For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સત્તાપક્ષ-વિપક્ષની નજર 131 અનામત બેઠક પર, દાયકાઓ સુધી કોંગ્રેસનું આ વોટબેન્ક પર રહ્યું છે વર્ચસ્વ

Updated: Apr 26th, 2024

સત્તાપક્ષ-વિપક્ષની નજર 131 અનામત બેઠક પર, દાયકાઓ સુધી કોંગ્રેસનું આ વોટબેન્ક પર રહ્યું છે વર્ચસ્વ

Lok Sabha Elections 2024: લોકસભાની કુલ 543 બેઠકોમાંથી 131 બેઠકો અનામતની શ્રેણીમાં આવે છે. એમાંથી 84 લોકસભા બેઠકો અનુસૂચિત જાતિ (એસસી) માટે અનામત છે. 47 બેઠકો અનુસૂચિત જનજાતિ (એસટી) માટે અનામત છે. આ બેઠકો પર એ સમુદાયના ઉમેદવારો જ લડી શકે. એટલે કે એસસી અનામતની બેઠકમાં બધા પક્ષોએ દલિતસમાજના ઉમેદવારોને ટિકિટ આપવી ફરજિયાત છે અને એસટી અનામતમાં આદિવાસી સમુદાયના ઉમેદવારોને ટિકિટ આપવી અનિવાર્ય છે.

લોકસભાની 543 બેઠકોની ચૂંટણી થાય છે. એમાંથી 84 બેઠકો એસસી અનામત છે, 47 બેઠકો એસટી અનામત છે. આ બેઠકો જે તરફ ઢળે એનો દિલ્હી સુધી પહોંચવાનો માર્ગ સરળ બની જાય છે.

વર્ષો સુધી કોંગ્રેસની મજબૂત પકડ હતી

આઝાદી પછી વર્ષો સુધી આદિવાસી-દલિત વોટબેંક પર કોંગ્રેસની મજબૂત પકડ હતી. ગુજરાત સહિતના દેશભરના આદિવાસી બેલ્ટમાં વિધાનસભાથી લઈને લોકસભાની બેઠકો સુધી સર્વત્ર કોંગ્રેસને જ સફળતા મળતી હતી. અનામત શ્રેણીની બેઠકોમાંથી એક સમયે કોંગ્રેસને 60-70 ટકા બેઠકો મળતી હતી અને બાકીની બેઠકો પ્રાદેશિક પાર્ટીઓના ઉમેદવારો વિજેતા બનતા હતા. 

આ ટ્રેન્ડ 1990ના દશકા પછી બદલાયો હતો. કોંગ્રેસની મજબૂત પકડ ઢીલી થવાની શરૂઆત એ દશકામાં થઈ હતી અને ભાજપે ધીમે ધીમે આદિવાસી-દલિત મતદારોને પોતાની તરફ વાળવામાં સફળતા મેળવી હતી. 1989થી 2014 સુધીના ઈલેક્શનમાં ચિત્ર એટલું બદલાઈ ગયું હતું કે આ ગાળામાં એસસી-એસટી શ્રેણીના કુલ 975 સંસદસભ્યો ચૂંટાયા હતા. એમાંથી 28 ટકા કોંગ્રેસના હતા તો 30 ટકા ભાજપના હતા.

2014ની ચૂંટણીથી ભાજપનો દબદબો

2014ની ચૂંટણીમાં ભાજપને મોદી-વેવનો ફાયદો આ અનામત બેઠકોમાં પણ મળ્યો હતો. 2014ની લોકસભાની ચૂંટણી વખતે એસસી અનામત 84 બેઠકોમાંથી 40 બેઠકો ભાજપને મળી હતી. કોંગ્રેસને માત્ર સાત બેઠકોથી સંતોષ માનવો પડયો હતો. તે સિવાયની બેઠકો પ્રાદેશિક પાર્ટીઓને મળી હતી. આટલી મોટી સંખ્યામાં ભાજપે અગાઉ ક્યારેય દલિત વોટબેંક પ્રભુત્વ જમાવ્યું ન હતું ને આટલું ધોવાણ કોંગ્રેસનું અગાઉ ક્યારેય થયું ન હતું. 

47 આદિવાસી અનામત બેઠકોમાંથી 27 બેઠકોમાં કમળ ખીલ્યું હતું. કોંગ્રેસને માત્ર પાંચ જ બેઠકો મળી હતી. એ સિવાયની બેઠકો પ્રાદેશિક પક્ષોને મળી હતી. આ પરિવર્તન પાછળ યુવા મતદારોનું ફેક્ટર બહુ જ મહત્ત્વની ભૂમિકામાં રહ્યું હતું. આ બંને સમુદાયના યુવા મતદારોને નરેન્દ્ર મોદીના વાયદામાં ભરોસો બેઠો હતો અને તેનો સીધો ફાયદો ભાજપને થયો હતો.

2024માં અનામત બેઠકો માટે ભાજપનો વ્યૂહ

ભાજપના નેતૃત્વમાં એનડીએ ગઠબંધને એસસી-એસટી અનામત બેઠકો માટે વ્યૂહ ઘડયો છે. એ બેઠકો જીતનાર પાર્ટી કે ગઠબંધન માટે દિલ્હી પહોંચવાનો માર્ગ વધુ સરળ બની જતો હોવાથી ભાજપ-કોંગ્રેસ બંનેએ મેનિફેસ્ટોમાં તેમને ધ્યાનમાં રાખીને વાયદાઓ કર્યા છે. પીએમ મોદી પીએમજનમન યોજનાથી આદિવાસી સમુદાયનું જીવનધોરણ બદલી જશે એવો દાવો કરે છે. 

ભાજપે રામનાથ કોવિંદને રાષ્ટ્રપતિ બનાવીને દેશના વિશાળ દલિત સમુદાયમાં સકારાત્મક અસર કરી હતી. 2022માં દ્રોપદી મુર્મૂ દેશના પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ બન્યાં હતાં. તેમને સર્વોચ્ચ બંધારણીય સ્થાન આપીને ભાજપે આદિવાસી સમુદાયને પોતાની તરફ વાળવાની દિશામાં મહત્ત્વનું પગલું ભર્યું હતું.

2014માં અનામત બેઠકો માટે કોંગ્રેસનો વ્યૂહ

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આદિવાસી-દલિત સમુદાયમાં ફરીથી પાર્ટીને મજબૂત કરવા માટે વારંવાર તેમને યોગ્ય પ્રતિનિધિત્વ આપવાનો મુદ્દો ઉઠાવ્યો છે. એ મુદ્દે રાહુલ કેન્દ્ર સરકારને પણ ઘેરી રહ્યા છે. કોંગ્રેસે દલિત નેતા મલ્લિકાર્જુન ખડગેને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ બનાવીને દલિત સમુદાયને કોંગ્રેસ મહત્ત્વ આપતી હોવાનો મેસેજ આપ્યો હતો. 

તેનાથી કોંગ્રેસને કર્ણાટક અને તેલંગણાની વિધાનસભાની ચૂંટણીમાં ફાયદો મળ્યો હોવાનું તારણ પણ રજૂ થાય છે. લોકસભામાં એ સમાજના મતદારોને કોંગ્રેસ તરફ ફરીથી વાળવા માટે કોંગ્રેસે મથામણ આદરી છે. મેનિફેસ્ટોમાં પણ ઘણાં વાયદાઓ કર્યા છે.

2019માં ભાજપે પ્રભુત્વ જાળવી રાખ્યું

2019ની ચૂંટણીમાં 2014ના પરિણામોને રિપીટ કરવામાં ભાજપને ધારી સફળતા મળી હતી. અનામત શ્રેણીની બેઠકોમાં ભાજપે વધારે મજબૂત પક્કડ જમાવી હતી અને કોંગ્રેસનો દેખાવ વધારે કથળ્યો હતો. ભાજપે એસસી શ્રેણીની 84માંથી 46 બેઠકોમાં કમળ ખીલવ્યું હતું. કોંગ્રેસના પંજામાં પાંચ બેઠકો જ આવી હતી. આદિવાસી અનામત બેઠકો પર પણ ભાજપનો ભગવો લહેરાયો હતો. 

47માંથી 31 બેઠકો ભાજપને મળી હતી. તો કોંગ્રેસને ચાર જ બેઠકોથી સંતોષ માનવો પડયો હતો. કોંગ્રેસની એક બેઠક ઘટી હતી. ભાજપે 2014ની તુલનાએ ચાર બેઠકો વધુ મેળવી હતી. આદિવાસી અને દલિત સમુદાય માટે ભાજપે પાંચ વર્ષમાં જે યોજનાઓ શરૂ કરી હતી તેનો લાભ 2019ની ચૂંટણીમાં મળ્યો હતો. વળી, ભાજપે આદિવાસી અને દલિત સમુદાયમાં મજબૂત યુવા નેતાગીરીને આગળ કરીને પણ મેદાન માર્યું હતું.

ભાજપ કોંગ્રેસ સિવાયની પાર્ટીઓના પ્રયાસો

રાષ્ટ્રીય પાર્ટી હોવાથી ભાજપ અને કોંગ્રેસની નજર તો 131 બેઠકો પર રહેતી આવે છે, પરંતુ તે સિવાયની ઘણી પ્રાદેશિક પાર્ટીઓ કે બે-પાંચ રાજ્યોમાં પ્રભુત્વ ધરાવતી પાર્ટીઓ પણ વિવિધ વ્યૂહ બનાવે છે. બહુજન સમાજવાદી પાર્ટીની સ્થાપના દલિત અધિકાર માટે જ થઈ હતી અને યુપીમાં પાર્ટીને સત્તા મળી હતી. સમાજવાદી પાર્ટી પણ દલિત વોટબેંક ધરાવે છે. 

બિહારમાં લાલુ પ્રસાદ યાદવની પાર્ટી રાજદ દલિત-આદિવાસી સમુદાયમાં સારી એવી પકડ ધરાવે છે. બિહારમાં રામ વિલાસ પાસવાને દલિત મતબેંકને ધ્યાનમાં રાખીને એલજેપીની સ્થાપના કરેલી. શિબુ શોરેને સ્થાપેલી ઝારખંડ મુક્તિ મોરચા રાજ્યના આદિવાસી સમુદાય પર પક્કડ ધરાવે છે. આમ આદમી પાર્ટી પણ દલિત સમુદાયની વોટબેંકને ધ્યાનમાં રાખીને વ્યૂહ બનાવે છે. પંજાબની વિધાનસભાની ચૂંટણીમાં આપને તેનો ફાયદો પણ મળ્યો હતો.

Article Content Image

Article Content Image


Gujarat