ થઈ તો તેઓ પણ સ્તબ્ધ થઈ ગયા. મંચેરિયલ જિલ્લાના શિક્ષણ અધિકારીએ વિદ્યાર્થીઓના આ લગાવને અનોખું ગણાવ્યું છે. તેમણે કહ્યું કે ઘણીવાર એવું બને છે કે વિદ્યાર્થીઓ તેમના શિક્ષકો સાથે વધુ લગાવ અનુભવે છે. અને જ્યારે તે શિક્ષકની અન્ય કોઈ સ્કૂલમાં બદલી થાય છે ત્યારે આ વિદ્યાર્થીઓને ખૂબ જ દુ:ખ પહોંચે છે. પરંતુ આ પહેલીવાર બન્યું છે કે આટલા બધા વિદ્યાર્થીઓ માત્ર તેમના શિક્ષક સાથેના લગાવના કારણે એક સ્કૂલ છોડીનેબીજી સ્કૂલમાં પ્રવેશ મેળવે છે. આ તો કમાલ છે. 

વિદ્યાર્થીઓને જ્યારે પોતાના શ્રીનિવાસ સરની બીજી સ્કૂલમાં બદલીના સમાચાર મળ્યા તો પહેલા તો તેમણે તેમને મજાણ ગણી પરંતુ જ્યારે તેમને કહેવામાં આવ્યું કે બદલી અંગે સરકારી ઓર્ડર આવી ચૂક્યો છે ત્યારે તેમને વિશ્વાસ આવ્યો. આ સમાચાર સ્કૂલમાં ફેલાતા જ જાણે ચારે તરફ માતમ છવાય ગયો. તમામના આંસૂ વહેવા માંડ્યા. જાણે વિદ્યાર્થીઓ પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો હોય.

નવી સ્કૂલ જૂની સ્કૂલથી ત્રણ કિલોમીટર દૂર

શ્રીનિવાસ વિદ્યાર્થીઓને આશ્વાસન આપતા રહ્યા અને કહેતા રહ્યા કે, જુઓ આ સરકારનો આદેશ છે અને તેનું પાલન કરવું પડશે. હું તમારા સંપર્કમાં રહેવાનો પ્રયત્ન કરીશ. તમે બધા આગળ સારી રીતે અભ્યાસ કરો. પરંતુ વિદ્યાર્થીઓ સહમત ન હતા. તેઓએ કહ્યું કે સર અમે તમને જવા નહીં દઈએ અને તેમ છતાં પણ તમે જશો તો અમે એ જ શાળામાં એડમિશન લઈ લઈશું જ્યાં તમે જોઈન કરવા જઈ રહ્યા છો. ત્યારબાદ વિદ્યાર્થીઓએ પોતાના માતાપિતા સાથે વાત કરી અને તે જ સ્કૂલમાં એડમિશન લેવા માટે અરજી કરી દીધી. જે સ્કૂલમાં શ્રીનિવાસની બદલી કરવામાં આવી છે તે શાળા અકાપેલ્લિગુડામાં છે. તે જૂની સ્કૂલથી ત્રણ કિલોમીટર દૂર છે.

ધોરણ 1 થી ધોરણ 5 સુધીના છે આ વિદ્યાર્થીઓ

જો તમે એવું વિચારી રહ્યા હોય કે શ્રીનિવાસ સરના કારણે જે વિદ્યાર્થીઓએ બીજી સ્કૂલમાં એડમિશન લીધુ તે મોટા બાળકો હશે તો તમે ખોટા છો. જે બાળકોએ પોતાના માતા-પિતાને જૂની સ્કૂલને બદલે નવી સ્કૂલમાં એડમિશન લેવા માટે સમજાવ્યા છે તેઓ ધોરણ 1 થી ધોરણ 5 સુધીના બાળકો છે.

આ મારા પર તેમનો વિશ્વાસ વ્યક્ત કરે છે

બાળકો અને તેમના માતા-પિતાના આ નિર્ણય અંગે શ્રીનિવાસે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે માતા-પિતાનો આ નિર્ણય મારી ભણાવવાની પદ્ધતિમાં તેમનો વિશ્વાસ દર્શાવે છે. હું મારી ક્ષમતા મુજબ બાળકોને ભણાવતો હતો. ભવિષ્યમાં પણ હું આ જ રીતે બાળકોને ભણાવીશ. આજના સમયમાં સરકારી શાળાઓ પહેલા કરતા ઘણી સારી બની ગઈ છે અને હું ઈચ્છું છું કે વાલીઓ તેમના બાળકોને માત્ર સરકારી શાળાઓમાં જ મોકલે.


Google NewsGoogle News