વીજળી નહી પાણીથી ચાલતી 130 વર્ષ જુની ઇકો ફ્રેન્ડલી ચક્કી, કલાકમાં 100 કિલો અનાજ દળાય છે
પાણીથી ચાલતી આ ચકકીનું નિર્માણ ૧૮૯૦માં થયું હતું.
નહેરમાં પાણી વહે છે ત્યારે પાણીના બળથી ચક્કી પણ ચાલવા લાગે છે.
ચંદિગઢ, 20,ફેબ્રુઆરી 2025, ગુરુવાર
એક જમાનામાં બે ભારેખમ પથ્થરોથી બનેલી ઘંટીઓ હાથેથી ફેરવીને લોકો અનાજ દળતા હતા. ત્યાર બાદ ઇલેકટ્રીક મોટરવાળી ફલોર ફેકટરીઓ આવી જેમાં એક કલાકમાં આઠથી દસ મણ અનાજ દળી શકાય છે પરંતુ એ જાણીને નવાઇ લાગશે અનાજ દળવાની ઘંટીઓ પાણીથી પણ ચાલતી હતી એટલું જ નહી પાણીના પ્રવાહ વડે ચાલતી ભારતની અનાજ દળવાની ઘંટી હરિયાણાના કેથળ જિલ્લામાં આવેલી છે.
પાણીથી આ ચાલતી ચકકીનું નિર્માણ ૧૮૯૦માં થયું હતું. આ ચક્કીની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં પીસાએલો લોટ જરાંય ગરમ થતો નથી.આમ તો પાણીથી ચાલતી આવી ચકકીઓ ખૂબ જોવા મળતી હતી પરંતુ હાલમાં પણ ચાલું હોય તેવી એક માત્ર વોટર ફલોર મીલ છે.આ ચક્કી એક નહેર પર બનેલી છે જયારે નહેરમાં પાણી ચાલે છે ત્યારે પાણીના બળથી ચક્કી પણ ચાલવા લાગે છે.
આની કાર્ય રચના ટર્બાઇન પ્રકારની છે. લોખંડના પંખા પર પાણી નાખવામાં આવે ત્યારે તેના પાંખીયાઓ ફરવા લાગતા ચક્કી શરુ થાય છે.આ વિસ્તારમાં ૧૦૦ વર્ષથી પણ જુની એવી પાણીથી ચાલતી ૫ પાણીની ચક્કીઓ છે. એક ચક્કીમાં કલાકે ૧૦૦ કિલો અનાજ દળાય છે. આ ચક્કીઓ હરીયાણા રાજયના સિંચાઇ વિભાગ હસ્તક આવે છે. આથી દર વર્ષે ચકકીઓ ચલાવવા માટે કોન્ટ્રાકટ આપવામાં આવે છે. જે વ્યકિત આવે તે પોતે જ જાતે અનાજ દળી લે છે. સમગ્ર ધંધો ઇમાનદારીથી ચાલે છે.
એક સમયે આ ચક્કી પર દળાવવા માટે સેંકડો લોકો આવતા હતા પરંતુ હવે પૂંડરી, ફતેહપુર, નૈના,ધોંસ, મ્યોલી, ફરલ, મુંદડી અને કાંકોત ગામના લોકો આવે છે. પહેલાના સમયમાં ઇકો ફેન્ડલી ચક્કીઓ નહેર વિસ્તારમાં પાણીના ફોર્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી પરંતુ ભૌતિક જમાનાની સાથે ઇલેકટ્રિક યુગ આવ્યો જેમાં પાણીથી ચાલતી ઘંટીઓ ભૂલાઇ ગઇ તેની યાદ આપે છે.